<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુરૂ માર્કેટમાં બ્રાન્‍ડના ઢગલા !

વિવિધ બ્રાન્‍ડના ગુરૂઓ હાજર સ્‍ટોકમાં: ફાવે તેની સાથે ગોઠવાઇ જાવઃ ઘણા ગુરૂઓ માટે તો બ્રાન્‍ડિંગ જ મુખ્‍ય સાધના બની ગઇઃ યાદ રાખજો, કોઇ દેવી દેવતાએ એજન્‍ટ તરીકે કોઇની નિમણૂક કરી નથી

   ગુરૂ બ્રહ્મા,ગુરૂ વિષ્‍ણુ

 ગુરૂ દેવો મહેશ્વર..

આજે ગુરૂપૂર્ણિમાનું પવિત્ર અને સનાતની પર્વ છે. ચારેતરફ ગુરૂદેવોનો ભવ્‍ય જયજયકાર થઈ રહ્યો  છે. સનાતન પરંપરામાં ગુરૂનું માહાત્‍મ્‍ય અપરંપાર અને અનંત માનવામાં આવ્‍યું છે. કેટલીક જગ્‍યાએ તો ગોવિંદ કરતાં પણ ગુરૂને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યું છે, જે વાંચીને કયારેક અતિશયોક્‍તિ થઈ હોય તેમ પણ લાગે.

એક સમય એવો હતો જ્‍યારે ગુરૂઓ સાચે જ અવતારી પુરૂષ જેવા તેજસ્‍વી હતા. તેમના અંતરમાં પરમતત્‍વ અવિરત ઝગમગતું હતું. આજે પણ સમાજમાં કયાંક આવા દિવ્‍ય અને નિષ્‍કામ આત્‍માઓ હાજર હશે જ. તેવા તમામ સાચા સંતોને મનોમન કોટિ-કોટિ વંદન કરીને આગળ વધીએ.

વર્તમાન સમયનો અફસોસ એ છે કે ધર્મએ હવે મોટાભાગે વ્‍યાવસાયિક સ્‍વરૂપ ધારણ કરી લીધું છે. આજની ગુરૂ માર્કેટમાં વૈવિધ્‍યપૂર્ણ બ્રાન્‍ડના ગુરૂઓના ગંજ ખડકાયેલા છે. ગ્રાહકરૂપી ભક્‍તોને ફાવે તે બ્રાન્‍ડના ગુરૂ સાથે ગોઠવાઈ જવાની પૂરી સ્‍વતંત્રતા છે.  એક બ્રાન્‍ડ ન સેટ થાય તો બીજી બ્રાન્‍ડના વિકલ્‍પો પણ બજારમાં પારાવાર ઉપલબ્‍ધ છે.

સાચા આધ્‍યાત્‍મિક ગુરૂઓ તો પરમાત્‍માના ધ્‍યાન અને સાધનામાં લીન હોય છે. પરંતુ આ આધુનિક બ્રાન્‍ડવાળા ગુરૂઓની મુખ્‍ય સાધના જ માત્ર પોતપોતાનું બ્રાન્‍ડિંગ કરવાની બની ગઈ છે. હવેના ગુરૂઓના શરીર પર ત્‍યાગની રાખને બદલે મેકઅપના થથેડા જોવા મળે છે. વળી તેમનું ડ્રેસિંગ પણ અત્‍યંત વૈવિધ્‍યપૂર્ણ અને ચિત્રવિચિત્ર હોય છે. તેમની આસપાસ પ્રોફેશનલ મેનેજર જેવા ચતુર ભક્‍તોની આખી ફોજ તૈનાત રહે છે. ઘણા ગુરૂઓ તો મોં પર એટલો બધો હાઈ-ફાઈ મેકઅપ ચડાવે છે કે, તેઓ પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ વધુ ઝળહળતા અને ચમકતા નજરે પડે છે. ઇન્‍ટરનેશનલ અને હાઈલેવલની બ્રાન્‍ડ્‍સ ઉપરાંત ગલ્લી-મોહલ્લામાં દેશી બ્રાન્‍ડના ગુરૂઓનો પણ કોઈ પાર નથી.

સૌથી મોટું આヘર્ય તો એ છે કે કેટલાક કુકર્મી અને જેલભેગા થયેલા ગુરૂઓ જેલમાંથી પણ પોતાના સીનસપાટા ચાલુ રાખે છે. આવા ગુરૂઓની માત્ર એક ઝલક મેળવવા માટે પણ અંધ ભક્‍તોની ફોજ તરફડતી રહે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે કોઈની ટીકા ન કરાય તે વાત સાચી, પણ સત્‍ય છુપાવીને ખોટી વાહવાહી કરવી એ પણ પરમાત્‍માને જરાય ગમતું નથી.

ગુરૂઓ પાછળ આંધળી દોટ મૂકનારા લોકોએ ખાસ યાદ રાખવું જોઈએ કે કોઈપણ  દેવી-દેવતાએ પળથ્‍વી પર પોતાના અધિકળત એજન્‍ટ તરીકે કોઈ ગુરૂની નિમણૂક કરી નથી. વર્તમાન માર્કેટમાં સમર્થ ગુરૂને શોધવા કરતાં સીધા પરમાત્‍માને શોધવા કદાચ વધુ સરળ છે. જેમને સમર્થ ગુરૂ પ્રાપ્‍ત થયા છે તેઓએ પણ એક બાબત યાદ રાખવી જોઇએ કે,  ગુરૂ માત્ર માર્ગદર્શક છે,  આધ્‍યાત્‍મિક યાત્રા તો માણસે ખુદે જ કરવી પડે છે.

(10:55 AM IST)