<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જ્ઞાતિના સંમેલનોઃ ઘુઘરા વગાડો...

જ્ઞાતિ-સમાજના સામાન્‍ય પરિવારો બરબાદઃ નેતા-નેતી ખુદનો અને મળતિયાનો જ વિકાસ કરે છેઃ જ્ઞાતિ સંમેલનોમાં લોકોએ આક્રમક બનીને રાજનીતિને ઉઘાડી પાડવી જરૂરી


 

 રાહુલ ગાંધી બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં..રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે. ચૂંટણીનો પવન ફૂંકાતા જ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદના સમીકરણો તેજ બનવા લાગ્‍યા છે. વિવિધ  રાજકીય પક્ષો અને નેતાઓ હવે જ્ઞાતિ  સંમેલનોના ઓઠા હેઠળ મતદારોને રીઝવવા મેદાને પડ્‍યા છે. આ સંમેલનોમાં વિકાસ કે નીતિઓની વાતો ગૌણ બની જાય છે. જ્ઞાતિના ગૌરવના નામે ભાવનાત્‍મક ઉશ્‍કેરણી મુખ્‍ય બની જાય છે. નેતાઓ લોકોને નાતનો નશો ચઢાવીને પોતાના પક્ષ તરફ મત ઢસડી જવાની પેરવી કરી રહ્યા છે. ખરેખર તો આ લોકશાહી માટે એક ગંભીર અને ચિંતાજનક વિષય છે.

વાસ્‍તવિકતા એ છે કે મોટા ભાગના નેતાઓને જ્ઞાતિના સર્વાંગી વિકાસમાં લેશમાત્ર રસ હોતો નથી. તેમને માત્ર સત્તાના સિંહાસન સુધી પહોંચવું હોય છે. જ્‍યારે ચૂંટણી નજીક આવે છે, ત્‍યારે જ તેમને પોતાની જ્ઞાતિ અને સમાજ યાદ આવે છે. અત્‍યારે દરેક જ્ઞાતિના ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારો નશાની બદીમાં હોમાઈ રહ્યા છે. યુવા પેઢી બરબાદ થઈ રહી છે. તેમ  છતાં, કોઈ નેતા-નેતી કે રાજકીય પક્ષો આ ગેરકાયદે નશા સામે કેમ જંગ છેડતા નથી? જ્ઞાતિવાદના નામે માત્ર નેતા  અને તેના મળતિયાઓ જ આર્થિક રીતે તરે છે. સામાન્‍ય પરિવારોની બરબાદીની કોઈને પડી નથી.

સામાન્‍ય મતદારોને અણસમજુ બાળકો માનીને ચૂંટણી સમયે જ્ઞાતિવાદના ‘ઘુઘરા' પકડાવી દેવામાં આવે છે. ભાવનાત્‍મક મુદ્દાઓ ઉછાળીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે. જ્ઞાતિના નામે એકઠા થયેલા લોકો એ ભૂલી જાય છે કે શિક્ષણ, મોંઘવારી અને રોજગારી, બરબાદી એ જીવનના સાચા પ્રશ્નો  છે. નેતાઓ મંચ પરથી મોટા ભાષણો આપીને જતા રહે છે. સામાન્‍ય માણસની સ્‍થિતિમાં કોઈ સુધારો આવતો નથી. ઘુઘરા વગાડીને મૂર્ખ બનવાનો સમય હવે પૂરો થયો છે.

હવે સમય આવી ગયો છે કે જ્ઞાતિ સંમેલનોમાં જતી જનતા જાગળત બને. મતદારોએ  પોતાની જ જ્ઞાતિની સ્‍થિતિનો ઊંડો અભ્‍યાસ કરવો જોઈએ. નેતા- નેતીઓ સામે નીડરતાથી સીધા પ્રશ્નો ઉઠાવો. તેમને પૂછો કે જ્ઞાતિમાં ફેલાતા નશાને રોકવા તમે શું કર્યું? જ્ઞાતિના યુવાનો માટે કેટલા રોજગાર પેદા થયા? જો આપણે આજે જાગળત નહીં  થઈએ, તો આ રાજકીય પક્ષો આપણને જ્ઞાતિવાદના સાંકડા વાડામાં કેદ રાખીને પોતાનો સ્‍વાર્થ સાધતા રહેશે. તર્કબદ્ધ વિચારો અને સમાજના સાચા હિતને સમજો.

દરેક જ્ઞાતિના નેતા-નેતી ચૂંટણી સમયે જ્ઞાતિના નામે લોકોને નશો ચઢાવી દે છે. મત લેવાઇ ગયા બાદ જ્ઞાતિને પડતી મૂકી દે છે. પોતાનો અને મળતિયાનો જ વિકાસ થાય છે.  દરેક જ્ઞાતિના સામાન્‍ય પરિવારો  બરબાદી તરફ ઢસડાવા લાગ્‍યા છે,પણ કોઇ નેતા-નેતી એ પરિવારોને ઉગારવા મથતા નથી. આવી સ્‍થિતિ દાયકાઓથી ચાલે છે. સમાજના લોકોને બાળકો જેવા સમજીને આગામી ચૂંટણી પૂર્વે જ્ઞાતિવાદના ઘુઘરા પકડાવવાનો ખેલ  શરૂ થઈ ગયો છે. લોકોએ આ ઘુઘરા નેતા,નેતી અને પક્ષોના માથામાં ફટકારવા જોઈએ

(3:35 PM IST)