બાવીસ રાજયોમાં ભગવું સામ્રાજય
રાજનીતિમાં ભાજપની અભુતપૂર્વ પક્કડઃ કમસેકમ સામાન્ય હિન્દુઓને સ્વમાન-સલામતી-સુખાકારી તો મળવા જ જોઇએઃ ગુજરાતની જેમ હિન્દુત્વ પડતું ન મૂકતા
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોએ ફરી એકવાર રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. રાજકોટ સહિત રાજ્યના મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કેસરિયા મોજાએ વિરોધ પક્ષોના તમામ દાવાઓને ધોઈ નાખ્યા છે. ચૂંટણી પૂર્વે જે ભાજપ વિરોધી માહોલની ચર્ચાઓ હતી, તે પરિણામો આવતા જ સૂરસૂરિયું સાબિત થઈ છે. જનતાએ ફરી એકવાર શાસક પક્ષ પર પોતાનો ભરોસો જતાવ્યો છે.
આ ચૂંટણી પરિણામોનું તટસ્થ વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ જણાય છે. આ જંગ ખરેખર નબળી નેતાગીરી વચ્ચેનો હતો. ગુજરાતમાં વિપક્ષ પાસે સત્તા વિરોધી લહેરનો લાભ લેવાની મોટી તક હતી. મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નો જેવા મુદ્દાઓ હોવા છતાં વિપક્ષ જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. વિપક્ષી નેતાઓ માત્ર સોશિયલ મીડિયા કે અખબારી નિવેદનો સુધી મર્યાદિત રહ્યા. જમીની સ્તર પર સંગઠનનો અભાવ અને દિશાવિહીન નેતાગીરી વિપક્ષને નડી ગઈ છે.
સામે પક્ષે ભાજપે પોતાની સંગઠન શક્તિ અને માઇક્રો મેનેજમેન્ટનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ભલે શાસન સામે અમુક અંશે નારાજગી હોય, પણ વિકલ્પના અભાવે લોકોએ ‘સબળા' પક્ષ તરીકે ભાજપને પસંદ કર્યો છે. લોકોએ જોયું કે માત્ર નિવેદનો આપવાથી કામ થતા નથી. નક્કર કાર્યક્રમો અને લોકોની વચ્ચે રહેનારા નેતાઓની આજે અછત છે. આ ‘નબળાઈના જંગ'માં ભાજપનું માળખું અન્ય પક્ષો કરતા વધુ મજબૂત સાબિત થયું છે.
રાજકોટ જેવા શહેરોમાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ કેસરિયો રંગ વધુ ઘાટો બન્યો છે. વિજયી બનેલા ઉમેદવારોને અભિનંદન પાઠવવાની સાથે જ તેમની જવાબદારી પણ વધી જાય છે. હવે જીતનો ઉત્સવ પૂરો થયા પછી જનતાના પાયાના પ્રશ્નો પર ધ્યાન આપવું જરૂરી છે.
ગામડાથી લઈને શહેર સુધી હવે સબળી અને કાર્યક્ષમ નેતાગીરી ગોઠવાય તે અનિવાર્ય છે. રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓમાં લોકોના કામ થાય તે જ સાચો વિજય છે. ભાજપે હવે માત્ર ચૂંટણી જીતવાની રણનીતિને બદલે લોકોનો પ્રેમ કાયમી જાળવી રાખવાની રણનીતિ અપનાવવી પડશે. જનતાએ જે વિશ્વાસ મૂકયો છે, તેને સાર્થક કરવાનો સમય હવે શરૂ થાય છે. લોકશાહીમાં છેવટે તો લોકોના કામ જ બોલે છે. માત્ર નિવેદનો કે સેટિંગ નહીં, પણ સેવા અને વિકાસ જ નેતાને સાચા અર્થમાં સબળો બનાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
