<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

કોકરોચ બાખડયાઃ આંતરિક બઘડાટી

સંગઠનની વિધિવત રચના થતા જ દીપક સામે બળવોઃ નેતા અને નીતિ સામે સાથીઓના ઉપવાસઃ નવા કેજરીવાલ નથી જોતા સુત્ર સાથે ટોળા ઉમટયા

રાજકારણમાં અને સામાજિક ચળવળોમાં ડ્રામા ના થાય તો લોકોને મજા નથી આવતી. ‘કોકરોચ' નામના આ સંગઠનમાં પણ કંઈક એવો જ તમાશો શરૂ થયો છે. સંગઠનની વિધિવત રચના હજુ તો માંડ પૂરી થઈ હતી. ત્‍યાં જ અંદરથી મોટો વિસ્‍ફોટ થયો છે. એક સમયે જે દીપક રાતોરાત હીરો બની ગયા હતા, તે હવે રાતોરાત વિલન સાબિત થઈ રહ્યા છે. સાથીદારોએ જ તેમની નેતાગીરી અને નીતિઓ સામે ખુલ્લો બળવો પોકાર્યો છે.

સંગઠનમાં લોકશાહી લાવવાની મોટી વાતો થતી હતી. પરંતુ દીપકે પોતાની કારોબારી સમિતિમાં પોતાના જ મિત્રો અને સગાં-સંબંધીઓની ગોઠવણ કરી દીધી. બસ, આંતરિક બઘડાટીની શરૂઆત અહીંથી જ થઈ ગઈ. શિક્ષણ સુધારાના નામે શરૂ થયેલું આ આંદોલન હવે સંપૂર્ણ રાજકીય એજન્‍ડા બની ગયું છે. સાથીદારોને શંકા ગઈ કે આ તો શિક્ષણના નામે પોતાનો રાજકીય રોટલો શેકાઈ રહ્યો છે.

મહારાષ્‍ટ્રમાં દીપકના ઘર સામે  જ અસંતુષ્ટ સાથીઓએ ઉપવાસ શરૂ કરી દીધા છે. ‘અમારે નવા કેજરીવાલ નથી જોઈતા' તેવા જોરદાર સૂત્રોચ્‍ચાર સાથે ટોળાં ઉમટી પડ્‍યા છે. દીપકને નવા કેજરીવાલ બનવાનો ભારે ચસ્‍કો લાગ્‍યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માત્ર મોદી સરકારનો વિરોધ કરવો એ જ આ સંગઠનનો મુખ્‍ય એજન્‍ડા બની ગયો છે.

દીપકના ઘર બહાર અત્‍યારે ગજબના ખેલ જોવા મળી રહ્યા છે. સામે પક્ષે દીપક પણ કયાં ઓછા  છે! તેમણે એવો આરોપ લગાવ્‍યો છે કે આ બળવાખોરો વિરોધીઓના રાજકીય  હાથા બન્‍યા છે. પરંતુ સત્‍ય એ છે કે આંતરિક ધમાચકડીએ કોકરોચ સંગઠનની પોલ  ખોલી નાખી છે. રાતોરાત બનેલા આ હીરોની દશા અત્‍યારે અત્‍યંત હાસ્‍યાસ્‍પદ થઈ ગઈ છે. તેમના સમર્થકો પણ આ બધું જોઈને સ્‍તબ્‍ધ થઈ ગયા છે.

મજાની વાત તો એ  છે કે  દેશના મોટાભાગના મીડિયામાંથી કોકરોચની આ આંતરિક ધમાચકડીના અહેવાલો સાવ ગુમ છે. એ ઘણું સૂચવી જાય છે. સંગઠનની અંદર જે રોમાંચક માહોલ સર્જાયો છે, તે કોઈ ફિલ્‍મી પ્‍લોટથી કમ  નથી. ક્રાંતિ લાવવા નીકળેલા નેતાઓ જ્‍યારે પોતાના જ ઘરમાં ઘેરાઈ જાય, ત્‍યારે આવો જ ગજબનો ખેલ જોવા મળે છે.

અન્‍ય મહત્‍વની હલચલમાં ભાજપી સમર્થકો દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં મોટા પાયે જેન ઝીને જોડવાનું આયોજન થયું છે. આ યાત્રા તાકાત  પ્રદર્શન બની રહેશે, તેમ લાગે છે. ધારણા પ્રમાણે જ જેન ઝી રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

(10:22 AM IST)