હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઢાલ ખરી,પણ પ્લાસ્ટિકની!
ગૃહવિભાગ નામની ઢાલ અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં ઓગળી ગઇ હતીઃ ગુન્હાખોરી- નશાના પૂરમાં ઢાલ ડૂબી ગઇઃ ચૂંટણી વખતે રેલો આવતા...
ગુજરાતના શાસકો અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી દાવો કરે છે કે રાજ્યનો ગૃહ વિભાગ એ ગુજરાતની અતૂટ 'ઢાલ' છે. પરંતુ વાસ્તવિકતા તપાસતા આ ઢાલ લોખંડી નહીં પણ પ્લાસ્ટિકની સાબિત થઈ રહી છે. તાજેતરના વર્ષોમાં બનેલી ઘટનાઓ જોતા સ્પષ્ટ જણાય છે કે જ્યારે પણ ખરેખર સંકટ આવ્યું, ત્યારે આ સરકારી ઢાલ અગ્નિમાં મીણની જેમ ઓગળી ગઈ છે. ખાસ કરીને અગ્નિકાંડ જેવી હૃદયદ્રાવક ઘટનાઓમાં તંત્રની ઘોર નિષ્ફળતા ઉઘાડી પડી છે. નિર્દોષ લોકોના જીવ ગયા છતાં જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાને બદલે રાજકીય આટાપાટા રમીને મામલો ટાઢો પાડી દેવાની નીતિ અપનાવવામાં આવી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની દશા લાંબા સમયથી અત્યંત ખરાબ છે. ગુનાખોરીનો આલેખ સતત ઊંચો જઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે. સૌથી ગંભીર મુદ્દો નશાખોરીનો છે. ગુજરાતમાં દારૃબંધી માત્ર કાગળ પર અને ભાષણો પૂરતી જ મર્યાદિત હોય તેવું જણાય છે. શેરીએ ગલીએ વેચાતો ઝેરી દેશી દારૃ યુવાધનને બરબાદ કરી રહ્યો છે. જો સરકાર ખરેખર મક્કમ હોય અને આ ઢાલ મજબૂત હોય, તો એકવાર આ દેશી દારૃના અડ્ડાઓ કડકાઈથી બંધ કરાવી જુએ. પરંતુ હકીકતમાં, પોલીસ અને વહીવટી તંત્રની મીલીભગતથી આ કાળો કારોબાર બેરોકટોક ફૂલ્યોફાલ્યો હશે.
સૌરાષ્ટ્ર જેવા સંવેદનશીલ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ખાસ કડક અધિકારીઓની નિમણૂક કરવી પડી, તે જ હકીકત સાબિત કરે છે કે સ્થાનિક તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. જ્યારે સ્થાનિક ચૂંટણીઓ માથે આવે છે, ત્યારે જ શાસકોને જનતાની સલામતીનો 'રેલો' આવે છે અને અચાનક તંત્ર દોડતું થાય છે. ગુનેગારો બેરોકકટોક ફરે છે અને ગુનાઓ જામતા જાય છે. ગૃહ વિભાગની આ પ્લાસ્ટિકની બની ગયેલી ઢાલને કારણે જ ગુજરાત અસલામત બન્યું છે. મોટા મોટા સરકારી દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચે આજે આભ-જમીનનું અંતર દેખાય છે.
હવે સમય પાકી ગયો છે કે જનતા જાગૃત બને અને સવાલ પૂછે. અગ્નિકાંડ હોય કે ડ્રગ્સનું દૂષણ, સરકારની ઢીલી નીતિ અને સેટિંગ જ મુખ્યત્વે જવાબદાર હશે. આગામી ચૂંટણીઓમાં લોકોએ શાસકો પાસે આ સુરક્ષાના નામે ચાલતા દેખાડાનો અને સુરક્ષા વ્યવસ્થાની કથળેલી હાલતનો ચોક્કસ જવાબ માંગવો જરૃરી છે. જો ગૃહ વિભાગની ઢાલ ગુનેગારો સામે ન ઝૂકે અને સામાન્ય જનતાનું સાચું રક્ષણ કરે તો જ તેને ગૌરવશાળી ઢાલ કહી શકાય. બાકી, સંકટ સમયે ઓગળી જતી આવી પ્લાસ્ટિકની નબળી ઢાલથી ગુજરાત ક્યારેય સુરક્ષિત રહી શકશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
