News of Monday, 2nd February 2026
બજેટઃ ફફડાટ અને સડસડાટ
સંતુલન સાધવા પ્રયાસ, પણ અસંતુલન વધવાનો ડરઃ રાજકીય ચશ્મા વગર બજેટ જોવાની ટેવ પાડવી પડશેઃ નિષ્ણાંતો પણ ચશ્માધારી બની ગયા
સોનુ-ચાંદી આસમાનથી ધરતી તરફ ઝડપભેર પરત આવી રહ્યા છે. શેર બજાર પણ ડચકા ખાવા લાગ્યું છે. રોકાણકારોના હૈયા થરથરી જાય તે રીતે સોના ચાંદીની કિંમતો ગગડી હતી. રોકાણકારોનો મદાર બજેટ પર હતો, પણ બજેટ બાદ શેર બજારની હવા નીકળી ગઇ હતી. રોકાણકારોની દશા મોકાણકારો જેવી બની ગઇ છે.
બજેટની સમીક્ષા કરતા જણાય છે કે સરકારનું મુખ્ય લક્ષ્ય આર્થિક સ્થિરતા અને લાંબાગાળાનો વિકાસ છે. આ બજેટમાં મધ્યમ વર્ગ અને ગ્રામીણ અર્થતંત્ર વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારે માળખાગત સુવિધાઓ જેવી કે રેલવે, હાઈવે અને પોર્ટ્સ માટે જંગી ફાળવણી ચાલુ રાખી છે. આનાથી રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. વિકાસ સડસડાટ જાય તેમ છે,પણ રોકાણકારોમાં ફફડાટ નિヘતિરૂપે છે.
કરવેરાની વાત કરીએ તો, વ્યક્તિગત આવકવેરામાં અમુક રાહતો આપીને વપરાશ વધારવાનો પ્રયત્ન થયો છે. જોકે, મોંઘવારી સામે ઝઝૂમતા સામાન્ય માણસ માટે આ રાહતો કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું. બીજી તરફ, સ્ટાર્ટઅપ્સ અન ‘‘એમએસએમઇ'' ક્ષેત્ર માટે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ પગલું દેશના ઉદ્યોગ સાહસિકોને મજબૂત બનાવશે.
ખેતી ક્ષેત્રે ટેકનોલોજી અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો છે. કુદરતી ખેતી અને સંગ્રહ શક્તિ વધારવા માટેની જોગવાઈઓ પ્રશંસનીય છે. પરંતુ, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ વધુ નક્કર અમલીકરણની જરૂર જણાય છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ ફાળવણીમાં વધારો થયો છે, જે માનવ સંસાધન વિકાસ માટે જરૂરી છે.
બજેટમાં નાણાકીય ખાધને અંકુશમાં રાખવાનો સંકલ્પ દેખાય છે. આ વૈશ્વિક બજારમાં ભારતની શાખ મજબૂત કરશે. જોકે, સામાન્ય જનતા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ અને રોજિંદી ચીજવસ્તુઓની મોંઘવારી ચિંતાનો વિષય છે. આ બજેટ ‘વિકસિત ભારત' તરફનું એક સંતુલિત પગલું કહી શકાય. તેમાં કોઈ મોટા લોકપ્રિય લોભામણા વાયદાઓ કરવાને બદલે આર્થિક શિસ્ત પર વધુ ધ્યાન અપાયું છે.
એકંદરે આ બજેટ સાતત્ય જાળવનારૂ અને ભવિષ્યલક્ષી છે. તેની સફળતાનું માપદંડ યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર થનારા અમલીકરણ પર નિર્ભર રહેશે. ભારતની રાજનીતિની એક આગવી પરંપરા રહી છે. બજેટમાં ટપ્પા પડે કે ન પડે, શેરીના કાર્યકરોથી માંડીને નેતાઓ બજેટ અંગે નિષ્ણાત બનીને અભિપ્રાય આપવા માંડે છે. બજેટના પ્રતિભાવમાં ચશ્મા મહત્વના બને છે. વિપક્ષના ચશ્મામાંથી બજેટ બકવાસ જ દેખાય અને શાસકના ચશ્મા પહેર્યા હોય તો બજેટ સ્વર્ગ જેવું સુહાનુ લાગે.
આ બજેટ અંગે પણ ફાલતુ અભિપ્રાયો શેરીથી માંડીને ગાંધીનગર સુધી વ્યક્ત થાય છે. મીડિયા આવા ફાલતુ અભિપ્રાયને ન્યૂઝ ગણીને ચમકાવે છે.આヘર્ય તો એ છે કે હવે તો નિષ્ણાતો પણ રાજકીય ચશ્મા પહેરીને જ બજેટની સમીક્ષા કરે છે. તટસ્થ અને અભ્યાસુ સમીક્ષાનો દુકાળ પડ્યો છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
