News of Friday, 13th February 2026
ગુજરાતની રાજનીતિમાં નબળાઇની સ્પર્ધા!
શાસકો પોતે સક્ષમ બનવાને બદલે વિપક્ષને નબળો પાડવામાં વ્યસ્તઃ ગુજરાતની દોટ બરબાદી તરફ
રાજકોટમાં વિપક્ષની જરૂર નથી. ભાજપના નવા હોદ્દેદારોને પક્ષના જ નેતાઓ જે રીતે ઉઘાડા પાડે છે, એ રોમાંચક છે. ભાજપ હાસ્યાસ્પદ બની રહ્યો છે, છતાં ‘ઉપરવાળા' ને કંઇ પડી નથી. કારણ કે વિપક્ષ શાસક કરતા પણ વધારે નબળો થઇ રહ્યો છે.
ગુજરાતની રાજનીતિ આજે એક એવા વળાંક પર છે જ્યાં લોકશાહીના મૂલ્યો કરતાં સત્તાના સમીકરણો વધુ હાવી થઈ રહ્યા છે. રાજ્યમાં શાસક પક્ષ પોતાની વહીવટી ક્ષમતા સાબિત કરવાને બદલે વિપક્ષને પાયામાંથી હચમચાવવાની રમત રમી રહ્યો છે. નબળા શાસકો ખુદ સક્ષમ બનવાને બદલે વિપક્ષને તોડીને જીતવાના ફાંફા મારી રહ્યા છે. આ નીતિ રાજ્યના ભવિષ્ય માટે ચિંતાજનક છે.
તાજેતરમાં જ આપના લડાયક નેતા રાજુ કરપડાનું રહસ્યમય રાજીનામું આ ગંદી રાજનીતિનો ભાગ હોઈ શકે છે. એક સક્ષમ અને પ્રજાના અવાજ તરીકે ઉભરી રહેલા નેતાને અચાનક પક્ષ છોડવો પડે તે લોકશાહીની નબળાઈ દર્શાવે છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડીને ભાજપે પોતાની રાજનીતિની દુકાન ચાલુ રાખી હતી.
જનતાના મતોનું અપમાન કરીને પક્ષાંતર કરાવવાની આ પરંપરા હવે ગુજરાતની ઓળખ બની ગઈ છે. ભાજપના નેતાઓમાં જો ખરેખર રાજકીય ત્રેવડ હોય, તો તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવું મક્કમ અને તાકાતવર શાસન આપવું જોઈએ. પ્રજાના કામો, કાયદો અને વ્યવસ્થા તેમજ વિકાસના જોરે લોકપ્રિયતા મેળવીને મતો લેવા જોઈએ. તેના બદલે વિરોધ પક્ષના નેતાઓને ડરાવી-ધમકાવી કે લાલચ આપીને પક્ષમાં સામેલ કરવા એ શાસકની નબળાઈ સિવાય બીજું કંઈ નથી. જ્યારે શાસક નબળો હોય ત્યારે જ તે વિપક્ષને ખતમ કરવાનો પ્રયાસ કરે છે.
સ્થિતિ એવી છે કે ગુજરાતમાં શાસક પક્ષ પાસે વિઝનનો અભાવ છે અને વિપક્ષ દિવસેને દિવસે નબળો પડી રહ્યો છે. સશક્ત વિપક્ષ વગરનું શાસન હંમેશા નિરંકુશ બને છે. જો રાજનીતિ માત્ર સત્તા મેળવવા માટે જ રમાશે, તો પ્રજાના પાયાના પ્રશ્નો રોળાઈ જશે. નબળો શાસક અને નબળો વિપક્ષ-આ બંનેના સંગમમાં સરવાળે તો ગુજરાતની જ બરબાદી થશે. જનતાએ હવે જાગળત થઈને આવી નબળી અને તોડફોડની રાજનીતિને નકારવાની જરૂર છે. શું આપણે સક્ષમ નેતળત્વને બદલે માત્ર સત્તાના ખેલ જોતા રહીશું?
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
