<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

રહસ્યમય બિનહરીફઃ જંગ વગર જીત

સર્વસંમતિથી નેતૃત્વ નક્કી થાય તો લોકશાહીનું ગોૈરવ ગણાયઃ ધાક-ધમકી કે સેટિંગથી બિનહરીફ લોકશાહીનું કલંક છેઃ લોકો મતદાનથી વંચિત રહે એ સામાન્ય વાત નથી...

         લોકશાહીની પવિત્રતા અને તેની મજબૂતી તેના ચૂંટણી ઉત્સવમાં છુપાયેલી છે. જ્યારે જનતા મતદાનના માધ્યમથી પોતાનો મનપસંદ પ્રતિનિધિ પસંદ કરે ત્યારે જ સાચી લોકશાહી જીવંત અને ધબકતી રહે છે. ગુજરાતમાં તાજેતરમાં ફોર્મ ખેંચવાના દિવસે જે રીતે અનેક બેઠકો 'બિનહરીફ' જાહેર થઈ, તેણે અનેક ગંભીર રાજકીય અને નૈતિક પ્રશ્નો જગાવ્યા છે. આ ઘટનાક્રમ સામાન્ય નથી, પરંતુ એક ઊંડી તપાસનો વિષય છે.

બિનહરીફ એટલે મેદાનમાં માત્ર એક જ ઉમેદવાર બાકી રહે અને બાકીના તમામ હરીફો પોતપોતાના ફોર્મ પાછા ખેંચી લે. લોકશાહીની આદર્શ સ્થિતિમાં જો કોઈ વિસ્તાર સર્વસંમતિથી પોતાનું નેતૃત્વ નક્કી કરે, તો તે ચોક્કસપણે ગૌરવની વાત ગણાય. તેનાથી સામાજિક સમરસતા વધે છે અને ચૂંટણીના જંગી ખર્ચમાં પણ રાહત મળે છે. પરંતુ, જ્યારે જથ્થાબંધ બેઠકો પર અચાનક તમામ વિરોધી ઉમેદવારોનું હૃદય પરિવર્તન થઈ જાય, ત્યારે તે બાબત શંકાસ્પદ બને છે.

ધાક-ધમકી, દબાણ અથવા ગુપ્ત સેટિંગ દ્વારા હરીફ ઉમેદવારોને મેદાનમાંથી દૂર કરી  દેવા અને  પછી બિનહરીફના નામે વિજયનો ઉત્સવ મનાવવો એ લોકશાહી માટે કલંક સમાન છે. આ પ્રક્રિયામાં મતદારોને તેમના સૌથી મોટા અધિકાર 'મતાધિકાર' થી વંચિત રાખવામાં આવે છે. લોકશાહીમાં હરીફાઈ હોવી અનિવાર્ય છે, કારણ કે હરીફાઈ જ નેતૃત્વને જવાબદાર બનાવે છે. જ્યારે ચૂંટણી જ ન થાય, ત્યારે જનતા પાસે કોઈ વિકલ્પ રહેતો નથી.

લોકો મતદાન કરવા ઈચ્છતા હોય પરંતુ તેમની સામે કોઈ હરીફ જ ન હોય, એ સામાન્ય વાત નથી. ગુજરાતમાં જે રીતે એકસાથે ઘણી બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારો ગાયબ થઈ ગયા અથવા બેસી ગયા, તે ચૂંટણી પંચની સજાગતા પર પણ સવાલ ઉભા કરે છે.

ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ કે શું આ ફોર્મ  સ્વેચ્છાએ પાછા ખેંચાયા છે કે કોઈ બાહ્ય દબાણ હેઠળ? જો સત્તા અને સંપત્તિના જોરે લોકશાહીના પર્વને ખતમ કરવામાં આવશે, તો ભવિષ્યમાં લોકોનો લોકશાહી મૂલ્યો પરથી વિશ્વાસ ઉઠી જશે.

બિનહરીફ જાહેર થવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. જનતાના મતાધિકારની ચોરી એ રાષ્ટ્રના ભવિષ્ય સાથે ચેડાં છે. સેટિંગ દ્વારા મેળવેલી જીત માત્ર આંકડાકીય બહુમતી આપી શકે છે, પણ તે જનતાનો નૈતિક ટેકો મેળવી શકતી નથી. લોકશાહીને બચાવવા માટે જરૂરી છે કે  ચૂંટણીના મેદાનમાં તંદુરસ્ત સ્પર્ધા  થાય અને મતદારોને પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાની પૂરેપૂરી તક મળે. આ રહસ્યમય બિનહરીફ બેઠકો પાછળનું સત્ય જનતા સમક્ષ આવવું જ જોઈએ. કારણ કે લોકશાહીમાં હાર-જીત કરતા પ્રક્રિયાની શુદ્ધતા વધુ મહત્વની હોય છે. જો પસંદગીનો અધિકાર જ છીનવાઈ જશે તો લોકશાહીનો અર્થ જ મટી જશે.

(11:30 AM IST)