<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

વિપક્ષ પર પણ ‘રાહુ'ભારે પડયો

વિપક્ષના નેતા પદે રાહુલ ગાંધીના બે વર્ષ પૂરાઃ વિપક્ષની તાકાત ઘટીઃ સરકાર મજબૂત બનીઃ કોંગ્રેસના સાંસદો તૂટયા નથી, પણ સાથી પક્ષો ચીંથરે હાલ

 

રામ મંદિરમાં થયેલા ગોટાળાથી કરોડો સનાતનીઓને આઘાત લાગ્‍યો છે.આ મામલે ભાજપી પ્રવક્‍તાઓની દશા ખરાબ છે. ભાજપનો મુખ્‍ય મુદ્દો હિન્‍દુત્‍વ છે, રામ મંદિર છે, આ મુદે જ ભાજપ ભરાઈ ગયો છે. વિપક્ષ માટે આ માહોલ તકના તેડા જેવો ગણાય. દેશભરમાં ભાજપના હિન્‍દુત્‍વની હવા કાઢવાની તક છે,પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પેપર ફૂટવાના મુદે જ નિવેદનો કરે છે.

લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પોતાના કાર્યકાળના બે વર્ષ પૂરા કર્યા છે. જ્‍યોતિષશાષાની દ્રષ્ટિએ કોઈ પણ વ્‍યક્‍તિ કે પક્ષની કુંડળીમાં રાહુની સ્‍થિતિ અત્‍યંત મહત્‍વની હોય છે. જો છેલ્લા બે વર્ષના ગાળા પર નજર કરીએ તો સ્‍પષ્ટ સમજાય છે કે વિપક્ષની કુંડળીમાં આ ‘રાહુ' ખરેખર ભારે પડ્‍યો છે. આ સમયગાળા દરમિયાન ગઠબંધનના સાથી પક્ષો સતત પરાજિત થઈ રહ્યા છે અને અંદરોઅંદર તૂટી રહ્યા છે.

હાલના રાજકારણમાં વિપક્ષી સાંસદો તૂટવાની અને પક્ષપલટો કરવાની એક આખી મોસમ ચાલી રહી છે. આવા કપરા સમયમાં સૌથી મોટું આヘર્ય  એ વાતનું છે કે કોંગ્રેસના પોતાના સાંસદો હજુ સુધી અકબંધ રહ્યા છે. આ પરિસ્‍થિતિને ચોકકસપણે રાહુલ ગાંધીને  એક મોટી વ્‍યકિતગત સિધ્‍ધિ તરીકે ગણાવી શકાય પરંતુ આ સિકકાની બીજી નબળી  બાજુ પણ એટલી જ સત્‍ય છે. કોંગ્રેસ પોતાના સાંસદોને બચાવી શકી છે, પરંતુ તે દેશની ચૂંટણીઓમાં કે સંસદ ગળહની અંદર જનતા સમક્ષ બિલકુલ પ્રભાવી સાબિત થઈ શકી નથી.

તામિલનાડુ જેવા દક્ષિણના મહત્‍વના રાજ્‍યનું ઉદાહરણ આ સ્‍થિતિને વધુ સ્‍પષ્ટ કરે છે. ત્‍યાં કોંગ્રેસે પોતાના જ મુખ્‍ય સાથી પક્ષ ડીએમકેને એક પ્રકારે દગો આપીને પોતાની રાજકીય મજબૂતી પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કર્યો છે. રાષ્‍ટ્રીય સ્‍તરે અત્‍યારે એવો માહોલ સર્જાયો છે કે કોંગ્રેસ મુખ્‍ય પ્રતિસ્‍પર્ધી ભાજપ સામે લડવાને બદલે પોતાના જ સાથી પક્ષો સામે શક્‍તિ અજમાવી રહી છે.

બીજી તરફ, ભાજપ અન્‍ય વિપક્ષી સાંસદોને પોતાના પક્ષમાં જોડીને ગળહની અંદર દિવસે-દિવસે વધુ મજબૂત અને આક્રમક બન્‍યો છે. રાહુલ ગાંધી વિપક્ષના નેતા હોવા છતાં આ શાસક પક્ષની વ્‍યુહરચનાનો કોઈ નિર્ણાયક કે સચોટ વિરોધ કરી શકયા નથી. ‘ઇન્‍ડિયા' મોરચા તરીકે ઓળખાતા વિપક્ષી ગઠબંધનમાં પરસ્‍પર સંકલન અને મજબૂત નેતાગીરીનો અભાવ હવે ખુલ્લેઆમ સપાટી પર દેખાઈ રહ્યો છે. રાજકીય કુંડળીમાં આ રાહુનો પ્રભાવ એવો મંડાયો છે કે ગમે તેટલી વિધિ કે રાજકીય અખતરા કરવામાં આવે, તો પણ વિપક્ષ નડતર દૂર કરી શકતો નથી.

(10:55 AM IST)