<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

આપમાં ભંગાણઃ રાજનીતિ કંગાળ...

કેજરીવાલમાં પોતાનાને સાચવવાની ત્રેવડ નથીઃ ભાજપના કમળમાં સતત કાદવ ઉગે છે! ગુજરાતીઓ સામે પડકાર... કાલે 'અ'લાયકોની ફોજમાંથી ઓછો 'અ'લાયક પસંદ કરવો પડશે

                  

  ભારતીય લોકશાહી આજે એક એવા વળાંક પર છે જ્યાં સિદ્ધાંતોનું મૂલ્ય કોડીનું થઈ ગયું છે. રાજનીતિ એટલી કંગાળ બની ગઈ છે કે જનતાનો મત હવે માત્ર એક સોદાબાજીનું સાધન બની રહ્યો છે. આમ આદમી પાર્ટીના સાત-આઠ સાંસદો એકસાથે તૂટીને ભાજપમાં ભળી જાય, તે કોઈ સામાન્ય પક્ષપલટો નથી. આ ઘટના દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલ જેવી વ્યકિતમાં પોતાના જ નેતાઓને સાચવવાની ત્રેવડ નથી. જે પક્ષ 'વૈકલ્પિક રાજનીતિ' ના નામે ઉભો થયો હતો, તે આજે પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહ્યો છે. નેતૃત્વ જ્યારે નબળું પડે કે પાડી દેવામાં આવે ત્યારે શિસ્તના લીરેલીરા ઉડે છે.

સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પણ દૂધે ધોયેલી નથી. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે કાદવમાં કમળ ઉગે અને તે પવિત્રતાનું પ્રતીક બની મંદિરે ચડે. પરંતુ વર્તમાન સમયમાં ભાજપનું કમળ કંઈક વિચિત્ર બની ગયું છે. તે કાદવમાંથી ઉગીને પવિત્રતા તરફ જવાને બદલે, જાતે જ ગંદા કાદવ તરફ દોડી રહ્યું છે. દેશભરના ભ્રષ્ટ અને પક્ષપલટુ નેતાઓ માટે ભાજપ હવે એક ડસ્ટબિન જેવું બની ગયું  છે. અન્ય પક્ષોને તોડીને જે રીતે 'કચરા' ભાજપમાં ઘુસાડવામાં આવે છે, તેનાથી પક્ષની પોતાની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. આ પક્ષ હવે વિચારધારાના લડવૈયાઓનો નહીં, પણ નેતા-નેતીઓની 'ગુજરી બજાર' જેવો બની ગયો છે.

 આ પક્ષપલટાનો પ્રવાહ લોકશાહી માટે અત્યંત ચિંતાજનક અને ઘાતક  છે. જ્યારે જનતા કોઈને ચોક્કસ વિચારધારા માટે ચૂંટે છે અને તે નેતા રાતોરાત સત્તાના મોહમાં પાટલી બદલે છે, ત્યારે તે સીધો 'લોકદ્રોહ' છે. આવા સંજોગોમાં ચૂંટણીઓ પ્રહસન બની જાય છે. જો જનતાએ આપેલ મતના આધારે સરકારો ન ટકતી હોય, તો મતદાનનો અર્થ શું? ભાજપ દ્વારા કચરો ભેગો કરવાની આ નીતિ અને વિપક્ષોની પોતાના નેતાઓને સાચવવાની અક્ષમતાએ દેશને રાજકીય અંધાધૂંધી તરફ ધકેલી દીધો છે.

આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવાનું છે. સામાન્ય ગુજરાતી મતદાર આજે મૂંઝવણમાં છે. પ્રામાણિક અને લાયક ઉમેદવાર શોધવા  એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ચારેબાજુ તકવાદીઓનો જમાવડો છે. મતદારો સામે આજે એવો પડકાર છે કે તેમણે કોઈ શ્રેષ્ઠ વ્યકિતને નહીં, પણ 'ના-લાયકોની ફોજ' માંથી જે 'ઓછો ના-લાયક' હોય તેને પસંદ કરવો પડશે. આ લોકશાહીની કરુણતા છે કે જનતા પાસે હવે પસંદગીના અવકાશ રહ્યા નથી. જો જાગૃત નાગરિકો આ ગંદી રાજનીતિનો વિરોધ નહીં કરે, તો આવનારા સમયમાં નૈતિકતાના અવશેષો પણ જોવા મળશે નહીં. આ પક્ષપલટાની ગંદકીને સાફ કરવાનો સમય છે.

(11:19 AM IST)