News of Tuesday, 16th June 2026
ભારત વિકસિત, ગુજરાત વિચિત્ર !
પંચાલજીનું રાજકોટમાં સ્વાગત છેઃ ગુજરાતમાં ગીરથી માંડીને નર્મદા સુધી ભાજપમાં આંતરિક બઘડાટી, પક્ષનો કોઇ કાબૂ નથી અને વિકસિત ભારત અંગે પ્રવચનઃ ગુજરાતીઓની સહન શકિતને સલામ...
ભાજપના પ્રદેશ પ્રમુખ આજે રાજકોટ પધારી રહ્યા છે. તેઓનું હાર્દિક સ્વાગત છે. મળતી વિગતો પ્રમાણે, જગદીશભાઇ સ્વ. જનકભાઇ કોટકને શ્રદ્ધાંજલી આપશે. ત્યારબાદ તેઓ પક્ષના નિયત કાર્યક્રમમાં ‘વિકસિત ભારત' વિષય પર પ્રવચન આપશે.
વડાપ્રધાન મોદીજીના અસામાન્ય નેતળત્વમાં ભારતે અસાધારણ પ્રગતિ કરી છે. મોદીજીનું નેતળત્વ ઐતિહાસિક અને નક્કર છે જ. તેના ગુણગાન કરીએ તેટલાં ઓછા પડે તેમ છે. પરંતુ અસલી સવાલ મોદીજીના પોતાના ગુજરાતનો છે. આજે ભારત વિકસિત બની રહ્યું છે, પણ ગુજરાત વિચિત્ર બની ગયું છે.
વિપક્ષના પડકાર વગરનું ગુજરાત અતિ નબળા શાસનમાં કેદ બન્યું છે. વર્તમાન શાસકોનો રાજ્યમાં કોઈ પ્રભાવ નથી. એટલું જ નહીં, પોતાના પક્ષ પર પણ તેમનો કાબૂ નથી. ચારે બાજુ ભાજપમાં આંતરિક બઘડાટી બોલી રહી છે. ગુજરાતના ભાજપીઓ મોદીજીની વાહવાહી કરે છે. પણ તેઓ ગુજરાતમાં ભાજપની આબરૂ જતી બચાવી શકવા શક્તિમાન નથી.
પંચાલજીના રાજકોટ આગમનના એક દિવસ પૂર્વે જ તાલાળાના ધારાસભ્યએ પક્ષની બઘડાટીથી કંટાળીને રાજીનામું આપવાની વાત કરી દીધી. ગઈકાલે નર્મદા જિલ્લામાં ભાજપી ધારાસભ્ય પક્ષથી કંટાળીને ધરણા પર બેસી ગયા.
રાજકોટના સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોને માત્ર સત્તા અને પાવર જોઈએ છે. તેમને લોકોના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ નથી. દેશી દારૂના દૂષણથી માંડીને લવ જેહાદ સુધીના ગંભીર મુદ્દે નેતાઓ મૌન રહે છે.
આવી બેકાબૂ સ્થિતિ આજે સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. છતાં પક્ષના હોદ્દેદારોનું કંઈ ઉપજતું નથી. તેઓ માત્ર મોદીજીની વાહવાહી કર્યે રાખે છે. પક્ષની કે ગુજરાતની આબરૂ જતી અટકાવવાની તેમનામાં ત્રેવડ નથી. ગુજરાતમાં વિપક્ષને અને વિરોધીઓને તોડીને મોજ કરવી, એ એક જ પ્રવળત્તિમાં શાસકો મગ્ન છે.
પ્રજા પરેશાન છે અને નેતાઓ સત્તાના નશામાં ચૂર છે. આવી રાજકીય સ્થિતિ જોઈને ગુજરાતીઓની સહન શક્તિને સલામ કરવાનું મન થાય છે. પ્રચંડ બહુમતી હોવા છતાં આવું ફાલતુ શાસન ચાલવું, એ જ ગુજરાતની સૌથી મોટી વિચિત્રતા ગણાય. આ ગંભીર વિરોધાભાસ હવે પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. શાસકો ભલે ગમે તેટલા દાવા કરે, પણ પાયાની વાસ્તવિકતા અલગ જ ચિત્ર રજૂ કરે છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
