<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

હેમંતાથી શુભેન્‍દ્ર.. ઝેરનું મારણ ઝેર

આસામ-બંગાળમાં મહાનાયક બનીને ઉભરેલા નેતાઓ વાસ્‍તવામાં ભાજપી નથીઃ કોંગ્રેસના જ નેતાએ કોંગ્રેસનો અને મમતાના નેતાએ જ મમતાનો મહાસફાયો કર્યો છેઃ રસપ્રદ સમીક્ષા

     લોકશાહી ભારતીય રાજનીતિના વર્તમાન ફલક પર ભાજપની રણનીતિ અન્‍ય પક્ષો કરતાં જોજનો આગળ ચાલી રહી છે. આસામમાં હેમંતા બિસ્‍વા શર્મા અને બંગાળમાં શુભેન્‍દુ અધિકારી તેના જ્‍વલંત ઉદાહરણો છે. આ બંને મહાનાયક બનીને ઉભરેલા ચહેરાઓ વાસ્‍તવમાં મૂળ ભાજપી વિચારધારાના નથી. તેમ છતાં, આજે તેઓ જ આ રાજ્‍યોમાં ભાજપનો પરચમ લહેરાવી રહ્યા છે. ભાજપે ‘ઝેરનું મારણ ઝેર' જેવી સચોટ નીતિ અપનાવીને વિપક્ષી નેતાઓને જ વિપક્ષ સામે હથિયાર તરીકે વાપર્યા છે.

         આ પરિવર્તન પાછળનું મુખ્‍ય કારણ વિપક્ષી પક્ષોનું પારિવારિક માળખું છે. દેશના મોટાભાગના વિરોધ પક્ષો આજે પરિવારવાદની પકડમાં છે, જ્‍યાં સક્ષમ અને પાવરફૂલ નેતાઓને નિર્ણાયક સ્‍થાન કે સન્‍માન મળતું નથી. જ્‍યારે આ જમીની નેતાઓ અનુભવે છે કે તેમની મહેનત માત્ર એક પરિવારના વારસદારોને ચમકાવવા માટે વપરાય છે, ત્‍યારે તેઓ પક્ષ છોડવાનો નિર્ણય લે છે. ભાજપ આ અસંતોષને પારખી લે છે અને તેમને પદ, પાવર તથા રાજકીય સુરક્ષા પૂરી પાડે છે. બદલામાં, આ નેતાઓ ભાજપને તે રાજ્‍યોમાં સત્તાની ચાવી સોંપે છે.

             આસામમાં કોંગ્રેસના શક્‍તિશાળી નેતા ગણાતા હેમંતા બિસ્‍વા શર્માએ જ્‍યારે પક્ષ પલટો કર્યો, ત્‍યારે તેમણે કોંગ્રેસના પતનની પટકથા લખી હતી. હેમંતાએ કોંગ્રેસની આંતરિક નબળાઈઓનો ઉપયોગ કરીને તેને ધૂળ ચટાવી દીધી. આવી જ સ્‍થિતિ પヘુિમ બંગાળમાં જોવા મળી. મમતા બેનર્જીના અત્‍યંત ખાસ અને તળણમૂલના સ્‍તંભ ગણાતા શુભેન્‍દુ અધિકારીએ જ્‍યારે બળવો કર્યો, ત્‍યારે આક્રમક મમતાના બાર વગાડી દીધા. ભવાનીપુરમાં મમતાને હરાવીને શુભેન્‍દુએ સાબિત કર્યું કે ભાજપનો સહયોગ મળે તો જમીની નેતા શું કરી શકે છે.

            મહારાષ્‍ટ્રમાં પણ ભાજપે આ જ મોડસ ઓપરેન્‍ડી અપનાવી. શિવસેના અને એનસીપીમાં મોટા પાયે બળવો કરાવીને તે પક્ષોને નબળા પાડ્‍યા અને સત્તાના સમીકરણો પોતાની તરફેણમાં ફેરવી નાખ્‍યા. ગુજરાતમાં પણ ભાજપ આ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મજબૂત નેતાઓને તોડીને પોતાની દૂકાન મજબૂતીથી ચલાવી રહ્યો છે. રાહુલ ગાંધી અને મમતા બેનર્જી જેવા નેતાઓ રાષ્‍ટ્રીય સ્‍તરે નરેન્‍દ્ર મોદીનો વિરોધ કરવામાં શક્‍તિ ખર્ચે છે, પણ હકીકતમાં તેમના જ પૂર્વ સાથીઓ વિપક્ષની પથારી ફેરવી રહ્યા છે. વિરોધ પક્ષના મજબૂત મોહરાઓને પોતાના કરી લેવાની ભાજપની આ પાવરફૂલ ગેમ પ્‍લાનિંગ સામે વિપક્ષી એકતા અત્‍યારે વામણી સાબિત થઈ રહી છે. અંતે, રાજકારણના આ ખેલમાં ભાજપની રણનીતિ વિપક્ષની પરંપરાગત રાજનીતિ પર ભારે પડી રહી છે.

(10:54 AM IST)