News of Wednesday, 25th March 2026
ગુજરાતમાં વિશ્વાસની તીવ્ર અછત સર્જાઇ
નેતાઓ-અધિકારીઓના શબ્દો પર ભરોસો રહ્યો નથીઃ પેટ્રોલ માટે લાઇનોઃ ભૂતકાળમાં નેતાઓ બોલ્યા તેવું કંઇ થયું નથીઃ લોકોએ સમજદારી દાખવવી પડશે
ગુજરાતમાં પેટ્રોલ પમ્પો પર લાગેલી લાંબી કતારો માત્ર ઈંધણની અછત નથી, પણ તંત્ર પરના ભરોસાની તીવ્ર અછત છે. નેતાઓ અને અધિકારીઓ ગમે તેટલી અપીલ કરે, જનતા માનવા તૈયાર નથી. આ અવિશ્વાસ પાછળ છેલ્લા દાયકાના કડવા અનુભવો જવાબદાર છે. જ્યારે શાસકો કહે છે કે 'બધું સલામત છે', ત્યારે પ્રજાને લાગે છે કે નક્કી કંઈક નવાજૂની થવાની છે.
રાજકોટના અગ્નિકાંડ જેવી ભયાનક ઘટનાઓ વખતે નેતાઓએ સ્ટેજ પરથી મોટી-મોટી વાતો કરી હતી. કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવા આશ્વાસનો અપાયા હતા. પરંતુ વાસ્તવિકતામાં શું બદલાયું? તપાસના નામે માત્ર ફાઈલો ભરાઈ અને ગુનાહિત બેદરકારી ચાલુ રહી. પ્રજા જોઈ રહી છે કે દુર્ઘટનાઓ પછીનો આક્રોશ માત્ર થોડા દિવસનો તમાશો બનીને રહી જાય છે.
તંત્રએ વ્યાજખોરો સામે જંગના એલાનો કર્યા હતા. ગરીબ જનતાને દેવામાંથી મુકત કરાવવાના દાવા થયા. નશાના નેટવર્કને જડબાતોડ જવાબ આપવાની જાહેરાતો થઈ. પરંતુ આજે પણ વ્યાજખોરોનો ત્રાસ અને નશીલા દ્રવ્યોનું વેચાણ અટક્યું નથી. નેતાઓ અને તંત્ર કંઈ ખાસ ઉકાળી શક્યા નથી. આ નિષ્ફળતાએ સામાન્ય માણસના મનમાં ઊંડો અવિશ્વાસ પેદા કર્યો છે. લોકોને હવે ખાતરી થઈ ગઈ છે કે સંકટ સમયે નેતાઓ માત્ર શબ્દોના વંટોળ સર્જે છે, કામ નહીં.
વર્તમાન વૈશ્વિક કટોકટીમાં લોકોએ સંયમ રાખવો જરૂરી છે. અફરાતફરી કરવાથી સમસ્યા ઉકેલાવાની નથી. સરકારે જનતાનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવા માટે નક્કર પરિણામો આપવા પડશે. પારદર્શિતા જ અવિશ્વાસનું એકમાત્ર મારણ છે. બીજી તરફ, નાગરિકોએ પણ સમજવું પડશે કે આક્રોશ ઠાલવવા માટે લોકશાહીમાં ચૂંટણીનું પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જ. કટોકટીના સમયે તંત્રને સહયોગ આપવો એ સામાજિક ફરજ છે.
જો શાસકો ખરેખર ઈચ્છતા હોય કે લોકો તેમની અપીલ માને, તો તેમણે અગ્નિકાંડ અને સામાજિક બદીઓ સામે લીધેલા એકશન દેખાડવા પડશે. માત્ર વાતોથી હવે જનતા ભોળવાઈ શકે તેમ નથી. ગુજરાતમાં નેતાઓ અને અધિકારીઓ સતત અપીલ કરે છે, પણ લાઇનો ઓછી થતી નથી.આ બાબત દર્શાવે છે કે, મોટા પદ પર ગોઠવાઇ ગયેલા નેતાઓ,અધિકારીઓ ભલે બડાશો હાંકે પણ લોકો તેના પર જરા પણ વિશ્વાસ કરતા નથી. શાસકો માટે આ બાબત જોખમી ગણાય, દિલ્હીમાં બેસેલા મોવડી મંડળે નોંધ લેવી જોઇએ.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
