News of Monday, 16th February 2026
ક્રિકેટ સટોડિયા મેન ઓફ ધ મેચ!
શિવરાત્રીએ પાકિસ્તાન પર તાંડવઃ ખરો રોમાંચ મેદાન બહારઃ ૧૦ સેકન્ડના ૪૦ લાખથી માંડીને હજારો કરોડની ઉથલપાથલઃ દેશ જાય તેલ...
વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.ક્રિકેટમાં થતી હાર-જીતનું દેશભકિત સાથે બ્રાન્ડિંગ ભલે થઇ ગયું,પણ વાસ્તવમાં ક્રિકેટ બોર્ડની ટીમ જીતતી કે હારતી હોય છે. ખરા ખેલ તો મેદાનની બહાર ખેલાતા હોય છે.
મેદાન પર તો વિજય મેળવ્યો, પણ અસલી જમાવટ તો મેદાનની બહાર થઇ હતી. એક તરફ સરહદ પર લોહી વહે છે, ત્યારે બીજી તરફ ત્રાસવાદી દેશ સામે રમીને ભારત ફરી એકવાર પોતાની વિચિત્ર નીતિનો ભોગ બન્યું છે. દેશપ્રેમ અને નૈતિકતાને બાજુ પર મૂકીને માત્ર 'ખનખનિયા' મેળવવા માટે આ ખેલ રમાયો, જેમાં મેદાન બહાર બેઠેલા ખેલાડીઓએ અબજોની ઉથલપાથલ કરી છે.
ટીવી એડવર્ટાઈઝિંગ આ મેચનો સૌથી મોટો આર્થિક સ્ત્રોત રહ્યો છે. ૧૦ સેકન્ડની જાહેરાત માટે ૪૦ લાખ રૂપિયા વસૂલ્યા છે. આ એક જ મેચ દ્વારા બ્રોડકાસ્ટર્સે અંદાજે ૨,૦૦૦ કરોડ રૂપિયા ખિસ્સામાં નાખ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે બજાર માટે રાષ્ટ્રવાદ કરતા વ્યુઅરશિપ રેટિંગ્સ વધુ મહત્વના છે. જ્યારે દેશ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો હોય, આટલો મોટો વેપાર નૈતિક રીતે શરમજનક ગણાય.
હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રે પણ લૂંટનો વરસાદ વરસ્યો છે. કોલંબોમાં મેચ જોવા માટે ઉમટેલા ચાહકોએ પ્રીમિયમ ટિકિટો માટે ૧૧ થી ૧૫ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. ફ્લાઈટના ભાડામાં ૫૦૦%નો વધારો અને હોટલના રૂમોના આસમાની ભાવ દ્વારા આશરે ૧,૨૦૦ કરોડ રૂપિયાનું વધારાનું ટર્નઓવર ઉભું થયું છે.
સૌથી ભયાનક ખેલ સટ્ટા બજારમાં જોવા મળ્યો છે. આ મેચ પર વિશ્વભરમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો હોવાનો અંદાજ છે. ભારત જેવા દેશોમાં ગેરકાયદે હોવા છતાં, અંડરગ્રાઉન્ડ નેટવર્ક દ્વારા ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની હાર-જીત થઈ હોવાવું જાણકારો માને છે.. આ કાળું નાણું હવાલા દ્વારા વિદેશોમાં જતું હશે અને ઘણીવાર દેશવિરોધીપ્રવૃત્તિઓમાં વપરાતું હોવાનું માનવામાં આવે છે. આ રીતે મેદાન પર ભારત જીત્યું હોવા છતાં, મેદાન બહાર સટોડિયાઓ જ 'મેન ઓફ ધ મેચ'સાબિત થયા છે.
ક્રિકેટના નામે રમાતા આ ખેલમાં રાષ્ટ્રહિત કરતા અંગત સ્વાર્થ અને આર્થિક ફાયદાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.મોટા ભાગના ભારતીયો આટલું કંઇ સમજ્યા વગર ભારતની જીતનો જશ્ન મનાવીને ફટાકડાંની રમઝટ બોલાવે છે.આ મહાન ભારતની વિચિત્રતા ગણાય.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
