News of Friday, 26th June 2026
આપણો વિકાસ.. ડ્રગીસ્તાન!
ડ્રગ્સ વિરોધી દિનઃ ગુજરાતી નશા નેટવર્કના તાર આતંકવાદ સુધીઃ પાંચ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું: ન પકડાયેલું કેટલું હશે? નશા મામલે નિર્ણાયક અભિયાન કયારે?
આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય નશાકારક ડ્રગ્સ વિરોધી દિન મનાવી રહ્યું છે, ત્યારે ગુજરાત માટે આ દિવસ ગંભીર આત્મમંથનનો છે. ગુજરાતને આપણે ઉદ્યોગો અને આર્થિક સમળદ્ધિનું મોડેલ ગણાવીએ છીએ. પરંતુ આ ઉજળા વિકાસની પાછળ એક અત્યંત ભયાનક અને કાળો પડછાયો સતત મોટો થઈ રહ્યો છે. આપણો ૧૬૦૦ કિલોમીટર લાંબો અને વ્યૂહાત્મક દરિયા કિનારો હવે વૈશ્વિક ડ્રગ્સ માફિયાઓ માટે દેશમાં ઘૂસણખોરી કરવાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયો છે.
ગઈકાલે જ મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા ડ્રગ્સ નેટવર્કના તાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા સાથે જોડાયેલા હોવાની આશંકાથી તપાસ શરૂ થઈ છે. આ બાબત સાબિત કરે છે કે નશાનો આ કારોબાર માત્ર યુવાધનને બરબાદ નથી કરી રહ્યો, પરંતુ દેશની આંતરિક સુરક્ષાને પણ સીધું નુકસાન પહોંચાડી રહ્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સ સામે મહાયુદ્ધની અને ઝીરો ટોલરન્સની મોટીમોટી વાતો વારંવાર સાંભળવા મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ દૂષણ પર હજુ સુધી બરાબરનો સિકંજો કસાતો નથી.
તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧૩,૬૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કરોડો રૂપિયાનો નશાનો જથ્થો પકડાય છે, ત્યારે નેતાજીઓ તાત્કાલિક મીડિયા સામે આવીને પોતાની પીઠ થાબડે છે અને વાહવાહી લૂંટવાની બડાશો હાંકે છે. પરંતુ આ પ્રશંસાની પાછળ છુપાયેલો અસલી અને ડરામણો સવાલ એ છે કે, જો પાંચ વર્ષમાં આટલો મોટો જથ્થો પકડાયો હોય, તો સુરક્ષા એજન્સીઓની નજરથી બચીને નીકળી ગયેલું ન પકડાયેલું ડ્રગ્સ કેટલું હશે? જો બધું જ ડ્રગ્સ સરહદ પર જ ઝડપાઈ જતું હોય, તો પછી ગુજરાતના શહેરો અને ગામડાઓમાં નશાના પડીકાં શેના વેચાય છે?
આ ગંભીર પરિસ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે લડવામાં સરકારનો પન્નો ટૂંકો પડી રહ્યો છે અથવા તો આ આખી લડાઈ માત્ર દેખાડા ખાતર જ લડવામાં આવી રહી છે. જે રાજ્યની પોલીસ પોતાના નાક નીચેથી દેશી દારૂના અડ્ડાઓ કે દેશીની કોથળીઓ પણ સંપૂર્ણ બંધ કરાવી શકતી નથી, તે સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરની અબજો રૂપિયાની વૈશ્વિક તાકાતો અને ડ્રગ સિન્ડિકેટ સામે મક્કમતાથી લડશે તેવી આશા રાખવી જ નકામી છે. સ્થાનિક સ્તરે કડક ઈચ્છાશક્તિ અને નિર્ણાયક અભિયાનનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે.
આપણે આર્થિક રીતે ભલે ગમે તેટલી પ્રગતિ કરી લઈએ, પણ જો આપણી યુવા પેઢી જ નશાની ગર્તામાં ધકેલાઈ જશે, તો એ ઊંચા જીડીપી અને ફેક્ટરીઓનો કોઈ અર્થ નથી રહેતો. પંજાબની જે દુર્દશા થઈ તે આપણી સામે છે. જો અત્યારે જ જમીની સ્તરે કડક અને શંકાસ્પદ લોકો સામે નશામુક્તિનું સાચું યુદ્ધ શરૂ કરવામાં નહીં આવે, તો આપણે વિકાસ કરીને ‘ગુજરાત' માંથી‘ડ્રગીસ્તાન' બનવા તરફ જઈ રહ્યા છીએ તે કડવું સત્ય સ્વીકારવું જ પડશે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
