News of Thursday, 14th May 2026
આરોપીની ચિંતા, લોકો ભલે ફફડેઃ ગુજરાત વિચિત્ર દશામાં
આરોપીઓની ગરીમાં જળવાશે, લોકોની સુરક્ષાનું જે થવું હોય એ થાયઃ યુપી, આસામ, બંગાળ જેવી ત્રેવડ ગુજરાતના ભાજપીઓમાં નથી
ગુજરાત આજે એક અત્યંત વિચિત્ર અને ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ સામાન્ય જનતામાં ભયનો માહોલ છે, તો બીજી તરફ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને ગુનેગારોની ‘ગરિમા' જાળવવાની ચિંતા સતાવી રહી છે. રાજકોટમાં તાજેતરમાં બનેલી ઘટનાએ તો હદ કરી દીધી છે. પોલીસને મારીને ગુંડાઓ મોબાઈલ લૂંટી ગયા.. .સામાન્ય માણસની સુરક્ષાની શું આશા રાખવી? જ્યારે રક્ષક જ ભક્ષક સામે લાચાર હોય, ત્યાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
રાજ્યમાં આજે ગુનાખોરી અને નશાખોરીનું તાંડવ જોવા મળી રહ્યું છે. જે ગુજરાત શાંતિ માટે જાણીતું હતું, ત્યાં આજે ગુંડા તત્વો બેફામ બન્યા છે. આ સ્થિતિ પાછળ નિર્ણાયક રણનીતિનો અભાવ અને જવાબદારી વગરની નેતાગીરી મુખ્ય કારણ છે. નવાઈની વાત એ છે કે, ખુદ ગળહ રાજ્યમંત્રીએ જાહેરમાં સૂચના આપી હતી કે માથાભારે આરોપીઓના સરઘસ કાઢવા જોઈએ જેથી લોકોમાં પોલીસનો વિશ્વાસ વધે અને ગુનેગારોમાં ફફડાટ પેદા થાય. પરંતુ પોલીસ વડાએ આ બાબતે મનાઈ ફરમાવીને ગુનેગારોની ગરિમાનો રાગ આલાપ્યો છે.
સરકાર અને વહીવટી તંત્ર વચ્ચેના આ વિરોધાભાસમાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે. આરોપીના માનવ અધિકારોની ચિંતા કરતું તંત્ર સામાન્ય નાગરિકના સુરક્ષિત જીવવાના અધિકારને ભૂલી ગયું લાગે છે. આરોપીઓના સરઘસ ન નીકળે તો કંઈ નહીં, પણ શું પોલીસમાં ગુજરાતને ગુનાખોરી મુક્ત કરવાની ઈચ્છાશક્તિ કે ક્ષમતા છે ખરી? જે અધિકારીઓ ગુનેગારો પ્રત્યે કૂણું વલણ રાખતા હોય, તેમને સહન કરવા એ રાજ્યની કમનસીબી છે.
આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ગુજરાતીઓએ પોતાની સુરક્ષા હવે જાતે જ કરવી પડે તેમ છે. પોલીસ જ્યારે ગુંડાઓનો માર ખાઈને પણ તેમની ગરિમા જાળવવામાં વ્યસ્ત હોય, ત્યારે જનતા કોના ભરોસે રહે? આ માત્ર વ્યવસ્થાની નિષ્ફળતા નથી, પણ નૈતિક પતન પણ છે. જો વહેલી તકે કડક હાથે કામ લેવામાં નહીં આવે, તો ગુજરાતમાં અરાજકતા ફેલાતા વાર નહીં લાગે. સત્તાધીશોએ જાગવાની અને તંત્રએ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવાની તાતી જરૂર છે. શું ગરિમા માત્ર ગુંડાઓની જ હોય? સામાન્ય માણસની શાંતિની કોઈ કિંમત નથી? આ પ્રશ્ન આજે દરેક ગુજરાતીના મનમાં ઘૂમરાઈ રહ્યો છે.
અન્ય રાજ્યમાં ભાજપી શાસકો ખુંખાર ગુન્હાખોરી સામે નિર્ણાયક જંગ ખેલીને પોતાના રાજ્યને સુરક્ષિત રાખવા મથે છે,પણ ગુજરાતમાં પોલીસ ખુદ માર ખાઈને આરોપીની ગરિમાની ચિંતા કરે છે.ગુજરાતીઓની સહન શક્તિ ગજબ કહેવાય. યુપી,બંગાલ,આસામ જેવી ખુમારી કે ત્રેવડ ગુજરાતની ભાજપી નેતાગીરીમાં કેમ પ્રગટતી નથી? નેતાઓ અને અધિકારીઓની મુજરા માસ્ટરીમાં ગુજરાત બરબાદ થઈ રહ્યું હોય તેમ નથી લાગતું?
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
