News of Tuesday, 7th April 2026
ભાંગરા મહોત્સવઃ કોંગ્રેસની પરંપરા
મગજ વગરના નિવેદનો કોંગ્રેસની તાકાત ઘટાડે છેઃ ખડગે પણ રાહુલની જેમ પ્રચ્છન ભાજપ ભકત બન્યાઃ ગુજરાતમાં ફસાયેલા ભાજપને મુદો મળી ગયો
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ જ્યારે પણ મોઢું ખોલે છે, ત્યારે ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો થઈ જાય છે. મલ્લિકાર્જુન ખડગેએ કેરળની ધરતી પરથી ગુજરાતીઓને ‘અભણ' કહીને જાણે ભાજપને સોનાની થાળીમાં પીરસેલો મુદ્દો આપી દીધો છે. આ કોઈ નવી વાત નથી, પણ કોંગ્રેસની જૂની અને જાણીતી ‘ભાંગરા વાટવાની' પરંપરા છે. ખડગેએ જે રીતે નિવેદન આપ્યું તે જોતા લાગે છે કે તેઓ પણ હવે રાહુલ ગાંધીની જેમ અજાણતા જ ભાજપના ‘સ્ટાર પ્રચારક' બની ગયા છે.
ખડગેનો ઈરાદો કદાચ ભાજપની નેતાગીરી અને વડાપ્રધાનની શૈક્ષણિક લાયકાત પર પ્રહાર કરવાનો હતો. પરંતુ રાજકારણમાં શબ્દો કરતા તેનો અર્થઘટન વધુ મહત્વનું હોય છે. સ્માર્ટ ભાજપી નેતાઓએ આ નિવેદનને લપકી લીધું અને તેને છ કરોડ ગુજરાતીઓના અપમાન સાથે જોડી દીધું. ભાજપે કુશળતાપૂર્વક આ લડાઈને ‘ખડગે વિરુદ્ધ મોદી' મટાડીને ‘કોંગ્રેસ વિરુદ્ધ ગુજરાતની અસ્મિતા' બનાવી દીધી છે. હવે ગલીએ ગલીએ ભાજપ આ મુદ્દો ગજવશે કે કોંગ્રેસ ગુજરાતીઓને મૂર્ખ અને અભણ સમજે છે.
ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ માટે ધર્મસંકટ ઉભું થયું છે. બિચારા કાર્યકરો જ્યારે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે ભાજપને ઘેરવાની તૈયારી કરતા હોય, ત્યારે દિલ્હીથી કોઈ આવું નિવેદન આવે છે જે બધી મહેનત પર પાણી ફેરવી દે છે. ભૂતકાળમાં સોનિયા ગાંધીનું ‘મૌત કા સૌદાગર' હોય કે રાહુલ ગાંધીના અણઘડ નિવેદનો, દરેક વખતે ભાજપે આત્મસન્માનનો મુદ્દો બનાવીને ચૂંટણી જીતી છે. ખડગેએ બસ એ જ પરંપરાને વફાદારીપૂર્વક આગળ ધપાવી છે.
હકીકત એ છે કે જ્યારે જ્યારે ભાજપ શાસન કે વહીવટી મોરચે ફસાયેલો હોય, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પોતાની વાણી વિલાસથી તેને ઓક્સિજન પૂરૂ પાડે છે. જો કોંગ્રેસના આ ‘દિલ્હી દરબારી' નેતાઓ થોડો સમય મૌન રહે, તો જ ગુજરાતમાં કોંગ્રેસની સાચી સેવા થઈ ગણાશે. બાકી, આવા મગજ વગરના નિવેદનો કોંગ્રેસની તાકાત વધારવાને બદલે તેને રસાતળમાં લઈ જવાનું કામ કરી રહ્યા છે. ખડગેના આ એક નિવેદને ફરી એકવાર સાબિત કર્યું છે કે કોંગ્રેસના હિતશત્રુઓ પક્ષની અંદર જ બેઠા છે.
કોંગ્રેસે પોતાની ગતિનો અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતથી માંડીને દિલ્હી સુધી છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસના નેતાઓ એકધારો મોદીનો વિરોધ કરે છે. કોઈ રણનીતિ વગરના માત્ર નિવેદનિયા વિરોધનું પરિણામ શું આવ્યું? કોંગ્રેસ સતત પતન તરફ ગઇ અને મોદીજી અતિ મજબૂત બની ગયા. આ સ્થિતિ નજર સામે હોવા છતાં કોંગ્રેસમાં કોઈ જ રણનૈતિક ફેરફાર થયો નથી. લાગે છે કે કોંગ્રેસે મોદિત્વને મજબૂત બનાવીને દેશસેવા કરવા છૂપી કસમ ખાધી હશે!
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
