News of Friday, 6th February 2026
વિપક્ષી કુંડળીમાં 'રાહુ'નું નડતર
મોદી ડરી ગયાના ગતકડાં રાહુલ સતત ચલાવે છે, પણ રાહુલ ખુદ કોમેડિયન જેવા બની ગયા છેઃ કોંગ્રેસ જ નહિ, સમગ્ર વિપક્ષે 'રાહુ'નો ઇલાજ કરવો પડશે
ભારતીય લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું નેતૃત્વ એક જ દિશામાં વહી રહ્યું છે. રાહુલ ગાંધી સતત દાવો કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડરી ગયા છે. આ દાવાઓ પાછળ કોઈ મજબૂત તાર્કિક આધાર દેખાતો નથી. પરિણામે, જનતામાં આ વાતો માત્ર 'ગતકડું' બનીને રહી ગઈ છે.
લોકસભામાં તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો રાહુલ ગાંધીના ભાષણોમાં ગંભીરતાનો અભાવ જણાય છે. તથ્યો વગરના આક્ષેપો કરવાથી તેમની છબી એક ગંભીર રાજનેતા તરીકે ઉપસતી નથી. વારંવારની ભૂલો અને અસંસદીય વર્તનને કારણે તેઓ હાસ્યાસ્પદ સાબિત થાય છે. આ બાબત માત્ર કોંગ્રેસ માટે જ નહીં, પણ સમગ્ર વિપક્ષી ગઠબંધન માટે નુકસાનકારક છે. જ્યારે નેતૃત્વ નબળું હોય ત્યારે વિરોધ પક્ષોની એકતા પણ ડગમગવા લાગે છે.
સમજદારી અને રણનીતિનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે. કોંગ્રેસ પાસે સત્તાધારી પક્ષ સામે લડવા માટે કોઈ નક્કર રણનીતિ નથી. માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવાની નીતિ કામ કરી રહી નથી. જનતાના પાયાના પ્રશ્નો ઉઠાવવાને બદલે વ્યકિતગત હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ રણનીતિક ભૂલને કારણે કોંગ્રેસનો જનાધાર સતત તૂટી રહ્યો છે. જૂના કાર્યકર્તાઓ પક્ષ છોડી રહ્યા છે અને નવા મતદારો જોડાઈ રહ્યા નથી.
જ્યારે પણ રાહુલ ગાંધી વિવાદોમાં ફસાય છે, ત્યારે પ્રિયંકા ગાંધી મેદાનમાં આવે છે. તેઓ ભાઈના બચાવમાં તર્ક રજૂ કરે છે, પરંતુ તે પક્ષની મૂળ સમસ્યાનો ઉકેલ નથી. રાજનીતિમાં ભાવનાત્મક રક્ષણ કરતાં સંગઠનાત્મક શકિત વધુ જરૂરી છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી અને સમજદારીનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
લોકસભાની તાજેતરની ઘટનાઓ સાબિત કરે છે કે વિપક્ષી કુંડળીમાં 'રાહુ'નું નડતર યથાવત છે. જો કોંગ્રેસ પોતાની કાર્યશૈલીમાં મોટો ફેરફાર નહીં કરે, તો આગામી સમયમાં વધુ નબળી પડશે. સમજદારી અને ગંભીરતા વગરની રાજનીતિ દેશની જનતા સ્વીકારતી નથી. હવે સમય છે કે વિપક્ષ મજબૂત એજન્ડા સાથે મેદાનમાં આવે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સમગ્ર વિપક્ષનો મુખ્ય ચહેરો છે. તેઓ સરકારને બદલે મોદીજી સામે સતત હુમલા કરે છે. ઘણી વખત રાહુલ મહત્વના અને ગંભીર મુદ્દા ઉઠાવે છે, પણ રણનીતિ કે આવડતના અભાવે ખુદ વિલન બની જાય છે. આ પરંપરા સવા દાયકાથી ચાલે છે.ગજબ એ છે કે કોંગ્રેસને કંઈ વાંધો નથી. સમગ્રલક્ષી તટસ્થ અભ્યાસ કરો તો રાહુલના નેતૃત્વના કારણે મોદિત્વ વધારે મજબૂત બની રહ્યું છે. રાહુલનો ડર મોદીજીને નહિ, વિપક્ષને લાગવો જોઇએ.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
