હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નૈતિકતાનું ડિમોલીશનઃ કાજુકતરીનો અપચો
પડદા પાછળના ખેલાડીઓ પણ ઉઘાડા પડવા જોઇએઃ એક નેતાની મક્કમતાથી પણ ખલનાયકો ધ્રુજી ગયાઃ મોંઘા નાસ્તા પચાવવા જેલમાં આરામ કરવા મોકલો
રાજકોટ મહાપાલિકામાં ભ્રષ્ટાચારની પરંપરા નવી નથી. જંગલેશ્વરના ઐતિહાસિક ડિમોલીશન વખતે જે બન્યું, તેણે હદ વટાવી દીધી છે. ત્યાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન તો થયું, પણ સાથે તંત્રની નૈતિક્તાનું પણ ડિમોલીશન થઈ ગયું. સામાન્ય રીતે કાજુકતરી પૌષ્ટિક અને મીઠો આહાર ગણાય છે.પરંતુ મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને ખેલાડીઓને આ કાજુકતરીનો આકરો અપચો થઈ ગયો છે. તંત્રના ચા-પાણી, નાસ્તા અને વીડિયોગ્રાફીના નામે લાખો રૂપિયાના બિલો બનાવીને સનસનાટી મચાવી દેવામાં આવી છે.
આ આખા કાંડમાં માત્ર ખાણી-પીણીનો ખર્ચ જ નથી, પણ જનતાના ટેક્સના પૈસાની ખુલ્લી લૂંટ છે. ડિમોલીશનની કામગીરીના બહાને લાખો રૂપિયાની કટકી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ અનુમાન છે. આ મામલે વર્તમાન આક્રમક મેયર નેહલજીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે તપાસ શરૂ કરાવી દીધી છે. મેયરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો વધારે રકમ ચૂકવાઈ હોવાનું સાબિત થશે, તો જવાબદારો પાસેથી રિકવરી કરવામાં આવશે.
માત્ર આર્થિક રિકવરી પૂરતી નથી. આ કૌભાંડમાં જે ચહેરાઓ પડદા પર દેખાય છે, તેના કરતાં પડદા પાછળના ખેલાડીઓની ભૂમિકા ઘણી મોટી અને શંકાસ્પદ છે. જો આ તપાસ તટસ્થ અને ઊંડાણપૂર્વક કરવામાં આવે, તો મનપાના અધિકારીઓ સાથે તત્કાલીન રાજકીય નેતાઓ અને ફૂડના મોટા વ્યાપારીઓની મિલીભગત પણ ઉઘાડી પડી શકે છે. કટકી કરવી એ કાનૂની અને નૈતિક રીતે મોટો ગુનો છે.
પ્રજાના પૈસે જલસા કરનારા આ નાલાયકોને માત્ર પૈસા પાછા મેળવીને મુક્ત ન કરી શકાય. કાજુકતરીનો અપચો કરાવનારા પડદા પાછળના અસલી ગુનેગારોને જેલના સળિયા ગણતા કરવા અત્યંત જરૂરી છે.
મેયર નેહલજી પોતાની મક્કમતા બતાવી રહ્યા છે, જેના કારણે આ આખું કાંડ ઉઘાડું પડી શકે છે. આ ઘટના સાબિત કરે છે કે જો એક નેતા પ્રમાણિક અને મક્કમ હોય, તો તે આખા મહાકાય તંત્રને ક્ષણવારમાં હચમચાવી શકે છે. આ જ અસલી તાકાત નૈતિક્તાની છે, જેની સામે ગમે તેવા ભ્રષ્ટાચારીઓ પણ ધ્રુજી ઉઠે છે.
નેહલજી સામે પડકાર સામાન્ય નથી. ખેલાડીઓને સજા સુધી પહોચાડવા મોટો પડકાર છે. માત્ર ડિમોલીશન વખતે જ ગેરરીતિ થઈ નહિ હોય, અનેક ઘટનાઓમાં લોકોના રૂપિયાના ધુમાડા થયા હશે. વ્યાપક લોકહિતમાં શંકાસ્પદ વ્યવહારોની ઉંડાણથી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટા ગણાતા નેતાઓ તથા અધિકારીઓના ભાંડા ફૂટે તેમ છે. કામ અઘરૂ છે,પણ અઘરા કામ કરનાર જ અસામાન્ય બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
