હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકીય જંગલમાં સાંઢિયો ફસાયો!
પદાધિકારીઓની નિમણૂક ગોટે ચઢી અને સાંઢિયા પુલનું લોકાર્પણ અટકયું: સુવિધા છતા ટ્રાફિક ત્રાહીમામઃ ભાજપની આંતરિક બઘડાટીમાં લોકો સેન્ડવીચ
ગુજરાત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાને આજે ૨૮ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે. શાસક પક્ષ ભાજપ મહાનગરોમાં પદાધિકારીઓની નિમણૂક કરી શકયો નથી. સત્તાના આ આંતરિક ખેંચતાણની સીધી અને વરવી અસર પ્રજાલક્ષી વિકાસ કાર્યો પર પડી રહી છે. રાજકોટનું જ જીવંત ઉદાહરણ લો, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ‘સાંઢિયા પુલ' સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. માત્ર નેતાઓના ઉદઘાટનના વાંકે આ પુલ પ્રજા માટે બંધ રાખવામાં આવ્યો છે.
રાજકોટના રાજકીય જંગલમાં પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે વિવિધ રાજકીય પ્રાણીઓ અંદરોઅંદર ઘુરકિયા કરી રહ્યા છે, જેમાં સામાન્ય જનતાની સુવિધાનો ‘સાંઢિયો' બ્રિજ વચમાં બરાબરનો ફસાઈ ગયો છે.
સ્થાનિક નેતાગીરી નક્કી કરવામાં હાઈકમાન્ડ જે લાંબો સમય લઈ રહ્યું છે, તેના કારણે વહીવટી તંત્ર ઠપ્પ થઈ ગયું છે અને અનેક મહત્વના કાર્યો ગોથે ચઢયા છે. સમગ્ર ગુજરાતમાં હંમેશા શિસ્ત અને ત્વરિત નિર્ણયો માટે જાણીતો ભાજપ અત્યારે જાણે વિવરિંગ પોઝિશનમાં આવી ગયો હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
રાજકોટ જેવા આર્થિક પાટનગરમાં લાખો વાહનચાલકો રોજ સવાર-સાંજ ભયાનક ટ્રાફિક જામમાં પીસાઈ રહ્યા છે અને હેરાન પરેશાન થાય છે. પરંતુ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસતા સત્તાધીશો કે સંગઠનના હોદ્દેદારોને જનતાની આ રોજિંદી હાડમારીની જરાય ચિંતા હોય તેવું બિલકુલ લાગતું નથી. માત્ર રાજકોટ જ નહીં, ગુજરાતના મોટાભાગના તમામ શહેરોમાં પદાધિકારીઓ વગર આવી જ વિલંબિત અને દયનીય દશા પ્રવર્તી રહી છે.
શહેરી જનતાના મનમાં હવે તીખા અને આકરા સવાલો પૂછાઈ રહ્યા છે કે આખરે નિમણૂકો કરવામાં આટલી બધી વાર કેમ લાગી રહી છે? શું પાર્ટીની અંદર જૂથબંધી અને આંતરિક વિવાદો એટલી હદે ચરમસીમાએ પહોંચી ગયા છે કે હાઈકમાન્ડ પણ લાચાર બની ગયું છે? લોકશાહીમાં પ્રજાના ટેક્સના પૈસેથી બનેલી મહત્વની માળખાકીય સુવિધા રાજકીય નેતાઓના અંગત અહમ અને પદની લડાઈને કારણે બંધ પડી રહે તે પ્રજા સાથે સીધો દ્રોહ છે.
સરકારના સ્માર્ટ સિટી અને વિકાસના મોટા-મોટા દાવાઓ અત્યારે પદની વહેંચણીના ગોરખધંધામાં જ ગૂંચવાઈને રહી ગયા છે. પ્રજાની સહનશક્તિ અને ધીરજનો હવે સજ્જડ અંત આવી રહ્યો છે. જો સત્તાધારી શાસકો અને વહીવટી તંત્ર હજુ પણ સમયસર નહીં જાગે, તો ટ્રાફિકથી કંટાળેલા અને રોષે ભરાયેલા લોકો પોતે જ રસ્તા પર ઉતરી આવશે.
જનતા જાતે ભેગી થઈને આ સાંઢિયા પુલનું લોકાર્પણ કરીને વાહનો દોડાવવા માંડશે તો પણ કોઈ નવાઈ નહીં લાગે. ભાજપે પદની લડાઈ બાજુ પર મૂકીને લોકહિતને જ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
