તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
સેન્સ વિરૃધ્ધ નોનસેન્સ
રાજકોટમાં ભાજપની આંતરિક બઘટાડી અને કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા પૂરી કરીઃ સેન્સ -નોનસેન્સની લડાઇમાં લોકોની સેન્સ મહત્વની બનશે
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામવાનો છે. એક તરફ સત્તાધારી ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. બીજી તરફ કોંગ્રેસ આ વખતે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. શહેરના રાજકારણમાં અત્યારે 'સેન્સ' અને 'નોનસેન્સ' વચ્ચેની લડાઈ સ્પષ્ટ દેખાઈ રહી છે. વર્ષોથી સતત સત્તા ભોગવતો ભાજપ હવે જવાબદારી ભૂલીને બેજવાબદાર બની ગયો છે. નેતા-નેતીઓની આંતરિક લડાઇમાં રાજકોટ શહેર અત્યારે બરબાદી તરફ ધકેલાઇ રહ્યું છે.
રાજકોટમાં ભાજપના નેતાઓ વચ્ચેની લડાઈ હવે શેરી-ગલી સુધી પહોંચી ગઈ છે. ધારાસભ્યો અને સાંસદોથી માંડીને પાયાના કાર્યકરોમાં સંકલનનો સદંતર અભાવ છે. સત્તાનો નશો એટલો ચડ્યો છે કે પક્ષમાં શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે. દરેક નેતા પોતાના વ્યકિતગત સ્વાર્થ અને અહમ સંતોષવા માટે સક્રિય છે. જેના કારણે સંગઠન નબળું પડી રહ્યું છે. પક્ષની અંદર કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદરોઅંદરની બઘડાટીના કારણે સામાન્ય કાર્યકરો પણ મુંઝવણમાં મુકાયા છે. જૂથવાદના કારણે જનહિતના મહત્વના નિર્ણયો અને વિકાસના કામો અટકી પડ્યા છે.
શહેરમાં પોલીસ, મહાનગરપાલિકા અને સત્તાધારી પક્ષ વચ્ચે જરાપણ તાલમેલ નથી. વહીવટી તંત્ર અત્યારે સંપૂર્ણપણે રામભરોસે ચાલી રહ્યું હોય તેમ જણાય છે. દરેક વિસ્તારમાં નાગરિક સુવિધાના પ્રશ્નોના ઢગલા પડ્યા છે. ટ્રાફિકની સમસ્યા અને ઉભરાતી ડ્રેનેજ લાઈનોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસામાં તૂટેલા રસ્તાઓ હજુ રિપેર થયા નથી. ભાજપના નેતાઓ પ્રજાના આ ગંભીર પ્રશ્નો ઉકેલવાને બદલે એકબીજાના ટાંટિયા ખેંચવામાં અને પક્ષમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં જ મશગૂલ છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને લાપરવાહી વ્યાપક બની છે. પ્રજાની સાચી ફરિયાદ સાંભળનાર કોઈ પદાધિકારી પાસે સમય નથી.
આ અંધાધૂંધી અને વહીવટી નિષ્ફળતા વચ્ચે કોંગ્રેસ ગંભીર બનીને મેદાનમાં આવી છે. જો કોંગ્રેસ આ વખતે એકજૂથ થઈને ભાજપના આંતરિક ડખા અને નિષ્ફળતાઓને જનતા સામે આક્રમક રીતે મૂકવામાં સફળ રહે, તો ચૂંટણીના પરિણામો અણધાર્યા આવી શકે છે. લોકોમાં ભાજપના બેજવાબદાર વહીવટ અને ભ્રષ્ટાચાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગ મોંઘવારી અને ટેકસના બોજ નીચે દબાયેલો છે. જો વિપક્ષ આ જનરોષને મતમાં પરિવર્તિત કરી શકે, તો રાજકોટના રાજકારણમાં મોટું પરિવર્તન નિશ્ચિત છે. હવે જોવાનું એ રહે છે કે રાજકોટની સમજદાર જનતા આ 'નોનસેન્સ' વહીવટ સામે પોતાની 'સેન્સ' વાપરીને કેવો ચુકાદો આપે છે. શહેરનું ભવિષ્ય હવે જાગૃત મતદારોના હાથમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
