<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

નફા કારક જેલની સજા

મરચાની ભૂકીમાં કેન્‍સરકારક કોલતર ડાઇ ભેળવનાર વ્‍યાપારીને માત્ર એક મહિનાની જેલ અને દોઢ લાખનો દંડઃ ભેળસેળથી લાખો કમાવ, સામાન્‍ય દંડ, સજા ભોગવી છટકી જાવઃ ઝેરી ફૂડના ભોગ બનેલા લોકોને ન્‍યાય મળતો જ નથી

 રાજકોટમાં મરચાની ભૂકીમાં અત્‍યંત ઝેરી ભેળસેળ કરવાનો એક ભયાવહ કિસ્‍સો સામે આવ્‍યો છે. વેપારી સામે મરચામાં કેન્‍સરકારક કોલતર ડાઇ અને પ્રતિબંધિત ઓઇલ ઉમેરવાનો ગંભીર ગુનો સાબિત પણ થઈ ગયો છે.

કોલતર ડાઇ એ કોલસામાંથી પેટા-પેદાશ તરીકે મળતો એક ઔદ્યોગિક કેમિકલ રંગ છે, જેનો ઉપયોગ કાપડ કે પ્રિન્‍ટિંગમાં થાય છે. આ કલર શરીરમાં જતાં જ કિડની અને લીવરને કાયમી નુકસાન પહોંચાડે છે અને કેન્‍સર જેવા અસાધ્‍ય રોગોને નોતરે છે.

આવા અત્‍યંત ઝેરી પદાર્થો  ખવડાવીને ભેળસેળિયા વેપારીએ લાખો રૂપિયાની કમાણી કરી લેતા હશે.  હજારો નિર્દોષ ગ્રાહકોએ અજાણતા આ ઝેર પોતાના પરિવારને ખવડાવ્‍યું અને આરોગ્‍ય ગુમાવ્‍યું. પરંતુ આટલો ગંભીર ગુનો સાબિત થયા પછી થયેલી સજા  આઘાતજનક છે. ભેળસેળિયાને માત્ર એક મહિનાની જેલ અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. કોર્ટ કાયદા પ્રમાણે સજા આપે છે, સવાલ એ છે કે ઝેરી ફૂડ અંગેના કાયદા આટલાં નબળાં શામાટે છે?

આવા કાયદા, આવી જેલ  સજા ન્‍યાય નહીં પણ વ્‍યાપારી માટે નફાકારક સોદો સાબિત થઈ રહી છે. લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે રમત રમીને લાખો-કરોડો રૂપિયા કમાઈ લો, પછી મામૂલી દંડ ભરીને એક મહિનો જેલમાં આરામ કરી બહાર આવી જાવ! ત્‍યારબાદ ફરી  ઝેરી ફૂડનું માર્કેટ શરૂ કરી દો. વર્તમાન હળવા કાયદાઓને કારણે આ પ્રકારની જેલની સજા પણ હવે ધંધાકીય ‘‘રિસ્‍ક ફેક્‍ટર'' બની ગઈ છે.

સૌથી મોટો પ્રશ્ન  એ છે કે આ આખી પ્રક્રિયામાં ઝેરી ખોરાકનો ભોગ બનેલા સામાન્‍ય લોકોને શું મળ્‍યું?  જે લોકોએ આ મરચું ખાધું, જેમના પરિવારમાં બીમારીઓ આવી, તેમને કોઈ જ ન્‍યાય મળતો નથી. ભેળસેળથી લોકો ગંભીર રોગ અને મોત તરફ ધકેલાય છે, છતાં કોઈ જ વળતર કે કડક પગલાં નથી.

ગુજરાતમાં વર્ષોથી આ ઝેરી કારસો ચાલી રહ્યો છે, પરંતુ કમનસીબે  શાસક, વિપક્ષ, મીડિયા, ગ્રાહક સુરક્ષા મંડળો કે ખુદ જનતાને પણ આ વિષયમાં કોઈ રસ રહ્યો નથી. ખોરાકમાં ઝેર ભેળવનારાઓ સામે દાખલારૂપ કડક કાયદા કે આજીવન કેદ જેવી જોગવાઈઓનો  અભાવ છે. આવા ફાલતુ  અને નબળા કાયદાઓને કારણે જ ભેળસેળખોરો બેફામ બન્‍યા છે. પ્રજાના સ્‍વાસ્‍થ્‍યની આવી ઘોર ઉપેક્ષા ચલાવી લેતું ગુજરાત સમળદ્ધ કે સુખી નહીં, પણ તંત્રની નિષ્‍ક્રિયતા સામે બોદુ સાબિત થઈ રહ્યું છે.

લોકો સાથે છેતરપીંડી કરીને તેને કમોતે મોત સુધીની ઘટના ઝેરી ફૂડના કારણે બની રહી છે. આવા અતિ ગંભીર મુદે ચૂંટણી થવી જોઈએ. જે વ્‍યાપારી પાસેથી ઝેરી, અખાદ્ય, ભેળસેળિયો ખોરાક ઝડપાય તેને અને તેના પરિવારને એ ફૂડ જાહેરમાં ખવડાવવાનો કાયદો જરૂરી છે.આ ઉપરાંત આજીવન કારાવાસ અનિવાર્ય છે.

(10:41 AM IST)