<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

૫૦ ટકાને રસ જ નથી

આશ્ચર્ય છે કે વિશ્વની સોૈથી મોટી લોકશાહીની કોઇને ચિંતા નથીઃ ચૂંટણી પંચ જવાબદાર કેમ ન ગણાય?: કાલે જીતનારા ઉલળશે, પણ અડધા મતદારો મત આપવા ન આવ્‍યા તે બાબત કોઇને નડતી નથી...

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ગૌરવ આપણે સતત લેતા રહીએ છીએ. ભારતની લોકશાહી પ્રક્રિયા અદભૂત છે. પરંતુ જ્‍યારે આંકડાઓ સામે આવે છે ત્‍યારે વાસ્‍તવિકતા ડરામણી લાગે છે. ગુજરાતમાં તાજેતરમાં સરેરાશ ૫૦થી ૬૦ ટકા જેટલું જ મતદાન થયું છે. આનો અર્થ એ થયો કે લગભગ અડધી વસ્‍તીને પોતાની સરકાર પસંદ કરવામાં કોઈ રસ જ નથી. આવતીકાલે મત ગણતરી છે. પરિણામો આવશે અને વિજેતા ઉમેદવારો વિજય ઉત્‍સવમાં ઉલળશે. પરંતુ કોઈ એ વિચારવા તૈયાર નથી કે જે ૫૦ ટકા લોકો ઘરે બેસી રહ્યા, તેમનું શું? આ ગુજરાતની અતિ બિમાર લોકશાહીનું જીવંત ઉદાહરણ છે.

હાર અને જીતનો નિર્ણય માંડ બે-ત્રણ ટકાના અંતરથી થઈ જશે. જે પક્ષ જીતશે તે દાવો કરશે કે જનતાએ તેમને સ્‍વીકાર્યા છે. પરંતુ હકીકતમાં અડધી જનતાએ તો પોતાનો મત જ આપ્‍યો નથી. શું આ સ્‍થિતિ માટે ચૂંટણી પંચ જવાબદાર ન ગણાય? માત્ર ૧૦૦ ટકા મતદાનની અપીલ કરવાથી કે જાહેરાતો આપવાથી લોકો મતદાન મથકે નહીં આવે. લોકો કેમ મતદાન કરવા નથી જતા, તેનો ઊંડો સર્વે થવો જોઈએ. શું તેમને ઉમેદવારોમાં વિશ્વાસ નથી? શું તેમને રાજકીય પ્ર ણાલી પ્રત્‍યે અણગમો છે? આ કારણો શોધ્‍યા વગર કરવામાં આવતી અપીલ વ્‍યર્થ છે.

બિમાર લોકશાહીની કોઈને ચિંતા નથી, તે અતિ દુખદ બાબત છે. રાજકીય પક્ષો પોતાના ગણિતમાં વ્‍યસ્‍ત છે. તેમને તો  બસ સત્તા જોઈએ છે. જો અડધા મતદારો મતદાનથી અળગા રહેતા હોય, તો ચૂંટાયેલી સરકાર સાચા અર્થમાં પ્રજાનું પ્રતિનિધિત્‍વ કરે છે તેમ કહી શકાય નહીં. મત ન આપવાના કારણોમાં સિસ્‍ટમ્‍સ પ્રત્‍યેની ઉદાસીનતા મુખ્‍ય હોઈ શકે. ભણેલો-ગણેલો વર્ગ પણ રજા માણીને ઘરે બેસી રહે છે. લોકશાહીમાં આ ‘મૌન' ખતરનાક છે.

ચૂંટણી પંચે માત્ર ઉત્‍સવની જેમ પ્રચાર કરવાને બદલે પાયાની સમસ્‍યાઓ પર ધ્‍યાન આપવું જોઈએ. મતદાન પ્રક્રિયાને વધુ સરળ અને વિશ્વાસપાત્ર બનાવવી પડશે. જો લોકોમાં આ જ પ્રકારે નિરુત્‍સાહ રહેશે, તો લોકશાહીનો અર્થ જ મરી જશે. કાલે જેઓ જીતશે તેઓ જનતાના સેવક હોવાનો દાવો કરશે, પણ એ જનતામાં અડધા લોકોનો સમાવેશ થતો નથી એ વાત કોઈને નડતી નથી. આ મનોવળત્તિ બદલવી અનિવાર્ય છે. લોકશાહીને જીવંત રાખવા માટે દરેક મન અને દરેક મતનું મૂલ્‍ય સમજવું પડશે. જો વ્‍યવસ્‍થા નહીં સુધરે, તો આ ‘બિમારી' લોકશાહીને અંદરથી પોલી કરી નાખશે. 

(10:56 AM IST)