News of Thursday, 25th June 2026
ઇંધણ સાથે જીવ પણ બલ્યો...
નીતિનભાઇને અનુભવ થયો તે લોકોને દરરોજ થાય છેઃ સહન કરવું એ લાચારી છેઃ શાસકો પાસે સમસ્યા ઉકેલવાનો સમય કે શકિત નથી
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તાજેતરમાં ટ્રાફિકમાં બરાબરના ફસાયા હતા. તેમનો મગજ ફાટયો અને તેમણે રસ્તા પર જ પોલીસ તંત્રને જોરદાર ખખડાવી નાખ્યું. નીતિનભાઈએ ખૂબ જ સચોટ તર્ક આપ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન દેશમાં ઈંધણ બચાવવાની અપીલ કરે છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે અરાજક ટ્રાફિક વ્યવસ્થાના કારણે દરરોજ લાખો લીટર ઈંધણની બરબાદી થાય છે.
નીતિનભાઈને જે કડવો અનુભવ થયો, તેવો જ અનુભવ લોકોને દરરોજ સવાર-સાંજ થાય છે. રસ્તાઓ પર માત્ર કિંમતી ઈંધણ જ નથી બગડતું, પરંતુ કલાકો સુધી જામમાં ફસાયેલા લાખો વાહનચાલકોનો જીવ પણ બળે છે. લોકોનો કિંમતી સમય અને માનસિક શાંતિ રોડ પર રોળાઈ જાય છે.
વર્તમાન શાસકો રાજકીય કાવાદાવા અને વિપક્ષને તોડવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે જનતાની આ રોજિંદી સમસ્યાઓ ઉકેલવાનો સમય જ નથી. સરકારને જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે શાસકો પાસે આ ટ્રાફિક સમસ્યા ઉકેલવાની કોઈ ઈચ્છાશક્તિ કે વહીવટી સક્ષમતા જ બચી નથી.
નીતિનભાઈએ તો પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને પોલીસ તંત્ર પર ગુસ્સો વ્યક્ત કરી દીધો. આ રીતે કોઈ સામાન્ય વાહનચાલક હિંમત કરે, તો તંત્ર તેને કાયદાનો ડર બતાવીને તુરંત જેલ ભેગો કરી દે છે અથવા મોટો દંડ ફટકારી દે છે. સામાન્ય લોકો ટ્રાફિકની અરાજકતાથી ત્રાહીમામ છે, પણ સિસ્ટમ સામે સહન કર્યા વગર તેમની પાસે કોઈ છુટકો નથી. આ સહનશીલતા જનતાની જીવંત લાચારી છે.
એક મહત્વનો મુદ્દો એ પણ લાગે છે કે જ્યારે નીતિનભાઈ પોતે સરકારમાં, સત્તા પર હતા, ત્યારે પણ ટ્રાફિકની આ જ અરાજકતા હતી. ત્યારે તેમણે પણ આ વ્યવસ્થા સુધારવા માટે કંઈ ખાસ ઉકાળ્યું નહોતું એ પણ એક હકીકત છે. આજે જ્યારે સરકારી કાફલા કે સત્તાના પાવર વગર સામાન્ય નાગરિકની જેમ રસ્તા પર નીકળવું પડ્યું, ત્યારે જઈને તેમને આ ગંભીર સમસ્યા સમજાઈ છે!
વર્તમાન સરકારમાં ગોઠવાયેલા તમામ મંત્રીઓ, નેતાઓ અને નેતીઓ અને અધિકાકરીઓ માટે પણ સિકયોરિટી કે વિશેષ પાવર વગર સામાન્ય ટ્રાફિકમાં નીકળવાનું ફરજિયાત બનાવવું જોઈએ. જ્યારે તેઓ સામાન્ય જનતાની જેમ જામમાં ફસાશે, ત્યારે જ તેમને વાસ્તવિક સમસ્યાનું ભાન થશે.
ગુજરાતીઓ તો હવે આ અવ્યવસ્થા વચ્ચે જીવ બાળીને પણ મોજ કરવાનું શીખી ગયા છે. નીતિનભાઈએ પણ હવે આ કડવી વાસ્તવિકતા સ્વીકારીને મોજ કરવાનું શીખી લેવું જોઈએ.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
