News of Friday, 17th April 2026
સિમાંકનઃ બેજવાબદાર નેતાઓના ઢગલા થશે
૮૫૦ સાંસદો હશેઃ સિમાંકન જરૂરી છે જ, પણ સાંસદોની જવાબદારી ફિકસ કરવી વધારે જરૂરી છેઃ તાગડધિન્ના ઓછા કરવા જરૂરી છેઃ હાલ ૫૪૩માં ૯૫ ટકા જેટલાને તો સાંસદની વ્યાખ્યાનો ખ્યાલ પણ નહિ હોય
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ૨૦૨૬ પછીનું વર્ષ એક અત્યંત મહત્વનો વળાંક સાબિત થવાનું છે. વસ્તીના વધારાને ધ્યાનમાં રાખીને સંસદની બેઠકોનું પુનર્ગઠન એટલે કે સિમાંકન થવા જઈ રહ્યું છે. આ પ્રક્રિયા બાદ લોકસભામાં સાંસદોની સંખ્યા ૫૪૩ થી વધીને ૮૫૦ કે તેથી વધુ થવાની પૂરેપૂરી શક્યતા છે. વસ્તીના સપ્રમાણ પ્રતિનિધિત્વ માટે સિમાંકન ટેકનિકલ રીતે જરૂરી છે જ, પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે શું માત્ર સંખ્યા વધારવાથી દેશની જ્વલંત સમસ્યાઓનો ઉકેલ આવશે? અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે જો માત્ર આંકડા વધશે તો સંસદમાં જનસેવકોને બદલે 'બેજવાબદાર નેતાઓના ઢગલા' જ જોવા મળશે.
સંસદ ભવન એ દેશનું ભાગ્ય વિધાતા કેન્દ્ર છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે હાલના ૫૪૩ સાંસદોમાંથી ૯૫ ટકા જેટલાને તો 'સાંસદ' પદની ગરિમા કે તેની ચોક્કસ વ્યાખ્યાનો ખ્યાલ પણ નહીં હોય. અનેક સાંસદો માટે સંસદમાં જવું એ માત્ર હાજરી પુરાવવાની ઔપચારિકતા કે પક્ષના આદેશ મુજબ 'હા' માં 'હા' ભણવાનું માધ્યમ બની ગયું છે.
કાયદા ઘડવાની ્પ્રક્રિયામાં ભાગ લેવો, નીતિવિષયક ચર્ચાઓમાં ઊંડાણપૂર્વક ઉતરવું કે પોતાના મતવિસ્તારના પ્રશ્નોને આંકડાકીય વિગતો સાથે રજૂ કરવાની ક્ષમતા બહુ ઓછા પ્રતિનિધિઓમાં જોવા મળે છે. જો ૫૪૩માં આ હાલત હોય, તો ૮૫૦ની ભીડમાં ગુણવત્તાનું સ્તર ક્યાં જશે તે ચિંતાનો વિષય છે.
લોકશાહીમાં પ્રતિનિધિત્વ મહત્વનું છે, પણ તેનાથી વધુ મહત્વની છે સાંસદોની 'જવાબદારી'. અત્યારે સાંસદો જે પ્રકારના સરકારી આવાસ, પગાર, ભથ્થાં અને પ્રોટોકોલ ભોગવે છે, તેની સામે તેમની જવાબદારી ફિકસ કરવી હવે અનિવાર્ય બની ગઈ છે. જનતાના ટેકસના પૈસે થતા આ 'તાગડધિન્ના' બંધ થવા જોઈએ.
દરેક સાંસદનું વાર્ષિક રિપોર્ટ કાર્ડ જાહેર થવું જોઈએ, જેમાં તેમણે સંસદમાં પૂછેલા પ્રશ્નો, તેમની હાજરી અને સાંસદ નિધિનો સાચો ઉપયોગ કેટલો કર્યો તેની વિગતો જનતા સામે હોવી જોઈએ. જો કોઈ સાંસદ નિષ્ક્રિય રહે તો તેને ફરીથી ટીકીટ ન મળે તેવી વ્યવસ્થા પક્ષોએ પણ કરવી પડશે.
માત્ર માથાઓની ગણતરી કરવાથી લોકશાહી મજબૂત નથી થતી, પણ એ માથામાં રહેલી વિચારધારા અને દેશદાઝથી થાય છે. જો ૮૫૦ સાંસદો થશે અને તેઓ પણ જૂની ઘરેડ મુજબ જ ચાલશે, તો સંસદ માત્ર એક મોટો મેળાવડો બનીને રહી જશે. દેશને ભીડની નહીં, પણ ભણેલા-ગણેલા અને જવાબદાર નેતાઓની જરૂર છે જેઓ ખરા અર્થમાં સંસદીય પ્રણાલીને સમજી શકે.
સિમાંકન ભલે ભૌગોલિક સીમાઓ નક્કી કરે, પણ હવે સમય આવી ગયો છે કે સંસદમાં બેસનારાઓની ક્ષમતા અને જવાબદારીની સીમાઓ પણ કાયદાકીય રીતે ફિકસ કરવામાં આવે. તો જ આ લોકશાહીનું મંદિર પવિત્ર રહેશે અને પ્રજાના પૈસાનો સદુપયોગ થશે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
