હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ૐ નમઃ શિવાય..
શિવજીના નામે ચાલતા વ્યસનના ખેલ બંધ થવા જોઇએઃ ધર્મના આડંબરો છૂટે તો શિવત્વ પ્રસન્ન થાયઃ ઘોંઘાટ, બેસૂરા ડાયરા વગેરેને ધર્મ સાથે લેવાદેવા નથીઃ ભોળાનાથને તાંડવ કરવા ન પ્રેરો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જીવ અને શિવના પરમ સંગમ સમાન આ શ્રાવણ માસમાં આપણે બાહ્ય ધર્મથી આગળ વધીને અધ્યાત્મ તરફ વળીએ તેવી નીલકંઠ મહાદેવને પ્રાર્થના છે.
વર્તમાન સમયમાં ધર્મનો બાહ્ય દેખાવ ખૂબ વધી રહ્યો છે. પરંતુ તેની સાથે માનવતા, નૈતિકતા અને સાચી સમજ ઘટી રહ્યા છે. ધર્મના નામે અનેક પ્રકારના અયોગ્ય ખેલ ચાલી રહ્યા છે. દુઃખની વાત એ છે કે આપણા સનાતની પર્વો હવે શાંતિના બદલે ઘોંઘાટિયા બની ગયા છે. મોડી રાત સુધી ચાલતા બેસૂરા ડાયરા અને લાઉડસ્પીકરનો તીવ્ર અવાજ કયારેય સાચા ધર્મનો હિસ્સો હોઈ શકે નહીં. શિવજી તો એકાંત અને ધ્યાનના દેવ છે. તેમને આવા ઘોંઘાટથી નહીં પણ મનની શાંતિથી પ્રસન્ન કરી શકાય છે.
ગંભીર બાબત એ પણ છે કે શિવજીના નામે વ્યસનોના ખેલે વ્યાપકરૂપે ચાલી રહ્યા છે. મહાદેવના નામે ચિલમ, ભાંગ કે અન્ય વ્યસનો કરવા તે ધર્મ નથી પણ અધર્મ છે. શિવજી તો દેવોના દેવ મહાદેવ છે. તેમણે સમસ્ત જગતના કલ્યાણ અને રક્ષણ માટે વિષ ગટગટાવ્યું હતું. તેઓ ધ્યાન, યોગ, મંત્ર અને સાધનાના સર્વોચ્ચ સ્વામી છે. વ્યસનને શિવકળપા સાથે જોડવું એ પરમ અજ્ઞાનતા છે.
ધર્મના નામે ચારેય બાજુ માત્ર આડંબર અને દેખાડો ચાલી રહ્યો છે. ભક્તો સાચી ભક્તિ છોડીને બાહ્ય દંભ તરફ આકર્ષાઈ રહ્યા છે. મનની પવિત્રતા વિના કરાતી પૂજા નકામી છે. સમાજમાં વધી રહેલો આ અનાચાર અને દંભ સ્વયં ભોળાનાથને રોષે ભરાઈને રૌદ્ર તાંડવ કરવા પે્રરે તેવી સ્થિતિ નિર્માણ કરી રહ્યો છે.
જો આપણે ખરેખર શિવત્વને પ્રસન્ન કરવું હોય તો આ બધા આડંબરો અને વ્યસનોનો ત્યાગ કરવો પડશે. જ્યારે મનમાંથી અહંકાર, ક્રોધ અને અજ્ઞાનરૂપી કચરો દૂર થશે ત્યારે જ સાચા શિવત્વનો સાક્ષાત્કાર થશે. શ્રાવણ માસનો સાચો અર્થ આત્મશુદ્ધિ અને સંયમ છે. ચાલો આ શ્રાવણે આપણે આડંબર મુક્ત બનીને સાચી શિવભક્તિનો માર્ગ અપનાવીએ, તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
