News of Thursday, 9th July 2026
મોંઘી બ્રાન્ડ, હલકો સ્વાદ
રૂા. ૪૦૦નું પિત્ઝુ વેચતી બ્રાન્ડના સ્ટોરમાંથી અખાદ્ય ફૂડના ઢગલા ઝડપાયાઃ રાજકોટમાં દરરોજ અધધ માત્રામાં ઝેરી ફૂડનો નાશ થાય છેઃ અતિ મોંઘું ફૂડ સાવ ગંદકી જેવું: લોકો ચેતે...
રાજકોટમાં લાંબા સમય પછી જનતાને ખરેખર કામ કરતા શાસનનો મજબૂત અનુભવ થઈ રહ્યો છે. હાલમાં બજારમાં મળતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી તેમજ અખાદ્ય ફૂડ સામે મહાનગરપાલિકા દ્વારા એક મોટો જંગ શરૂ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે દરરોજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઢગલાબંધ અખાદ્ય, ઝેરી અને ભેળસેળયુક્ત ખોરાક ઝડપાઈ રહ્યો છે. તંત્ર દ્વારા આ જોખમી જથ્થાનો તાત્કાલિક નાશ પણ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં દેશ અને વિદેશની અનેક પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ્સ પોતાનું મોટું નેટવર્ક ધરાવે છે. આ બ્રાન્ડ્સ ગ્રાહકો પાસેથી અકલ્પનીય ઊંચી કિંમતો વસૂલે છે. લોકો પણ માત્ર સારી ગુણવત્તા, ભવ્ય શો-ઓફ અને બ્રાન્ડની પ્રતિષ્ઠા જોઈને આવી મોંઘીદાટ જગ્યાઓએ ખાવાના રવાડે ચઢે છે. પરંતુ વાસ્તવિકતા અત્યંત આઘાતજનક સામે આવી છે. રાજકોટમાં આવી અનેક મોંઘીદાટ ફૂડ બ્રાન્ડના હાઈફાઈ સ્ટોરમાંથી અતિ હલકી કક્ષાનો અને સડેલો ખોરાક ઝડપાયો છે.
લોકો હોંશે-હોંશે ૪૦૦ રૂપિયા ખર્ચીને પિત્ઝુ ખાય છે. પરંતુ વાસ્તવમાં તેઓ આવી બ્રાન્ડ્સ પર ભરોસો મૂકીને પોતાની હોજરીમાં ગંદકી ઠાલવી રહ્યા છે. શહેરના સંખ્યાબંધ પોશ અને સામાન્ય વિસ્તારોમાંથી આવું અખાદ્ય ફૂડ પકડાઈ રહ્યું છે. આ ગંભીર બાબતને લઈને શહેરના તેજતર્રાર મેયર શ્રી નેહલ શુકલએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈની પણ શેહશરમ કે સાડીબાર રાખ્યા વગર આવા કસૂરવાર ફૂડ સ્ટોરને સીધા સીલ મારી દેવામાં આવે.
બીજી તરફ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પિત્ઝા વેચતી આ મોટી બ્રાન્ડના સ્ટોરમાં માત્ર સામાન્ય દંડ વસૂલીને આખું પ્રકરણ પૂરૂં કરી દેવાયું છે. આવી ઢીલી નીતિને કારણે મહાનગરપાલિકાના તંત્રની વળત્તિ અને દાનત પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. સત્તાવાળાઓએ આવા લોકો સામે દાખલારૂપ કડક પગલાં લેવા જ પડશે.
આ પરિસ્થિતિમાં હવે લોકોએ પોતે જ જાગળત થઈને ચેતવા જેવું છે. બજારમાં માત્ર પિત્ઝા જ નહીં, પણ ૨૦૦ - ૫૦૦ રૂપિયાનો મોંઘોદાટ ગોલો આપનારા નાના-મોટા વેપારીઓ પાસેથી પણ કેમિકલયુક્ત અને હલકી ગુણવત્તાની સામગ્રી ઝડપાઇ છે. તેથી જનતાએ હવે આવા ઝેરી ખોરાકનો બહિષ્કાર કરતા શીખવું પડશે. પૈસા આપીને હોજરીમાં ગંદકી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરો. મોંઘું ફૂડ હંમેશા સારૂ અને શુધ્ધ જ હોય, તેવી ખોટી માન્યતા મનમાંથી તોડી નાખો. સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
