<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ટ્રમ્‍પનો સીંદરી બોમ્‍બ હાથમાં જ ફૂટયો!

દુનિયાને દઝાડવા નીકળેલા અમેરિકી રાષ્‍ટ્રપતિ ખુદ દાઝી ગયાઃ ટ્રમ્‍પનું ફરેલું મગજ હવે વિફરશેઃ હાસ્‍યાસ્‍પદ સ્‍થિતિ

દુનિયાને પોતાની આંગળીના ટેરવે નચાવવા નીકળેલા ‘ડોન' આજે ખુદ પોતાના જ જાળમાં ફસાયા છે. જે ટેરિફના નામે અમેરિકી રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ આખા જગતને ડરાવતા હતા, તે જ સીંદરી બોમ્‍બ આજે તેમના હાથમાં જ ધડાકાભેર ફૂટયો છે. અમેરિકી સુપ્રિમ કોર્ટે એક જ ઝાટકે ટ્રમ્‍પની આ ‘દાદાગીરી' ને ગેરકાયદેસર ઠેરવી દીધી છે.

 રાષ્‍ટ્રપતિના અહંકાર પર ન્‍યાયતંત્રનો આવો પ્રહાર કદાચ તેમણે સપનામાં પણ વિચાર્યો નહીં હોય.  ટ્રમ્‍પની જે ફિશિયારી આખી દુનિયામાં ગાજતી હતી, તે હવે પંચર પડેલા ટાયર જેવી થઈ ગઈ છે. સુપ્રિમ કોર્ટે તોતિંગ રિફંડ ચૂકવવાનો આદેશ આપીને ટ્રમ્‍પના ખિસ્‍સામાં મોટું ગાબડું પાડ્‍યું છે. જે ડોલર લૂંટવાના સપના જોતા હતા, હવે તે જ ડોલર વ્‍યાજ સાથે પાછા ગણવાનો વારો આવ્‍યો છે. જગત જમાદારની આ ફજેતી જોઈને આખું વિશ્વ ખડખડાટ હસી રહ્યું છે. ટ્રમ્‍પની આ નીતિ જેટલી વિચિત્ર હતી, એટલું જ તેનું પરિણામ પણ હાસ્‍યાસ્‍પદ આવ્‍યું છે.

જોકે, હાર માને તે બીજા!  ટ્રમ્‍પનું ‘ફરેલું મગજ' હવે સુપ્રિમ કોર્ટ સામે પણ શિંગડા ભરાવવા થનગની રહ્યું છે. કોર્ટના ચુકાદાને માનવાને બદલે તેઓ કોઈ નવી છટકબારી શોધવા એલાન કરી રહ્યા છે. જાણે અમેરિકાના કાયદા તેમના ઘરની ખેતી હોય!  આ જીદ હવે અમેરિકાની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાડી રહી છે. દુનિયાભરના દેશો હવે અમેરિકા પર વિશ્વાસ કરતા ડરી રહ્યા છે.

ટ્રમ્‍પની આ ટેરિફ નીતિ કોઈ ગંભીર અર્થશાષા નહીં, પણ કોઈ જિદ્દી બાળકની હઠ જેવી લાગતી હતી. પોતાની જ અદાલતમાં લપડાક ખાધા પછી પણ જો  તેઓ વિફરશે, તો અમેરિકાની રહીસહી આબરૂ પણ ધોવાઈ જશે. જગત જમાદાર હવે ખરેખર જોકર જેવી હાલતમાં મુકાયા છે. જે બીજાને દઝાડવા નીકળ્‍યા હતા, તેઓ આજે પોતાના જ અહંકારની આગમાં દાઝી રહ્યા છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ મનફાવે તેવા નિર્ણયો લેવા લાગ્‍યા અને મગજ વગરના નિવેદનો કરવા લાગ્‍યા હતા. તેમની મનોદશા વિવરિંગ જેવી બની ગઇ હતી. આ નેતાના કારણે માત્ર દુનિયાના દેશો જ નહિ, અમેરિકા પણ પરેશાન થઈ ગયું છે. હજુ પણ સુપ્રિમ કોર્ટના ચુકાદાને માનવા તૈયાર નથી. વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગણાતી લોકશાહી હાસ્‍યાસ્‍પદ બની ગઇ છે. હવે ટ્રમ્‍પના આગામી કદમ પર નજર મંડાઇ છે. 

(11:30 AM IST)