<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ફરીથી વિશ્વાસ સ્‍થાપિત કરો

અયોધ્‍યામાં લંકાકાંડ, ચંપત-અનિલના રાજીનામા મંજૂર કરવા મોટી વાત નથીઃ તપાસ ઝડપી કરીને દોષિતોને જેલમાં મોકલોઃ ફિંડલું ન વાળતા

અયોધ્‍યા રામ મંદિરના પવિત્ર પરિસરમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે, તેણે કરોડો સનાતનીઓની આસ્‍થાને ઊંડો આઘાત પહોંચાડ્‍યો છે. જે ભૂમિ પર પ્રભુ શ્રીરામનું ભવ્‍ય મંદિર બન્‍યું, ત્‍યાં દાન ચોરી અને આર્થિક ગેરરીતિના આક્ષેપો થાય તે અત્‍યંત ગંભીર બાબત છે. આ સામાન્‍ય ભ્રષ્ટાચાર નથી, આ કરોડો ભક્‍તોની અતૂટ શ્રદ્ધા સાથેનો ક્રૂર વિશ્વાસઘાત છે.

આવા પવિત્ર કાર્યમાં જો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય, તો તેને કોઈ કાળે સાંખી શકાય નહીં. ચંપત રાય અને અનિલ મિશ્રા જેવા વ્‍યક્‍તિઓના રાજીનામા મંજૂર કરવા એ કોઈ મોટી વાત નથી કે  નથી કોઈ મોટો અહેસાન. આ માત્ર પ્રાથમિક વહીવટી પ્રક્રિયા છે, તે કરીને કોઈએ મીર માર્યો નથી.

દાન ચોરીના આ ગંભીર મામલામાં તપાસની ગતિ એકદમ ઢીલી છે. સનાતની જનતા હવે આ તપાસમાં કોઈપણ પ્રકારની લોલમલોલ કે ઢીલાશ સહન કરવા તૈયાર નથી. સરકાર અને સંબંધિત તંત્રોએ આ મામલે રાજકીય ફિંડલું વાળવાનો કે મામલો થાળે પાડવાનો પ્રયાસ બિલકુલ ન કરવો જોઈએ.

આ કોઈ સામાન્‍ય જમીનનો વિવાદ નથી. તપાસ પ્રક્રિયાને અતિશય ઝડપી બનાવવી અનિવાર્ય છે. જેટલી ઝડપથી શકય હોય તેટલી ઝડપથી પુરાવા એકત્રિત કરો. આ પાપમાં સંડોવાયેલા તમામ દોષિતોને તાત્‍કાલિક ધોરણે જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, જેથી સમાજમાં એક કડક અને સ્‍પષ્ટ સંદેશ જાય.

આ આખી ઘટનાને કારણે સમગ્ર વિશ્વમાં સનાતન પરંપરાની જે બદનામી થઈ રહી છે, તે ખરેખર અસહ્ય છે. ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્‍દુ પરિષદ ના કેટલાક નેતાઓ સતત ટીવી સ્‍ક્રીન પર આવીને બકવાસ અને વાહિયાત દલીલો કરી રહ્યા છે. તેઓ આ કુતર્ક બંધ કરે. પ્રભુના ઘરમાં થયેલી ચોરી કે દાનની ગેરરીતિની કોઈપણ રીતે તરફેણ કે બચાવ થઈ જ ન શકે. રાજકીય પક્ષોએ પોતાની છબી બચાવવાને બદલે ધર્મની પવિત્રતા વિશે વિચારવું જોઈએ.

હવે સમય આવી ગયો છે કે સંગઠનો અને નેતાઓ પોતાની ભૂલનો ખુલ્લેઆમ સ્‍વીકાર કરે. તમામ જવાબદારોને તાત્‍કાલિક ધોરણે ઘરભેગા કરવામાં આવે. નેતાઓએ ટીવી પર નકામી ચર્ચાઓ બંધ કરવી પડશે. સમગ્ર હિન્‍દુ સમાજ અને સનાતનીઓની જાહેરમાં માફી માંગવી જોઈએ. માફી માંગીને જ જનતાનો તૂટેલો વિશ્વાસ ફરીથી સ્‍થાપિત કરી શકાશે.

આ એક અયોધ્‍યા પૂરતો સીમિત મામલો નથી. દેશના અન્‍ય મોટા ધર્મસ્‍થાનો અને મંદિરોમાં પણ આવી કોઈ ગેરરીતિ ચાલતી હોય, તો ત્‍યાં પણ આબરૂ જાય તે પહેલાં જ કડક ઓડિટ અને પ્રશાસનિક શુધ્‍ધિકરણ કરવું અત્‍યંત જરૂરી છે. ભક્‍તોના દાનના એક-એક પૈસાનો હિસાબ પારદર્શક હોવો જ જોઈએ.

(10:45 AM IST)