<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

દિલ્હીથી ગુજરાત... ''આપ''હી''આપ''

ગુજરાતમાં સોૈપ્રથમ ઉમેદવારો જાહેર કરીને આપે સપાટો બોલાવ્યોઃ દિલ્હીમાં રાઘવ પ્રકરણે પક્ષની આબરૃના ધજાગરા ઉડાવ્યા

ગુજરાતનું રાજકીય તાપમાન અત્યારે હાઈવોલ્ટેજ પર છે. ત્રિપાંખિયા જંગની તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ  ઉમેદવારોની યાદી જાહેર કરી જે રીતે સપાટો બોલાવ્યો, તેનાથી અન્ય પક્ષોમાં દોડધામ મચી છે.  સિક્કાની બીજી બાજુ એ છે કે વહેલી શરૃઆત કરનારી 'આપ' અત્યારે આંતરિક વિખવાદના વમળમાં ફસાઈ છે. ગુજરાતથી દિલ્હી સુધી આમ આદમી પાર્ટી જ ચર્ચામાં છે. ગુજરાતમાં વિપક્ષ માટે તક ઘણી છે, આપે સૌપ્રથમ ઉમેદવારો જાહેર કરીને જંગનો શંખ ફૂંકી દીધો છે. જો કે આપની પ્રાદેશિક નેતાગીરી વધારે પડતી હવામાં ઉડતી હોય તેમ અનુભવાઇ રહ્યું છે.

ગુજરાતમાં શિસ્ત અને નૈતિકતાના મસમોટા દાવા કરનાર 'આપ' ની  હવા દિલ્હીના રાઘવ ચઢ્ઢા પ્રકરણે કાઢી નાખી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના નેતા પદેથી એકાએક હટાવવામાં આવ્યા તે ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે પક્ષની નબળાઈ છતી કરી છે. નવાઈની વાત તો એ છે કે, જે નેતાઓ મંચ પરથી આદર્શોની દુહાઈ આપે છે, તેઓ જ આ મુદ્દે જાહેરમાં બાખડી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓ વચ્ચેનો આ ગજગ્રાહ સ્પષ્ટ કરે છે કે પક્ષમાં બધું જ બરાબર નથી. આ પ્રકરણે  જનતામાં એવો સંદેશ આપ્યો છે કે અંદરખાને સત્તાની સાઠમારી જ ચાલી રહી છે.

ગુજરાતમાં 'આપ' ના નેતાઓ જે પ્રકારનો તોર બતાવે છે તે હાસ્યાસ્પદ લાગે છે. ધારાસભાની એકાદ બેઠક પર જીત મેળવીને ગોપાલભાઇ એવા ઉછળે છે જાણે આખું ભારત  જીતી લીધું  હોય. વિજયનો ઉત્સાહ  હોવો જોઈએ, પણ તે અહંકારમાં પરિવર્તિત થાય ત્યારે પતન નિશ્ચિત  હોય  છે. ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થાય એટલે પાર્ટીનું સંગઠન ઓગળી જાય છે, છતાં નેતાઓનું અભિમાન ઓગળતું નથી.

બીજી તરફ ઇસુદાન ગઢવીની હાલત પણ કંઈક અજીબ છે. તેઓ મનોમન પોતાને મહાન રણનીતિકાર પ્રશાંત કિશોર જેવા માને છે, પણ તેમની રાજકીય ગતિવિધિઓ જોતા તેઓ રાહુલ ગાંધી જેવા સાબિત થઈ રહ્યા છે. વાતો મોટી અને પરિણામ શૂન્ય – આ તેમની ઓળખ બની ગઈ છે. પ્રચારના ઠાલા દેખાડા અને સોશિયલ મીડિયાના જોરે ગુજરાત જીતી શકાતું નથી. અંતે તો જનતા એ જ જોવે છે કે પક્ષમાં કેટલી ગંભીરતા છે. હાલની સ્થિતિ જોતા 'આપ' ગુજરાતમાં માત્ર એક પરપોટા સમાન દેખાઈ રહી છે, જે કોઈ પણ ક્ષણે ફૂટી શકે છે.

ગુજરાતમાં શાસકો પ્રત્યે લોકોની વ્યાપક નારાજગી છે. અતિ નબળી નેતાગીરીના કારણે રાજ્યમાં અરાજક માહોલ છે. ઇસુભાઇની જેમ ભાજપના ''ભાઇઓ'' પણ કામને બદલે પ્રચારમાં વધારે પડતા ખેલ નાખે છે. લોકો ત્રાહીમામ છે. આ સ્થિતિ વિપક્ષ માટે અનુકુળ ગણાય, પણ સંભાવના એવી છે કે ભાજપ વિરોધી મતો આપ અને કોંગ્રેસ વચ્ચે વિખેરાઇ જશે અને ભાજપને પ્રચંડ લાભ થશે. નબળા ''ભાઇઓ'' મહાન બનીને ઉછળકુદ કરશે. ખરો મદાર લોકોની સમજ-શકિત પર છે. 

(10:42 AM IST)