<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

લડતનું અપહરણઃ નેતાઓની હીરોગીરી

કોકરોચની લડત પ્રભાવી બનતા રાહુલ ગાંધીએ અલગ ધરણા કર્યાઃ કેજરીવાલ કોકરોચના મંચ પર ચઢી ગયાઃ લડતનો જસ લેવા આપ-કોંગ્રેસ સામ સામેઃ મુદો એક, લડત અનેક

દેશમાં અસંખ્‍ય ભરતી પરીક્ષાઓના પેપર એવી રીતે ફૂટયા છે જાણે દિપાવલીના ફટાકડા! યુવાનોનું ભવિષ્‍ય ધૂંધળું બની ગયું , પણ કોઈ વિપક્ષી નેતા મેદાનમાં ન આવ્‍યો. લાચાર યુવાનોએ પોતે જ મોરચો સંભાળ્‍યો. આ ‘કોકરોચ' બનીને લડતા યુવાનોની લડત એટલી પ્રભાવી બની કે શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ. દિલ્‍હીના રસ્‍તાઓ પર યુવાનોનો અવાજ ગુંજવા લાગ્‍યો.

જ્‍યાં મધપુડો હોય ત્‍યાં રાજકીય મધમાખીઓ ગુનગુનાવતી પહોંચી જ જાય! જેવો લડતનો ગરમાવો વધ્‍યો, કે તરત જ નેતાઓ પોતાના ચશ્‍મા અને કુર્તા સરખા કરીને કૂદી પડ્‍યા. હવે આ લડતનો રાજકીય લાભ અને જસ લેવાની અદભુત રમત શરૂ થઈ ગઈ છે. મૂળ લડતનું  સરેઆમ ‘અપહરણ' કરવાનો રોમાંચક ખેલ જામ્‍યો છે.

દિલ્‍હીમાં રાષ્‍ટ્રીય મીડિયાના કેમેરા પણ અચાનક કોકરોચ જેવા યુવાનોથી હટીને રાહુલ ગાંધી પર સેટ થઈ ગયા. રાહુલજીએ પૂરી હીરોગીરી સાથે વડાપ્રધાન આવાસ સામે અલગ ધરણાં આદરી દીધા અને પબ્‍લિકને આમંત્રણ આપી દીધું! બીજી તરફ, અરવિંદ કેજરીવાલ કયાં પાછળ રહે? તેઓ તો સીધા કોકરોચના સ્‍ટેજ પર જ ચઢી ગયા અને માઈક પકડીને લાઈમલાઈટ લૂંટવા લાગ્‍યા.

ગજબની રમૂજ તો ત્‍યારે થઈ જ્‍યારે આપ-કોંગ્રેસ સામસામે આવી ગયા. કેજરીવાલ  ટોળકીને ઈર્ષા થઈ એટલે તેમણે રાહુલ ગાંધી પર ‘આંદોલન તોડવાના' આરોપ ઠોકી દીધો!  વિપક્ષી નેતાઓ અંદરોઅંદર લડવા લાગ્‍યા અને બિચારા કોકરોચ યુવાનો બસ મોં મચકોડીને આ તમાશો જોઈ રહ્યા છે!

આ ખીચડીમાં પોતાનો ગરાસ લૂંટાતો જોઈને ચંદ્રશેખર આઝાદ પણ પાછળ કેમ રહે? તેમણે પણ ‘અમેય કંઈ કમ નથી' કહીને અલગ ધરણાંની ઘોષણા કરી દીધી! એક જ મુદ્દે હવે નેતાઓની દુકાનો અલગ-અલગ સજી ગઈ છે. યુવાનોની સાચી લડતનું અપહરણ કરીને નેતાઓ તેને પોતાની બ્રાન્‍ડનું લેબલ લગાડી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર કોનું સાંભળે છે અને કોકરોચ આ નેતાઓની હીરોગીરી વચ્‍ચે પોતાની લડત કેવી રીતે બચાવે છે!

(10:52 AM IST)