<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બજેટઃ કાચના હીરા ચમકશે..

રાજકોટના વિકાસની વાતો થશે, શહેર વધુ બરબાદી તરફ જશેઃ સૂચવાયેલા વેરા ફગાવીને નેતાઓ હીરોગીરી કરશેઃ કામ કરી દેખાડીને રિયલ હીરા બનો

રૈયા રોડ પર અંડરબ્રિજમાં એક મહિનો રિપેરિંગ કામ ચાલ્‍યું, પણ પાણી લીકેજ દૂર ન થયું...આ બાબતની સત્તાધીશોને શરમ પણ આવતી નથી. સામાન્‍ય કામમાં પણ નિષ્‍ફળ જનારા નેતાઓ-અધિકારીઓ રાજકોટના વિકાસની મોટીમોટી વાતો ફટકારશે. કાલે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ છે. ફરી એકવાર આંકડાની માયાજાળ રચાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પ્રોજેક્‍ટ્‍સ અને વિકાસની ગુલબાંગો પોકારવામાં આવશે. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે શહેર ધીમે ધીમે બરબાદી તરફ જઈ રહ્યું છે. માત્ર ફ્‌લાયઓવર કે બગીચા બનાવવાથી વિકાસ નથી થતો.

રાજકોટમાં સાચી નેતાગીરી જાણે અલોપ થઈ ગઈ છે. દમ વગરના લોકો ખુરશી પર ગોઠવાઈ ગયા છે. આ નેતાઓ માત્ર સેટિંગ કરીને પ્રસિદ્ધિ મેળવવામાં મસ્‍ત છે. પ્રજાના પાયાના પ્રશ્‍નો ઉકેલવાને બદલે માત્ર ફોટો પડાવવાની સ્‍પર્ધા ચાલે છે. જ્‍યારે બજેટમાં નવા વેરા સૂચવવામાં આવે, ત્‍યારે તેને ફગાવી દેવાનું નાટક કરીને નેતાઓ ‘હીરો' બનવાનો પ્રયાસ કરશે. પણ યાદ રાખજો, કાચના હીરા ગમે તેટલા ચમકે, તે રિયલ નથી હોતા.

શહેરને સુખ, શાંતિ અને સલામતીની જરૂરિયાત છે. રાજકોટને અત્‍યારે ભવ્‍ય બજેટ કરતા વધુ જરૂર સુખ, શાંતિ અને સલામતીની છે. સામાન્‍ય નાગરિકને રસ્‍તા, પાણી અને ડ્રેનેજ જેવી  પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડે છે. ભ્રષ્ટાચાર અને નબળા આયોજનને કારણે શહેરની હાલત કફોડી બની છે. જો વિકાસ થોડો ઓછો થશે તો ચાલશે, પણ લોકોને શાંતિનો અહેસાસ થવો જોઈએ.

શહેરમાં વિપક્ષ સાવ નબળો છે, સાવ તૂટી ગયો છે, સાવ તોડી નાખવામાં આવ્‍યો છે, જેનો ફાયદો શાસક પક્ષ ઉઠાવી રહ્યો છે. વિપક્ષમાં દમ ન હોવાથી શાસકો  બેજવાબદાર બન્‍યા છે. પરંતુ ભાજપે સાવધાન થવાની જરૂર છે. જો સત્તાના નશામાં પ્રજાના અવાજને દબાવવામાં આવશે, તો લોકો પોતે જ વિપક્ષ બનીને રસ્‍તા પર ઉતરશે.

બજેટ માત્ર આંકડાનો ખેલ ન બની રહેવો જોઈએ. નેતાઓએ સસ્‍તી પ્રસિદ્ધિ છોડીને ખરેખર કામ કરવું પડશે. ત્રેવડ હોય તો કામ કરી દેખાડીને ‘રિયલ હીરા' બનો.

રાજકોટમાં શાંતિ, સુખાકારી, સલામતી માટે નેતાગીરીએ મેદાનમાં આવવાનું હોય, પણ અફસોસ છે કે નગર સેવકો જ નહિ, ધારાસભ્‍યો તથા સાંસદોને અને વિપક્ષ બધાં બેજવાબદાર બનવાની સ્‍પર્ધા જીતવા મરણિયા બન્‍યા છે.

(11:37 AM IST)