<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

કાયદો કડક થયો, પણ અમલ...

પેપર ફૂટવાની ઘટનામાં કાયદો કડક બનાવ્‍યો, પણ કાયદાના મનસ્‍વી અમલની પરંપરાનું શું? : સમગ્ર શિક્ષણ સિસ્‍ટમ્‍સ સડી ગઇ છે, તેને સુધારવી જરૂરી.. પણ કોકરોચ કે સરકાર કોઇને રસ નથી

 દેશમાં પેપર ફૂટવાનો મુદ્દો અત્‍યારે ગજબ ગાજી રહ્યો છે. સોનમની વિકેટ લીધા બાદ સરકારે કોકરોચ સાથે મંત્રણા આદરી છે. કોકરોચ ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામા માટે અક્કડ છે. આ મુદ્દો હજુ લટકે છે. દરમિયાન સરકાર સક્રિય હોવાનો દેખાવ કરી રહી છે. પેપર ફૂટવાના કેસમાં ૧૦ વર્ષની જેલ અને ૧૦ કરોડ સુધીના દંડની જોગવાઈ કરી છે. કાયદો કડક બનાવ્‍યાનો ધમધોકાર પ્રચાર થાય છે.

સવાલ એ છે કે કાયદા ગમે તેટલાં કડક હોય, પણ તેના અમલના ઠેકાણા ન હોય તો શું કામનું? કાયદાના અમલ મનસ્‍વી થાય છે. આ સ્‍થિતિમાં ન્‍યાયની ગેરન્‍ટી કઈ રીતે મળે? કડક કાયદા માત્ર કાગળ પર રહી જાય તો તેનાથી ગુનેગારોને કોઈ ડર રહેતો નથી. યુવાનોના ભવિષ્‍ય સાથે રમતો ખેલતા માફિયાઓ આસાનીથી છટકી જાય છે.

વાસ્‍તવમાં ભારતમાં શિક્ષણ સિસ્‍ટમ્‍સ  ખાડે ગઈ છે. સમગ્ર શિક્ષણ સિસ્‍ટમ સડી ગઈ છે. તેમાં આમૂલ પરિવર્તન જરૂરી છે. પણ આ કાર્યમાં કોકરોચ, વિપક્ષ કે શાસક કોઈને રસ નથી.  દેશભરમાં નેતા-નેતીઓ શિક્ષણ નામની દુકાનો ખોલીને બેસી ગયા છે. ખાનગી કોલેજો અને શાળાના નામે મોટો વેપાર ચાલે છે. આવા નેતાઓ જે પક્ષોમાં  છે, તે જ પક્ષો શાસક અને વિપક્ષ છે. શિક્ષણ સુધારણા થાય તો આ દુકાનો બંધ કરવી પડે. આ કારણે જ બધું લોલમલોલ ચાલે છે.  

શિક્ષણના નામે લડત અને કાયદા સુધારણા આ બધું રાજનીતિનો ભાગ છે. તેને શિક્ષણ કે વિદ્યાર્થીઓના હિત સાથે કશું લેવાદેવા નથી. જ્‍યારે પણ કોઈ કૌભાંડ બહાર આવે ત્‍યારે થોડા દિવસ હોબાળો થાય છે. રાજકીય રોટલા  શેકાય છે. નેતાઓ એકબીજા પર આરોપ લગાવે છે. પરંતુ થોડા સમય પછી બધું ઠંડું પડી જાય છે. કોઈ મૂળ સમસ્‍યાનો ઉકેલ લાવવા માંગતું નથી.  

લાખો વિદ્યાર્થીઓની મહેનત  પાણીમાં જાય છે. તેમના વાલીઓની કમાણી વેડફાય છે. જો દેશનું ભવિષ્‍ય સુધારવું હોય તો રાજનીતિ બાજુ પર મૂકવી પડશે. શિક્ષણ સિસ્‍ટમ્‍સનું શુધ્‍ધિકરણ કરવું પડશે. કાયદાનો અમલ નિષ્‍પક્ષ અને કડક રીતે કરવો પડશે. નહિતર આ નાટક આમ જ ચાલતું રહેશે

(10:57 AM IST)