News of Monday, 17th August 2026
દિમાગી નકસલથી વંદેમાતરમ વિવાદ
સ્વાતંત્ર્ય પર્વ પણ રાજકીય વિવાદથી પર ન રહ્યું: હવે વિવાદનો નહિ, ઉકેલનો સમયઃ નેતા-નેતીઓના સતત રાજકીય વિવાદો સામે તીવ્ર લોકરોષ સર્જાવો જોઇએ
સ્વાતંત્ર્ય પર્વ કોઈપણ લોકશાહી દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉત્સવ ગણાય છે. આ પર્વમાં દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા દેશભક્ત વીરલાઓને સામૂહિક વંદના થવી જોઈએ. આ મહાન શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈને દેશના દરેક નાગરિકે પોતાની અંદર સાચી રાષ્ટ્રભક્તિ કેળવવી જોઈએ અને અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપવી જોઈએ.
ભારતમાં ગત શનિવારે આઝાદી પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. પરંતુ ખેદની વાત એ છે કે આ પર્વમાં પણ રાજકીય દમ વગરના વિવાદો શાસક અને વિપક્ષ બંને તરફથી ચાલુ રહ્યા હતા. આ વિવાદોના અન્વયે છેલ્લા બે દિવસથી મીડિયા પણ પોતાના મુજરા કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લા પરથી પોતાના પ્રવચનમાં ‘દિમાગી નક્સલ' શબ્દ વાપરીને નવો વિવાદ છેડ્યો હતો. કોંગ્રેસે આ નિવેદન પોતાના માથે ઓઢી લેતા બંને પક્ષો વચ્ચે એક તીવ્ર નિવેદનિયું યુદ્ધ સર્જાયું હતું.
બીજી બાજુ લાલકિલ્લા પર યોજાયેલા મુખ્ય રાષ્ટ્રીય પર્વથી દૂર રહેલી કોંગ્રેસે પોતાનો અલગથી કાર્યક્રમ યોજ્યો હતો. આ અલગ કાર્યક્રમમાં પણ પાર્ટીના ટોચના નેતાઓએ પરંપરા પ્રમાણે ‘વંદે માતરમ' ગાનનું અપમાન કર્યું હતું. આ રાષ્ટ્રીય ગાન ચાલુ હતું ત્યારે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વગેરે નેતાઓએ અણગમો વ્યક્ત કરીને કેમેરા સામે જ શિસ્ત તોડી હતી. આ બંને વિવાદો આજે પણ ચાલી રહ્યા છે, જેના કારણે સ્વાતંત્ર્ય પર્વ જેવા પવિત્ર દિવસની ગરિમા આવા રાજકીય વિવાદોમાં ઢસડાઈ ગઈ હતી. દેશ માટે કુરબાની આપનારા મહાન બલિદાનીઓને કોઈ યાદ કરતું ન હતું.
સત્તાધીશ પાવરમાં ગણાય છે, તેથી દેશમાં રહેલી દિમાગી નક્સલોની જમાતને સરકાર કાયદાકીય રીતે ઝેર કરવાને બદલે માત્ર રાજકીય નિવેદનો શા માટે કરે છે? બીજી બાજુ લઘુમતી વોટબેંક કોંગ્રેસથી દૂર થઈ ગઈ હોવા છતાં હજુ પણ કોંગીજનો તેમના મુજરા કરતા રહે છે. ‘વંદે માતરમ' પ્રત્યેનો આ અણગમો પણ તે મુજરાનો જ એક ભાગ હતો. પક્ષનું સતત પતન થઈ રહ્યું હોવા છતાં કોંગ્રેસ હજુ આ મુજરામાંથી ઊંચી આવતી નથી.
આવા નિમ્ન કક્ષાના વિવાદો સામે દેશના લોકોનો પ્રચંડ વિરોધ ઉઠવો જોઈએ. શાસક અને વિપક્ષ પોતાના અંગત રાજકીય હિત માટે વિવાદો કરે ત્યારે જાગળત લોકોએ જ તેનો ખુલ્લેઆમ વિરોધ કરવો પડશે. દેશના નેતાઓને હવે સ્પષ્ટ કહેવાનો સમય આવી ગયો છે કે દેશને હવે નકામા વિવાદો નહીં, પણ વિવાદો અને દેશની જટિલ સમસ્યાઓના કાયમી ઉકેલની જરૂર છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
