<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ક્રિકેટરોનો પતંગ કપાયોઃ દોરા ગુંચવાયા!

અગાસી છોડીને મેદાનમાં ગયેલાના પૈસા પડી ગયાઃ નુર વગરનો ખેલ, હીરા ઘસાઇ ગયા..

 રાજકોટનું ખંઢેરી સ્‍ટેડિયમ હંમેશા રનનો પહાડ અને ઉત્‍સાહના ઘોડાપૂર માટે જાણીતું છે, પરંતુ આ વખતે સ્‍થિતિ કંઈક અલગ જ જોવા મળી. મકરસંક્રાંતિના માહોલમાં જ્‍યારે આખું શહેર આકાશમાં પતંગબાજીના પેચ લડાવવામાં વ્‍યસ્‍ત હતું, ત્‍યારે મેદાન પર ઉતરેલા ભારતીય ‘સિતારાઓ'ના પતંગ જાણે માંજા વગર જ કપાઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો.

          મેચની શરૂઆતથી જ ભારતીય ટીમની રણનીતિમાં સ્‍પષ્ટતાનો અભાવ દેખાયો. જે રીતે બેટ્‍સમેનોએ બિનજરૂરી શોટ્‍સ રમીને પોતાની વિકેટો ગુમાવી, તે જોઈને લાગતું હતું કે મેદાન પર પ્‍લાનિંગના ‘દોરા ગુંચાવાયા' છે. રાજકોટની સપાટ ગણાતી પિચ પર જ્‍યાં રનનો વરસાદ થવો જોઈએ, ત્‍યાં બેટ્‍સમેનો પેવેલિયન ભેગા થવા માટે ઉતાવળ કરતા હોય તેવું જણાતું હતું. જે પ્રેક્ષકો રજાના દિવસે પોતાની અગાસી અને પતંગનો આનંદ છોડીને મોંઘી ટિકિટો ખર્ચી સ્‍ટેડિયમમાં ગયા હતા, તેમને મન તો એવું જ થયું કે ‘પૈસા પડી ગયા'.

         ટીમમાં જે ખેલાડીઓને આપણે ‘હીરા' માનીએ છીએ, તેમનું પ્રદર્શન આ મેચમાં સાવ ફિક્કું રહ્યું. ન તો બોલિંગમાં ધાર જોવા મળી, ન બેટિંગમાં એ જૂનું નુર. ફિલ્‍ડિંગમાં પણ અનેક છબરડાઓ જોવા મળ્‍યા. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ જે આક્રમક રમતની અપેક્ષા રાખીને આવ્‍યા હતા, તેમને બદલે મેદાન પર એક નીરસ અને દિશાહીન ખેલ જોવા મળ્‍યો.  હીરા જેવા કિંમતી ખેલાડીઓનું ફોર્મ જાણે ઘસાઈ ગયું હોય તેમ મેદાન પર તેમની લાચારી સાફ દેખાતી હતી.

      મેચ બાદ કેપ્‍ટને હારનો સ્‍વીકાર કરતા જણાવ્‍યું કે, ‘અમે પિચને વાંચવામાં થાપ ખાઈ ગયા.' આ નિવેદન સ્‍પષ્ટ કરે છે કે ટીમ મેનેજમેન્‍ટની ગણતરીઓ ઊંધી પડી છે. બીજી તરફ, કોચે પ્રેસ કોન્‍ફરન્‍સમાં ‘પ્રોસેસ'  અને ‘ર્લનિંગ કર્વ'ની વાતો કરી, પણ વાસ્‍તવિકતા એ છે કે જ્‍યારે મહત્‍વની ક્ષણોમાં પરફોર્મ કરવાનું હતું, ત્‍યારે રણનીતિ શૂન્‍ય સાબિત થઈ. કેપ્‍ટનનો બચાવ મજબૂત દેખાતો નહોતો, કારણ કે પસંદગીથી લઈને રન-ચેઝ સુધી બધે જ ગૂંચવણો હતી.

       રાજકોટની આ મેચ માત્ર એક હાર નથી, પણ એક ચેતવણી છે. જો રણનીતિના ગૂંચવાયેલા દોરા ઉકેલવામાં નહીં આવે, તો આવનારા સમયમાં પતંગ હજુ વધુ ખરાબ રીતે કપાશે. રમતગમતના શોખીન રાજકોટીઓ માટે આ મેચ ‘નુર વગરનો ખેલ' સાબિત થઈ, જેમાં મનોરંજન ઓછું અને નિરાશા વધુ હતી.પરાજય બાદ સજા કરવાની પરંપરા ન હોવાથી ખેલાડીઓ બેજવાબદાર બની જતા હોય છે.અગાસીની મોજ છોડીને મેદાનમાં ગયેલા લોકોને ગઇ કાલે કંટાળાની મસ્‍ત ગિફટ મળી હતી.

(10:19 AM IST)