<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

દંડ નીતિ વન-વે ન હોય

પાંચ ઇ-ચલણ ન ભરે તો લાઇસન્‍સ રદ્‌ ભલે કરો, પણ અન્‍ય નિયમોનું પાલન ન કરાવી શકનાર જવાબદાર ટ્રાફિક અધિકારીની નોકરી પણ જવી જોઇએઃ ટ્રાફિક સમસ્‍યાના નામે માત્ર લોકોને જ ખંખેરવાની નીતિ ન ચાલે

માર્ગ અકસ્‍માતો ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દરરોજ અસંખ્‍ય નિર્દોષ લોકો પોતાના  જીવ ગુમાવી રહ્યા છે. ટ્રાફિક વ્‍યવસ્‍થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ ગંભીર સમસ્‍યા વચ્‍ચે આપણું વહીવટી તંત્ર જરા પણ ગંભીર દેખાતું નથી. તંત્ર માત્ર સામાન્‍ય લોકોને જ તમામ અકસ્‍માતો માટે જવાબદાર ગણાવી રહ્યું છે. આ જ કારણે લોકો માટે દરરોજ નવા આકરા નિયમો જાહેર કરાઈ રહ્યા છે.

હાલમાં જ પાંચ ઈ-ચલણ ન ભરનારના ડ્રાઇવિંગ લાઇસન્‍સ રદ્દ કરવાનો નવો કડક નિયમ લાવવામાં આવ્‍યો છે. જનતા પાસે નિયમોનું પાલન કરાવવા સરકાર મક્કમ છે. પરંતુ મોટો સવાલ એ છે કે વહીવટી તંત્ર સામે કેમ આવા આકરા નિયમો લાદવામાં આવતા નથી? દંડ વસૂલવાની આ નીતિ માત્ર વન-વે શા માટે ચાલે છે?

આજે શહેરના મુખ્‍ય માર્ગો અનુભવહીન, જવાબદારીહીન અને પાવરહીન ટ્રાફિક વોર્ડનના ભરોસે મૂકી દેવાયા છે. મુખ્‍ય જવાબદાર ટ્રાફિક અધિકારીઓ રસ્‍તા પર ઊતરવાને બદલે માત્ર એરકન્‍ડિશન્‍ડ કેબિનમાં બેસી રહે છે. ટ્રાફિક તંત્રની આ મનમાની અને લોલમલોલ નીતિ સીસીટીવી કેમેરામાં સ્‍પષ્ટ કેદ થાય છે. છતાં પણ કાયદો તોડનારા કે ફરજ ચૂકતા અધિકારીઓ સામે કોઈ કડક પગલાં કેમ ભરાતા નથી?

જો સામાન્‍ય નાગરિક ચલણ ન ભરે તો તેનું લાઇસન્‍સ રદ્દ થઈ જતું હોય, તો જે અધિકારીઓ રસ્‍તા પર ટ્રાફિકના અન્‍ય નિયમોનું પાલન કરાવી શકતા નથી, તેમની નોકરી પણ તાત્‍કાલિક જવી જ જોઈએ. આવા કાયદા કેમ નથી બનાવવામાં આવતા?

વાસ્‍તવમાં, ટ્રાફિક સમસ્‍યાના નામે માત્ર લોકોને જ ખંખેરવાની આ નીતિ હવે લાંબો સમય નહીં ચાલે. આજે દારૂ પીને બેફામ વાહન ચલાવનારાઓ સૌથી વધારે અકસ્‍માતો સર્જે છે. આ તત્‍વોને રોકવામાં આપણું વિરાટ ટ્રાફિક તંત્ર સાવ નિષ્‍ફળ નીવડ્‍યું છે. શું આ સરકારી તંત્રને માર્ગો પર માત્ર મુજરા કરવા રાખ્‍યું છે?

સરકારે માત્ર દંડના નવા ગતકડાં કરવાનું હવે બંધ કરવું પડશે. ટ્રાફિકની સમસ્‍યાના મૂળ કારણો અંગે ઊંડાણપૂર્વક અભ્‍યાસ કરીને તેનો કાયમી નિકાલ કરવો જરૂરી છે. ટ્રાફિક વ્‍યવસ્‍થાને સર્વોચ્‍ચ પ્રાધાન્‍ય આપીને હાઈલી ક્‍વોલિફાઈડ લોકોને મેદાનમાં ઉતારવા પડશે. યુદ્ધના ધોરણે કામગીરી કરીને આખી વ્‍યવસ્‍થા ઠીક કરવી પડશે. વન-વે દંડ નીતિથી કયારેય અકસ્‍માતો અટકશે નહીં.પ્રજાએ પણ તંત્રની આ વન-વે નીતિને ફગાવી દેવી જોઈએ. કાયદો અને જવાબદારી બંને પક્ષે સમાન હોવા જોઈએ. (૩.૨)

 

(11:04 AM IST)