<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ક્રિકેટમાં પાડી દેવું એ બહાદુરી નથી..

પાકિસ્‍તાન સામે રમવાનો ઇન્‍કાર ભારતે કરવાનો હોય, પણ BCCI માટે દેશ કરતા ધંધો મહાન હશે

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની ક્રિકેટ મેચ હંમેશા રમત કરતા રાષ્‍ટ્રવાદ અને લાગણીઓનો વિષય રહ્યો છે. વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાને ગતકડું કરીને ભારત સામે રમવા ઇન્‍કાર કર્યો હતો. બાદમાં રમવા માટે શરતો મૂકી, દબાણ આવતા શરતો વગર રમવા તૈયાર થઈ ગયું. આ ઘટના ભારતીય મીડિયામાં BCCIની બહાદૂરી તરીકે ચગાવાઈ હતી. સમગ્ર મુદ્દો ગહન ચિંતનનો છે. પાકિસ્‍તાનને ક્રિકેટ રમવા મજબુર કરવું કે મેદાનમાં તેને  હરાવીને ‘પાડી દેવું' એ જ માત્ર બહાદુરી નથી. સાચી બહાદુરી તો ત્‍યારે ગણાય જ્‍યારે દેશના સ્‍વાભિમાન માટે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે. જ્‍યારે સીમા પર સ્‍થિતિ ગંભીર હોય ત્‍યારે રમતને પ્રાધાન્‍ય આપવું યોગ્‍ય નથી.

ભારતે પાકિસ્‍તાન સામે રમવાનો સ્‍પષ્ટ ઇન્‍કાર કરવો જોઈએ. આતંકવાદ અને રમત સાથે ન ચાલી શકે તેવું વલણ મજબૂત હોવું જોઈએ. દુનિયાને બતાવવું જોઈએ કે ભારત માટે તેના સૈનિકો અને દેશની સુરક્ષા રમત કરતા ઘણી મોટી છે. પાકિસ્‍તાન સામે ન રમીને તેમનો વૈશ્વિક બહિષ્‍કાર કરવો એ મેદાનમાં જીતવા કરતા વધુ મોટો વિજય સાબિત થઈ શકે છે.

જો કે BCCI માટે દેશ કરતા ધંધો વધુ મહાન હોય તેવું લાગે છે. ભારત-પાકિસ્‍તાન મેચ દ્વારા થતી કરોડોની કમાણી અને બ્રોડકાસ્‍ટિંગના નફા સામે દેશની લાગણીઓ દબાઈ જાય છે. ક્રિકેટ બોર્ડ વ્‍યાપારી હિતોને કારણે પાકિસ્‍તાન સામે રમવા તૈયાર થઈ જાય છે. આ વલણ દર્શાવે છે કે રમતગમતના સંગઠનો માટે આર્થિક ફાયદો એ સર્વોપરી બની ગયો છે.

પાકિસ્‍તાન સાથેની મેચો માત્ર મનોરંજન કે રમત નથી, પરંતુ તે દેશના આત્‍મસન્‍માન સાથે જોડાયેલી બાબત છે. BCCI જેવી શક્‍તિશાળી સંસ્‍થા જો મક્કમ નિર્ધાર કરે, તો આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ  પણ ભારતની વાત માનવા મજબૂર થઈ શકે છે. પરંતુ જ્‍યારે નફો જ મુખ્‍ય ઉદ્દેશ્‍ય હોય, ત્‍યારે નૈતિક નિર્ણયો લેવા કઠિન બની જાય છે.

સાચો દેશપ્રેમ એ છે કે જ્‍યાં કોઈ પણ કિંમતે દેશના હિત સાથે સમાધાન ન થાય. પાકિસ્‍તાન સામે રમીને જીતવા કરતા, તેમની સામે ન રમીને પાડી દેવું વધારે શ્રેષ્ઠ ગણાય. ક્રિકેટ બોર્ડે સમજવું પડશે કે રમત કે ધંધો  કયારેય દેશથી ઉપર હોઈ શકે નહીં. રાષ્‍ટ્રનું સન્‍માન સૌથી ઉપર હોવું જોઈએ.

(12:10 PM IST)