<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કોંગ્રેસ અચાનક સ્‍ફૂર્તિમાં આવી!

ગોડસે નાટક રદ્‌ કરવા ફરજ પાડીઃ ગાંધીવાદને ગોડસે મુદ્‌ા પુરતો ન રાખોઃ ગાંધીજી દારૂ વિરોધી હતા, કોંગ્રેસ અડ્ડા પર ત્રાટકીને તાકાત દેખાડે

વર્ષો પછી કોંગ્રેસના પંજામાં થોડી જાન ફૂંકાઈ હોય તેવું લાગ્‍યું. રાજકોટ-જામનગરમાં ગોડસે પરના નાટકને અટકાવીને કાર્યકરોએ સાબિત કર્યું કે તેમના લોહીમાં હજુ  તાકાત છે. સવાલ એ છે કે આ સ્‍ફૂર્તિ માત્ર ઈતિહાસના મુડદાં ઉખેળવા પૂરતી જ કેમ? ગાંધીજીના નામે ગોડસેનો વિરોધ કરવો એ રાજકીય રીતે સૌથી સહેલું કામ છે. અસલી પડકાર તો ગાંધીજીના આદર્શોને આજના યુગમાં જીવંત કરવાનો છે.

વિપક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા અત્‍યારે આઈસીયુમાં વેન્‍ટિલેટર પર રહેલા દર્દી જેવી છે. કયારેક કયારેક વૈચારિક આંચકો આવે એટલે જનતાને લાગે કે સંગઠન જીવત ું છે. માત્ર વિચારધારાની લડાઈ લડવાથી પ્રજાના પેટ નથી ભરાતા. ભાજપને પછાડવા માટે ‘ગોડસે'ના પૂતળાં બાળવાને બદલે ‘ગલીઓ'માં ઉતરવું પડશે. રાજકોટમાં આજે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ એ જ ગાંધીનું ગુજરાત છે જ્‍યાં દારૂબંધી માત્ર કાગળ પર શણગારેલી કવિતા બનીને રહી ગઈ છે.

જો કોંગ્રેસ ખરેખર સ્‍ફૂર્તિમાં આવી હોય, તો આ ગેરકાયદેસર અડ્ડાઓ પર ત્રાટકે. પોલીસ અને તંત્રની મિલીભગત ખુલ્લી પાડે. જનતાને ત્‍યારે જ ખાતરી થશે કે કોંગ્રેસમાં સાચી તાકાત છે. કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ પક્ષને ઉધઈની જેમ કોરી રહ્યા છે. નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી નવરા થાય તો તેમને સામાન્‍ય માણસની પીડા દેખાય.

મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દે માત્ર વિરોધના નાટક કરવાને બદલે નિર્ણાયક લડત આપવાની જરૂર છે. પ્રજા અત્‍યારે મજબૂત વિકલ્‍પ શોધી રહી છે, પણ કોંગ્રેસ માત્ર ખાસ પ્રસંગોએ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે.

ગોડસેનું નાટક બંધ કરાવવું એ કદાચ વૈચારિક વિજય હોઈ શકે, પણ જનતાનો વિશ્વાસ જીતવા માટે દારૂ અને ડ્રગ્‍સ જેવા દૂષણો સામે સીધી લડાઇ છેડવી પડશે.

જો કોંગ્રેસ દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની હિંમત બતાવે, તો સામાન્‍ય જનતાનું પ્રચંડ સમર્થન તેને વગર માંગ્‍યે મળશે. બાકી, માત્ર બેઠા રહીને  પ્રેસ નોટો જાહેર કરવાથી ભાજપનો ગઢ નહીં તૂટે. હવે ‘ગાંધીવાદ' ને ફોટામાંથી બહાર કાઢીને રસ્‍તા પરના અન્‍યાય સામે લડવાનો સમય છે. વિરોધ પ્રદર્શન માત્ર પ્રતીકાત્‍મક નહીં, પણ પરિણામલક્ષી હોવું જોઈએ. જો આ જ જોશ  જળવાઈ રહેશે, તો જ રાજકારણમાં કોંગ્રેસનું અસ્‍તિત્‍વ ટકશે, અન્‍યથા ઈતિહાસના પાનાઓમાં પણ તેને સ્‍થાન મેળવવું મુશ્‍કેલ બની જશે. 

 

(11:17 AM IST)