News of Tuesday, 4th August 2026
વિજયી પ્રશાંત : ભાજપ અશાંત
બિહાર, મધ્યપ્રદેશમાં શ્વાસ અધ્ધર કરતા પરિણામોઃ ભાજપના ગઢમાં મહાકાય ગાબડાઃ ગુજરાત સિવાય કયાંય રાજકીય સેટિંગની રાજનીતિ લાંબો સમય ચાલતી નથી
બિહારમાં ભાજપના મજબૂત ગઢ ગણાતા બાંકીપુરની ધારાસભાની પેટા ચૂંટણીમાં ભાજપને જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે પરાજયનો સ્વાદ ચખાડી દીધો છે. આ સાથે મધ્ય પ્રદેશના દતિયામાં પણ કોંગ્રેસની નોંધપાત્ર જીત થઈ છે. આ બંને બેઠકો ભાજપના મજબૂત ગઢ સમાન હતી. આ બંને રાજ્યોમાં ભાજપની મજબૂત સરકારો હોવા છતાં, પ્રશાંત કિશોર અને કોંગ્રેસની જીતે ભાજપના મોવડીમંડળને હચમચાવી દીધું છે.
ગુજરાતમાં માંજલપુરમાં ભાજપ જીત્યો છે, પણ અહીં પરિસ્થિતિ અલગ છે. ગુજરાતમાં લોકો ભાજપથી સંપૂર્ણ ખુશ હોય તેવું નથી. વિપક્ષને પતાવીને કે રાજકીય સેટિંગ કરીને જંગી બહુમતીથી જીતી જવાની એક વિશિષ્ટ પરંપરા ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહી છે. જો કે આવી સેટિંગની રાજનીતિ અન્ય કોઈ રાજ્યની પ્રજા સહન કરતી નથી.
બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ ગુજરાત જેવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ ભાજપને તેના જ ગઢમાં ફગાવી દીધો છે. મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજકીય સેટિંગ નહીં, માત્ર કામ કરી દેખાડો તો જ મત મળશે.
આ પરિણામોમાંથી ગુજરાતના લોકોએ પણ ઘણું શીખવા જેવું છે. લોકશાહીમાં નેતાઓને આધીન લોકો કયારેય હોતા નથી, પરંતુ લોકોને આધીન જ નેતાઓ હોય છે. ગુજરાતમાં અતિ નબળી નેતાગીરી અને વહીવટી નિષ્ક્રિયતા સહન ન કરવી હોય, તો પ્રજાએ પોતે જ સ્પષ્ટ નીતિ અપનાવવી પડશે. કામ કરી દેખાડે તેને જ મત મળે તેવી જાગળતિ લાવવી પડશે. ગુજરાતના લોકો આ પ્રકારે જાગળત થશે, ત્યારે જ સમગ્ર રાજ્ય સાચા અર્થમાં શાંત, સલામત અને સુખી રહી શકશે.
પ્રશાંત કિશોરે એક ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી સીધા જ મેદાનમાં ઉતરીને જે વિજય મેળવ્યો છે, તેણે સમગ્ર દેશના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. બાંકીપુર જેવી પરંપરાગત અને સુરક્ષિત ગણાતી બેઠક ગુમાવવી એ ભાજપ માટે નાનો આંચકો નથી. જનતા હવે માત્ર પક્ષના નામ પર કે ખાલી વચનો પર મત આપવા તૈયાર નથી.
જે રાજ્યોમાં વિપક્ષ જાગળત છે, ત્યાં પ્રજા પણ મતદાન દ્વારા પરિવર્તન લાવતા અચકાતી નથી. સત્તાધારી પક્ષોએ હવે સમજી લેવું પડશે કે પ્રજા જ આખરી માલિક છે. સત્તા ટકાવી રાખવા માટે સેટિંગ કરતા જનહિતના કામો જ એકમાત્ર સાચો ઉપાય છે.
ગુજરાતમાં શાસકોની એક માત્ર સિદ્ધિએ રહી છે કે, વિપક્ષને તોડીફોડી નાખીને મતદાર સામે કોઇ મજબૂત વિકલ્પ રાખવો નહિ. લોકોએ ભાજપને જવાબદાર બનાવવા માટે પણ મતનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાથી માંડીને લગભગ દરેક ક્ષેત્રે શાસકો અતિ નબળા પુરવાર થયા છે. લોકોએ તેમને જવાબદારીના પાઠ ભણાવવા પડશે. કોઇ રાજ્યના લોકો મજબૂત સરકાર રચીને પરેશાની ભોગવતા નથી, ગુજરાત માટે બાંકીપુર અને દતિયાના પરિણામો પ્રેરક છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
