News of Thursday, 18th June 2026
ડ્રગ્સ સામે જંગ, દેશીની મોજેમોજ!
ગુજરાત પોલીસ વડાની વિચિત્ર દોડઃ ડ્રગ્સ સામે જંગ તીવ્ર બન્યાની પ્રસિધ્ધિ લીધી, પણ દેશી દારૂની રેલમછેલ સામે મલિકજી મોનઃ લોકો દારૂના અડ્ડા પર દરોડા પાડવા લાગ્યા, પણ પોલીસ...
ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશભાઈએ નેતાઓને બોધ આપ્યો કે અડધી રાત્રે પણ લોકોના ફોન ઉપાડજો..જો કે શ્રેષ્ઠ સ્થિતિ એ ગણાય કે લોકો ફરિયાદ કરે એ પહેલા જ સમસ્યા ઉકલી જાય.ગુજરાતમાં લોકો કાયદો હાથમાં લેવા મજબૂર બને છે છતાં સમસ્યા ઉકલતી નથી..નશાબંધીનો કાયદો દાયકાઓથી અમલમાં છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં આ કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોય તેમ સ્પષ્ટ જણાય છે.
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સામે જંગ તીવ્ર બન્યાનું પોલીસ વડા મલિકજીએ જાહેર કર્યું છે. તેમણે તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ આ મામલે કડક કેસ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે.ડ્રગ્સ માફિયાઓ સામે સરકારે મોટી કમર કસી હોય તેવું આયોજનપૂર્વકનું ચિત્ર ઊભું કરાયું છે. પોલીસ તંત્ર આ કામગીરી બાબતે માધ્યમોમાં પોતાની ખૂબ મોટી પ્રસિદ્ધિ મેળવી રહ્નાં છે. પરંતુ વાસ્તવિક ધરાતલ પરની સ્થિતિ કંઈક જુદી જ વાર્તા કહી રહી છે.
નશા કોઈપણ પ્રકારના હોય, તે માનવ શરીર અને સમગ્ર સમાજ માટે અત્યંત ખતરનાક અને વિનાશક નીવડે છે. તેથી જ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારોને જાળવવા અહીં સત્તાવાર નશાબંધી કાયદો લાદવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં નશાબંધી જેવું કશું જ જોવા મળતું નથી. ગુજરાતના ખૂણેખૂણે આજે દેશી અને વિદેશી દારૂની ખુલ્લેઆમ રેલમછેલ બોલે છે. વિદેશી ગણાતો દારૂ તો ક્યારેક નાકાબંધીમાં થોડો ઘણો પકડાય છે. તેના મોટા કેસો બતાવીને વાહવાહી લૂંટાય છે.
સ્થાનિક સ્તરે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બરબાદ કરતો ગેરકાયદેસર દેશી દારૂ તો ચારેબાજુ દરિયાની જેમ ઘુઘવતો જોવા મળે છે.
સૌથી મોટી નવાઈની વાત એ છે કે હાઈપ્રોફાઈલ ડ્રગ્સ સામે આટલો મોટો હોબાળો મચાવનાર પોલીસ વડા દેશી દારૂના આ દૂષણ સામે તદ્દન મૌન ધારણ કરીને બેઠા છે. આ ગરીબલક્ષી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કોઈ જ મોટું સત્તાવાર અભિયાન ચલાવવામાં આવતું નથી. ગ્રામ્ય વિસ્તારો અને શહેરોના પછાત વિસ્તારોમાં દેશી દારૂ વેચવાના સેટિંગ વહીવટી તંત્ર સાથે ખુલ્લેઆમ ચાલતા હોવાનું ખૂબ જ ચર્ચિત અને જાણીતું છે.
સ્થાનિક પોલીસ બૂટલેગરોની તમામ ગતિવિધિઓથી વાકેફ હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ ખાતર હંમેશાં આંખ આડા કાન કરવાનું પસંદ કરે છે. દારૂડિયાઓના રોજિંદા ત્રાસથી હવે સામાન્ય લોકો અને ખાસ કરીને મહિલાઓ કંટાળી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા પરથી જનતાનો ભરોસો સાવ ઉઠી ગયો છે. પરિણામે, કાયદો હાથમાં લઈને લોકો પોતે જ દેશી દારૂના અડ્ડાઓ પર લાકડીઓ સાથે ત્રાટકવા લાગ્યા છે. સ્થાનિક જનતા સ્વયંભૂ દરોડા પાડે છે, પણ હપ્તાબાજ બની ગયેલ જવાબદારો માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જુએ છે. ઉચ્ચ કક્ષાએથી પોલીસને આ અડ્ડાઓ કાયમી બંધ કરાવવાનો કે કડક પગલાં ભરવાનો કોઈ આદેશ અપાતો નથી!!
રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલતી આખી ઝુંબેશ માત્ર પ્રચાર મેળવવાના ગતકડાં જેવી જ લાગે છે. ગંભીર સ્થાનિક સમસ્યાઓ પર પડદો પાડવાનો આ એક મોટો રાજકીય પ્રયાસ નથી લાગતો ? સરકારે હવે પોલીસ તંત્ર પાસે નિષ્ઠાપૂર્વક સાચી રીતે કામ કરાવતા શીખવવું પડે તેમ છે. જ્યાં સુધી દરેક સ્તરેથી હપ્તા ખાવાની લાલચ અને ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે છૂટશે નહિ, ત્યાં સુધી રાજ્યમાં નશાબંધી ક્યારેય સફળ થઈ શકશે નહીં. સરકારે આ બેધારી વિચિત્ર નીતિ ત્વરિત બંધ કરવી જ જોઈએ.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
