<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ગેંગ પાછળના પડદા હટાવો

પોલીસ અધિકારીની આક્રમકતા અભિનંદનીયઃ ટાબરિયા ડોન બન્યા, તેને હવા ભરનારા મુખ્ય ખેલાડી ગણાયઃ આવા માથાને ઉઘાડા પાડીને અંદર કરો

  રાજકોટમાં અત્યારે ખાખીનો ખોફ દેખાય છે. ગેંગ બનાવીને ગુના આચરતી ટોળકીઓ પર પોલીસ ત્રાટકી છે. આ કડક કાર્યવાહી ચોક્કસ અભિનંદનીય છે. સવાલ એ છે કે આ જાગૃતિ આટલી મોડી કેમ?  છેલ્લા દોઢ દાયકાથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગુનાખોરીએ રીતસર તાંડવ મચાવ્યું  છે. કાયદાના રક્ષકો અને ગૃહ મંત્રાલયની ધાક જાણે ગાયબ થઈ ગઈ છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રની હાલત એવી હતી કે જાણે આ પ્રદેશ ગુજરાતનો હિસ્સો જ ન હોય! ગામેગામ ગેરકાયદે નશાખોરીનું ઝેર પ્રસરી રહ્યું છે. સ્થાનિક ટાબરિયાઓ રાતોરાત 'ડોન' બની ગયા છે.  પરપ્રાંતીય અને વિધર્મી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચારેકોર ફેલાઈ છે. સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, છતાં સત્તાધારી પક્ષના એક પણ નેતાના પેટનું  પાણી હલ્યું નથી. કોઈ ભાજપી નેતાએ આ ગુંડાગીરી સામે અવાજ ઉઠાવવાની હિંમત સુદ્ધાં કરી નથી.

ચૂંટણીનો પગરવ  સંભળાતા જ શાસકોને અચાનક ગુંડાગીરી યાદ આવી છે. અત્યારે કડક પોલીસ અધિકારીઓ મેદાને પડ્યા છે. ગેંગો ધ્રૂજી રહી છે, પણ આ માત્ર સપાટી પરની  સફાઈ છે. ગુંડાગીરી અને નશાખોરી જે રીતે ફૂલીફાલી છે, તે રાજકીય અને વહીવટી આશીર્વાદ વગર શક્ય જ નથી.  તંત્રના બેકઅપ વગર આટલા લાંબા સમય સુધી કોઈનું 'તાંડવ' ચાલી ન શકે.

આવા જ પગલાઓ તાજેતરમાં લોકોને ત્રાહિમામ કરતા અને પત્રકારિત્વતાને લજવતા કેટલાક તત્વો સામે તંત્રે લીધા છે.  આ તમામ કાર્યવાહીઓ લંાબાગાળા સુધી જો ચાલુ રહે ફરી તંત્રની ધાક જામે તો જ અને લોકોનો વિશ્વાસ તંત્ર ઉપર બેસશે.

પોલીસ અધિકારીઓએ હવે રસ્તા પરના મહોરાંઓને પકડવાને બદલે પડદા પાછળના અસલી ખેલાડીઓનો પર્દાફાશ કરવો જોઈએ. માત્ર પ્યાદાઓને જેલમાં ધકેલવાથી  શાંતિ સ્થપાશે નહીં. જે સફેદપોશ 'આકાઓ'ને  ખુલ્લા પાડવાની જરૂર છે. જો આમ નહીં થાય, તો આ આખી કાર્યવાહી માત્ર એક 'ચૂંટણીલક્ષી નાટક' બનીને રહી જશે.

જનતાએ  હવે  જાગૃત બનીને આ પર્દાફાશની માંગ કરવી પડશે. જો ગુનેગારોના સાચા આકાઓ સલામત રહેશે, તો આ સફાઈ અભિયાનનો કોઈ અર્થ નથી. પોલીસની આક્રમકતા ચૂંટણી પછી પણ ચાલુ રહેવી જોઈએ. રાજકીય દબાણને બાજુ પર મૂકીને કામ થશે ત્યારે જ સૌરાષ્ટ્રની ધરતી પર સાચી શાંતિ સ્થપાશે. હવે માત્ર વાતો નહીં, પરિણામ જોઈએ. આશ્ચર્ય એ છે કે કડક પોલીસ અધિકારીઓને પણ હજુ દેશી દારૂનું નેટવર્ક દેખાતુ નથી. ઉપરથી દબાણ હશે કે સેટિંગ? રાજકોટ-સોૈરાષ્ટ્રના લોકોએ શાંતિ, સલામતી જોઇતી હોય તો શાસકો સામે બેધડક સવાલો ઉઠાવીને તેમને જવાબદારીનું ભાન કરાવવું પડશે.

(10:57 AM IST)