<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સોશિયલ મીડિયામાં રાજકીય ફેશન

રાતોરાત પક્ષ સ્‍થાપવાના ગતકડાં જોરમાં: ઉભાઉભ લાખો સમર્થકો અને રાતોરાત ઉઠમણાઃ નવા નેતા-નેતીઓની ગુજરી બજારઃ મોટાભાગે રાજકીય જોકર જેવી ભૂમિકા

 

 

 

 ં સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં હવે નવો પક્ષ સ્‍થાપવા માટે કોઈ વિચારધારા, કાર્યકરો,  ફંડ કે ગાંધીનગર- દિલ્‍હીના ધક્કા ખાવાની જરૂર નથી રહી. માત્ર એક સ્‍માર્ટફોન, ટ્‍વિટર કે ઇન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ અને બે-ચાર મજેદાર મીમ્‍સ હોય એટલે રાતોરાત નવી ‘જનતા પાર્ટી' તૈયાર થઈ જાય છે!

તાજેતરનો જ કિસ્‍સો લો. વડાપ્રધાન મોદીજીના એક નિવેદનના ગણતરીના કલાકોમાં જ ઇન્‍સ્‍ટાગ્રામ પર ‘દિમાગી નક્‍સલ જનતા પાર્ટી'નું ડિજિટલ સ્‍થાપન  થઈ ગયું. ગંભીરતાથી રાજકારણ સમજતા લોકોને આヘર્ય થાય તે પહેલાં તો આ વર્ચ્‍યુઅલ પક્ષમાં લાખો સમર્થકો, લાઈક્‍સ અને ફોલોઅર્સનો અપરંપાર તાંતડો લાગી ગયો.

આ રાજકીય ફેશન કે ગતકડાંની શરૂઆત ‘કોકરોચ જનતા પાર્ટી' થી થઈ હતી. ત્‍યારબાદ કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરીના ઈ-૨૦ ઈંધણ વિવાદ પછી તો નવરા ડિજિટલ નેતાઓએ તરત જ ‘ઈ-૨૦ જનતા પાર્ટી'નું પાટીયું પણ ઝૂલાવી દીધું હતું. અને હવે ૧૫ ઓગસ્‍ટના રોજ ‘દિમાગી નક્‍સલ જનતા પાર્ટી' માર્કેટમાં આવી ગઈ છે.

 ડિજિટલ સ્‍પેસમાં નવરી જમાતનો કોઈ પાર નથી. કોઈપણ ચતુર દિમાગ કોઈ નવું વિવાદિત કે હાસ્‍યાસ્‍પદ ગતકડું બહાર પાડે, એટલે આ સમર્થકોની ફોજ કીડીઓની જેમ બણબણવા લાગે છે. અસલી રમૂજ તો ત્‍યારે થાય છે જ્‍યારે કોઈ પણ નક્કર નામોનિશાન, કાનૂની નોંધણી કે પ્રજા પ્રત્‍યેની જવાબદારી વગરના આ ‘સોશિયાલિયા પક્ષો' રાષ્‍ટ્રીય મીડિયામાં મોટી હેડલાઈન્‍સ અને ચર્ચાનો વિષય બની ચમકવા લાગે છે!

જોકે, જેટલી ઝડપે આ પક્ષોનો જન્‍મ થાય છે, તેટલી જ ઝડપે તેનું ઉઠમણું પણ થઈ જાય છે. ‘કોકરોચ જનતા પાર્ટી' ખૂબ ચગી હતી, પણ થોડા જ દિવસોમાં તેની વેલ્‍યુ ઘટી ગઈ.‘ઈ-૨૦ પાર્ટી' ના સરનામા તો  ૧૦ દિવસમાં વીખાઈ ગયા.

આ નવી હાસ્‍યાસ્‍પદ ફેશનમાં ‘ઈન્‍ટરનેટ ક્રાંતિકારીઓ' ક્રાંતિ કરવા તો નીકળી પડે છે, પરંતુ તેમની પાસે લડવાની ત્રેવડ, પાયાનો સંકલ્‍પ કે દીર્ઘદ્રષ્ટિ વાળી રણનીતિ હોતી નથી. પરિણામે, પાંચ-દસ દિવસમાં આ ગતકડું સાવ ડલ થઈ જાય છે અને નેતા-નેતીઓની ગુજરી બજાર બંધ થઈ જાય છે. ભારત પાસે દિમાગી નક્‍સલવાદીઓ કરતા દિમાગી નવરાશ ધરાવતા નેટિઝન્‍સની પ્રચંડ બહુમતી છે, જેઓ દર અઠવાડિયે નવો પક્ષ બનાવી પોતાના જ રચેલા વર્ચ્‍યુઅલ રાજ્‍યના વડાપ્રધાન બની ફરે છે!

મોટાભાગે એકના એક ટોળા દરેક પાર્ટીના સમર્થક હોય છે. દિમાગી નક્‍સલ પાર્ટીને ચિદમ્‍બરમ્‌, કેજરીવાલ જેવાનું સમર્થન પણ મળી ગયું છે. યાદ કરો, કોકરોચ પાર્ટી, ઇ-૨૦ પાર્ટીમાં પણ કેજરીવાલ મોટાભા બની ગયા હતા. દિમાગી પાર્ટીમાં પણ તેઓ જગ્‍યા શોધે છે. આનો મતલબ એ પણ થાય કે, લોકોના ટેકા માટે ફાંફા મારતા નેતાઓ ભાન ભૂલીને અન્‍યના ટેકેદાર બની જાય છે. સોશિયલ મીડિયામાં સ્‍થપાતા પક્ષો રાજનીતિના જોકર જેવી ભૂમિકામાં આવી ગયા છે

(10:52 AM IST)