<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પોલીસ પરિવાર પણ સલામત નથી

રાજકોટ-સોૈરાષ્‍ટ્રમાં કો'ક તો ગંભીર બનોઃ સતત ક્રુર ગુન્‍હા સામે કોઇનું લોહી ઉકળતું નથી? ગુજરાત સરકારને રસ ન હોય તો અલગ સોૈરાષ્‍ટ્ર માંગો...

 સુરતમાં વરસાદના ત્રણ દિવસ બાદ પણ શહેરમાં પૂર ઘુઘવે છે. ૪૧ ના જીવ ગયા છે. સ્‍માર્ટ સિટી અને કામ કરતી ગુજરાત સરકારની હવા નીકળી ગઇ છે. અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા બાબતે આખી ગુજરાત સરકાર પંદર દિવસથી ઉંધા માથે થઈ છે. આ સ્‍થિતિ દર્શાવે છે કે ગુજરાતમાં મોટા ખતરા મંડાયા છે, તંત્ર ટુંકુ પડી રહયું છે. રાજકોટ, સૌરાષ્‍ટ્રમાં તો સરકાર જેવું કંઇ દેખાતું નથી. ગુન્‍હાખોરો ખુલ્લેઆમ તાંડવ કરે છે, હત્‍્‌યાઓ કરે છે. રોકનાર કોઇ નથી.

સૌરાષ્‍ટ્રની શાંત ધરતી પર આજે ભયનો ઓથાર છે. રાજકોટ સહિત સમગ્ર પંથકમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વેરવિખેર થઈ ગઈ છે. સામાન્‍ય નાગરિકોની વાત તો દૂર રહી, હવે કાયદાના રક્ષક એવા પોલીસ અને તેમના પરિવારો પણ સુરક્ષિત નથી રહ્યા. આ બહુ ગંભીર અને ચિંતાજનક બાબત છે.

તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટના આંખ ઉઘાડનારી છે. એક પોલીસ જમાદારના પિતા અને ભત્રીજા પર નજીવી બાબતે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્‍યો. આ હુમલામાં ભત્રીજાએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે. અનેક ઘટનાઓ એવી બની છે કે, દેશી દારૂના બુટલેગરો અને અસામાજિક તત્‍વો હવે પોલીસ પર હુમલા કરવા લાગ્‍યા છે લોકોમાં ચર્ચાય છે કે નઠારા તત્‍વો સાથેની તંત્રના લોકોની  ભાઇબંધી પણ કારણભૂત ગણી શકાય.  આ જુગલબંધી કોઇપણ સંજોગોમાં તોડવી રહી તો જ પોલીસ અને તંત્ર નો ખોપ ફરી સ્‍થપાશે. ગુનેગારોમાં કાયદાનો કોઈ ખોફ જ રહ્યો નથી. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં જાણે ગુનાખોરીનું સામ્રાજ્‍ય ફેલાઈ ગયું છે. ગમે ત્‍યારે ગમે તે વ્‍યક્‍તિ પર હુમલો થઈ શકે તેવી અરાજકતા વ્‍યાપી ગઈ છે.

મોટો અને આકરો સવાલ આપણી રાજકીય નેતાગીરી સામે છે. આટલા ક્રૂર અને ગંભીર ગુનાઓ સંર્પૂણ સતત બની રહ્યા છે. છતાં સ્‍થાનિક ધારાસભ્‍યો, સાંસદો કે મોટા નેતાઓ મૌન કેમ છે? જનતાના પ્રતિનિધિઓનું લોહી કેમ ઉકળતું નથી? ચૂંટણી સમયે મતોની ઝોળી ફેલાવીને આવતા નેતાઓ આજે જનતાને મોતના મુખમાં ધકેલીને ગાયબ થઈ ગયા છે. શું નેતાઓનું કામ માત્ર સત્તા ભોગવવાનું જ છે? જનતાની સલામતીની તેમની કોઈ જવાબદારી નથી?

ગુજરાત સરકારની ઉદાસીનતા સ્‍પષ્ટ દેખાઈ રહી છે. એવું લાગે છે કે સરકારને સૌરાષ્‍ટ્રની પ્રજાની કોઈ પડી જ નથી. જો રાજ્‍ય સરકાર અહીંના લોકોને સુરક્ષાની ગેરંટી આપી શકતી ન હોય તો તેનું કંઇ કામ નથી. સૌરાષ્‍ટ્રની જનતા કયાં સુધી આ અત્‍યાચાર અને ગુનાખોરી સહન કરશે? જો વર્તમાન શાસન વ્‍યવસ્‍થા ટૂંકી પડતી હોય, તો હવે અલગ સૌરાષ્‍ટ્ર રાજ્‍યની માંગણી ગંભીરતાથી ઉઠાવવી જ પડશે. પ્રજા પોતાના હક અને સલામતી માટે હવે વધુ શાંત બેસી રહેવાય નહીં. સરકાર જાગે અથવા અલગ રાજ્‍યની માંગનો સામનો કરવા તૈયાર રહે.

(11:12 AM IST)