News of Thursday, 23rd July 2026
શિક્ષણ સુધારણામાં કોઇને રસ નથી
કોઇને પ્રધાનનું રાજીનામુ જોઇએ છે, કોઇ સરકારને પાડી દેવાના એજન્ડા ધરાવે છે, કોકરોચની ખુદની માંગ પણ શિક્ષણલક્ષી નથીઃ તોફાની અને દેશ વિરોધી નારા લગાવનાર આંદોલનકારી સામે સોનમ કેમ ચૂપ?
ભારતમાં જ્યારે પણ પેપર લીક થાય છે, ત્યારે સિસ્ટમ્સના નાક નીચેથી પરીક્ષાર્થીનું ભવિષ્ય ફૂટી જાય છે. આ દેશની કમનસીબી જુઓ! મુદ્દો શિક્ષણનો હોય તોય રાજકારણનો રોટલો શેકાઈ જાય છે. આજે સ્થિતિ એવી ગંભીર બની છે કે ચારેય તરફથી સરકાર સામે મોરચા મંડાઈ ગયા છે. કેન્દ્ર સરકાર પોતાની અક્કડ છોડવા તૈયાર નથી. રમુજી અને દુઃખદ ખેલ તો આંદોલન આસપાસ ચાલી રહ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ મુદે ચાલતી આ લડતમાં કયાંય શૈક્ષણિક સુધારણાની વાત જ નથી. સિસ્ટમ્સ બદલવાની કે ભવિષ્યમાં પેપર ન ફૂટે તેવી ગેરંટી માંગવામાં કોઈને રસ નથી. માંગણી શું છે? તો ‘ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો!'જાણે એક મંત્રીનું રાજીનામું આવતા જ દેશનું શિક્ષણ રાતોરાત સુધરી જવાનું હોય!
વિપક્ષી નેતાઓને તો વગર દિવાળીએ ફટાકડો મળી ગયો છે. તેમનો એકમાત્ર એજન્ડા સરકારને ગમે તેમ કરીને પાડી દેવાનો છે. શિક્ષણ સુધારવું એ તો ખાલી કાગળ પરનો મુખવટો છે, અંદરનો ખેલ તો ખુરશીનો છે.
હદ તો ત્યારે થાય છે જ્યારે સોશિયલ મીડિયાના‘કોકરોચ' જેવા તત્વો શિક્ષણના નામે વિરોધ પ્રદર્શનમાં કૂદી પડે છે. અનેક મહાનુભાવો પાછા આ લોકોને સમર્થન પણ આપે છે! દરેકનો પોતાનો સ્વાર્થ હોય છે અને અલગ જ ખેલ ચાલે છે. વાત અહીં પૂરી નથી થતી. મહાન બનેલા સોનમ વાંગચુક જેવા ચહેરાઓ પણ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવાની વકીલાત કરે છે.
આંદોલન દરમિયાન પથ્થરમારો થયો, દેશવિરોધી નારા લાગ્યા અને તોફાનો થયા, ત્યારે આ મહાન હસ્તીની મહાનતા અને નૈતિકતા કયાં ગાયબ થઈ ગઈ હતી ? પોતાની લડતનો ગેરઉપયોગ થતો હોય તોય સોનમજી કેમ ચુપચાપ તમાશો જુએ છે? તોફાનીઓ સામે અવાજ ઉઠાવવામાં તેમનું મૌન ઘણું બધું કહી જાય છે.
પડદા પાછળના ખેલ ખૂબ જુદા અને મોટા હશે. શિક્ષણના નામે ચાલતી આ નાટક મંડળીમાં વિદ્યાર્થીઓનો બલિ ચડી રહ્યો છે. જોકે, એક વાત નક્કી છે કે આ સમગ્ર હોબાળા વચ્ચે મોદી સરકાર પહેલીવાર બરાબરની ભીંસમાં આવી છે. સિસ્ટમ્સ બદલાશે કે નહીં એ તો રામ જાણે, પણ રાજકારણનો નવો અખાડો ચોક્કસ તૈયાર થઈ ગયો છે!
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
