News of Friday, 14th August 2026
ત્રિરંગો હૈયે પણ ફરકવો જોઇએ
ત્રિરંગા યાત્રાથી માંડીને ધ્વજવંદનઃ દેશભકિત ઓૈપચારિક બની ગઇઃ બરબાદ થવાની આઝાદી મળી હોય તેવો માહોલઃ લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે, પણ ભારતીયોને ખુદની તાકાતની ખબર નથી
‘‘અબ તુમ્હારે હવાલે વતન સાથિઓ...'' આ ગીતમાં શહીદોની લાગણી છુપાયેલી છે. શહીદ થનારા દેશભક્તો આઝાદ દેશ આપણને સોંપીને ગયા છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દરેક ભારતીયને શુભેચ્છા. આ મંગલ પર્વે આપણે એક ગંભીર ચિંતન કરીએ.
શહીદવીરોએ આપણને સોંપેલો આઝાદ દેશ આપણે ખરેખર સાચવી શકયા છીએ? રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ત્રિરંગા યાત્રાના ભવ્ય આયોજનો થયા હતા. આવતી કાલે દેશભરમાં ધ્વજ વંદન થશે. સર્વત્ર ત્રિરંગો છવાઈ જશે અને ધામધૂમથી ઉજવણી થશે. પરંતુ મૂળ સવાલ એ છે કે હૈયું ત્રિરંગાના રંગે રંગાયું છે? દેશભક્તોએ બલિદાનો આપીને આપણને આઝાદી અપાવી છે. આપણે તો દેશ માટે સમર્પિત થઈને જીવી પણ શકતા નથી. આપણી દેશભક્તિ હવે કેવળ ઔપચારિક બની ગઈ છે. ધ્વજને સલામી આપીને દેશ પ્રત્યેની ફરજ અદા કરવાની વળત્તિ કેળવાતી નથી. આ અત્યંત શરમજનક સ્થિતિ ગણાય.
ભારતીયોને પોતાની સાચી વેલ્યુની ખુદને જ ખબર નથી. લોકો નેતાઓ, ફિલ્મી સ્ટાર્સ અને ક્રિકેટર્સ પાછળ આંધળી દોડ મૂકે છે. સોશિયલ મીડિયાના સાવ ફાલતુ સ્ટાર્સ પાછળ પણ લોકો ઘેલા થાય છે. લોકો માખી અને મચ્છરની જેમ તેમની પાછળ બણબણતા રહે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સવા અબજથી વધારે ભારતીયો વસે છે. આ ભારતીયો માત્ર ભારતની જ નહિ, વિશ્વની સૌથી મોટી તાકાત છે. છતાં આ મહાશક્તિ ફાલતુ બનીને અન્ય પાછળ ઢસડાતી રહે છે.
તાજેતરનો એક અનુભવ યાદ કરો. દિલ્હીમાં કોકરોચના નામે પાંચેક હજાર જેટલાં ફાલતુ લોકો રોડ પર આવ્યા હતા. શાસક, વિપક્ષ, મીડિયા અને કોર્ટ બધું જ પ્રભાવી થઈ ગયું હતું. મુદ્દો સાચો હતો પરંતુ વળત્તિ ઝેરી હતી. છતાં તેણે તીવ્ર અસર કરી. જો માત્ર પાંચ હજારનું ટોળું સત્તાને હલબલાવી શકતું હોય, તો સવા અબજ ભારતીયોની તાકાતનો અંદાજ લગાવો.
ભારતીયોએ લાચાર કે લાલચુ બનવાની જરૂર નથી. અન્ય પાછળ ઢસડાવવાને બદલે પોતાની તાકાતનો પરચો દેખાડવો જોઈએ. નેતાઓ અને અધિકારીઓને દેશભક્ત બનાવવાની જવાબદારી ભારતીયોની છે. સમાજમાં ગુંડા તત્વો માત્ર બે-પાંચ ટકા જ હોય છે. ભારતીયો માત્ર એક હૂંકાર કરે તો પણ ગુંડાશાહી નાબૂદ થઈ શકે છે, આટલી શક્તિ તેનામાં છે.
રાષ્ટ્રહિત અને લોકહિતનું પાલન થાય તેવી સ્થિતિ માત્ર ભારતીયો જ સર્જી શકે છે. આ માટે જ્ઞાતિવાદ, કોમવાદ અને સ્વાર્થવાદ છોડવો પડશે. રાજકીય પક્ષો કે નેતાઓ માટે મુજરા કરવાનું બંધ કરવું પડશે. આપણે સામૂહિક લોકહિતને પ્રાધાન્ય આપવું જ પડશે. આપણને બરબાદ થવાની આઝાદી નથી મળી. આપણે સજાગ રહીશું તો જ વાસ્તવમાં સાચી આઝાદીનો સ્વાદ ચાખવા મળશે
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
