હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંદિરો મામલે બહાદુરી, પણ..
રાજકોટમાં ગેરકાયદે મંદિરો તોડનાર તંત્ર મોટા માથાના ગેરકાયદે દબાણો મુદે કથ્થક કરવા લાગે છેઃ માર્ગોને નડતા દબાણો તો હટાવો
શં શનેશ્વરાય નમઃ
આજે શનિ જયંતી છે. શનિદેવનો ડર સૌથી વધારે જોવા મળે છે. વાસ્તવમાં શનિ મહારાજથી ડરવાને બદલે ખુદના કર્મથી ડરવું જોઇએ. શનિદેવ કોઇનું સારું કે ખરાબ કરતા નથી, એ માત્ર ચુકાદો આપે છે. કર્મ ઉત્તમ હોય તો ચુકાદો સકારાત્મક જ હોય.
રાજકોટમાં શનિ જયંતી પૂર્વે તંત્રએ અચાનક મોટી કાર્યવાહી કરી. એક વિસ્તારમાં માર્ગો પર નડતા ગેરકાયદે મંદિરો રાતોરાત હટાવી દેવાયા. કાયદાનું પાલન થાય તે સારી બાબત છે. પરંતુ તંત્રની આ બહાદુરી માત્ર ધાર્મિક સ્થળો પૂરતી જ કેમ સીમિત રહે છે? આ સવાલ આજે દરેક રાજકોટવાસીના મનમાં ઉઠી રહ્યો છે. જ્યારે મોટા માથાંના ગેરકાયદે દબાણોની વાત આવે છે, ત્યારે તંત્રના પગ ધ્રૂજવા લાગે છે. ત્યાં કાયદો જાણે લાચાર બની જાય છે. અધિકારીઓ આવા દબાણો સામે એકશન લેવાને બદલે કથ્થક અને મુજરા કરવા લાગે છે.
૧૫૦ ફૂટ રિંગ રોડ આજે દબાણકારો માટે સ્વર્ગ બની ગયો છે. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીનો આખો માર્ગ કાયમી દબાણોથી ઘેરાયેલો રહે છે. રસ્તાઓ પર લારી-ગલ્લા અને પાકાં દબાણોનો રાફડો ફાટ્યો છે. સામાન્ય જનતા રોજ ટ્રાફિક જામમાં પીસાય છે. નાણાવટી ચોક પાસે તો હદ થાય છે. ત્યાં માર્ગ પર જ ર્સ્ટલિંગ હોસ્પિટલનું કાયમી ર્પાકિંગ બની ગયું છે. તેની આગળ મોટરકારના શોરૂમ વાળાએ પણ માર્ગ પોતાના પાર્કિંગ તરીકે કબજે કરી લીધો છે. આવા અસંખ્ય દબાણો ખુલ્લેઆમ છે, તે તંત્રને દેખાતા નથી?
ગરીબ કે મધ્યમ વર્ગની વાત હોય, ત્યારે કાયદાનો દંડો તરત વીંઝાય છે. પરંતુ વગદારો સામે તંત્ર કેમ લાચાર બની જાય છે. વહીવટી તંત્રની આ બેધારી નીતિ હવે ખુલ્લી પડી ગઈ છે. માત્ર મંદિરો હટાવવાથી ટ્રાફિકની સમસ્યા હલ નહીં થાય. જો સાચે જ રાજકોટને ટ્રાફિક મુકત કરવો હોય, તો ભેદભાવ વગર તમામ દબાણો હટાવવા પડશે.
શનિદેવ કર્માધિકારી છે, તે દરેકને તેના કર્મ પ્રમાણે જ ફળ આપે છે. તંત્રએ પણ આ વાત સમજવી પડશે. જનતાએ હવે બધું સહન કરવાનું બંધ કરવું પડશે. અન્યાય સામે અવાજ ઉઠાવવો જ પડશે. લોકોમાં હવે શનિઉર્જા જાગવી જોઈએ અને શાસકો-તંત્રને કર્મ પ્રમાણે ફળ આપવું જોઇએ. જેથી આ આંધળા અને બહેરા તંત્રને જગાડી શકાય. શાસકો અને અધિકારીઓએ યાદ રાખવું જોઈએ કે જનતા જ ખરો ન્યાય કરે છે. જો તંત્ર મોટા માથાંના દબાણો સામે કડક પગલાં નહીં લે, તો પ્રજા પોતે જ સત્તાધીશોને તેમના ખરાબ કર્મોનું ફળ આપશે. માર્ગોને નડતા તમામ દબાણો તાત્કાલિક હટાવો, એ જ રાજકોટ હિતમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
