<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ત્રેવડ હોય તો વિપક્ષ ત્રાટકે

લઠ્ઠાકાંડના હાહાકાર વચ્‍ચે દેશી બેરોકટોકઃ તંત્રની ઘોર નિષ્‍ફળતા, પણ કોંગ્રેસનો માત્ર નિવેદનિયો વિરોધઃ ગામે ગામ દેશીના અડ્ડાઓ પર ત્રાટકીને વિપક્ષ સરકારને ઉઘાડી કેમ નથી પાડતો?

 

 

 

 ભાવનગરના લઠ્ઠાકાંડે  રાજ્‍યમાં હાહાકાર મચાવી દીધો છે. ઝેરી દારૂ પીવાથી થયેલા લોકોના મોતની ઘટના રાષ્‍ટ્રીય મીડિયામાં પણ છવાઈ ગઈ છે. દર વખતે કોઈ મોટી હોનારત સર્જાયા પછી ગુજરાતનું ગળહ વિભાગ અને સ્‍થાનિક પોલીસ તંત્ર એક્‍શનમાં આવવાના નાટકો કરે છે. દરોડા પાડવાના અને બુટલેગરોને પકડવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્‍તવિકતા એ છે કે તંત્રની ઘોર નિષ્‍ફળતાના કારણે જ મોતના તાંડવ સર્જાયા છે. એક્‍શનના દાવા વચ્‍ચે પણ  દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક અને ધમધમી રહ્યા છે.

આ સમગ્ર હાહાકાર વચ્‍ચે સૌથી મોટો સવાલ વિપક્ષની ભૂમિકા સામે ઊભો થાય છે. લઠ્ઠાકાંડમાં  વિપક્ષ કોંગ્રેસ હંમેશાની જેમ માત્ર નિવેદનો આપીને દમ વગરનો વિરોધ નોંધાવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે.  માથે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્‍યારે સરકારની લાચારી અને તંત્રની નિષ્‍ફળતાને જનતા સામે ખુલ્લી પાડવાનો આ બહુ મોટો મોકો છે, તેમ છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  બંને પક્ષો કોઈ પણ નક્કર કે પ્રભાવશાળી કાર્યક્રમ કર્યા વગર માત્ર આડેધડ આક્ષેપો કરવામાં જ વ્‍યસ્‍ત છે.

અગાઉ બનેલા અગ્નિકાંડથી માંડીને અનેક ગંભીર કાંડોમાં પણ સરકાર ભીંસમાં આવી શકે તેમ હતી, પરંતુ વિપક્ષ કયારેય પોતાના નિવેદનિયા વિરોધથી આગળ વધી શકયો નથી. મોટા કાંડોમાં આખરે રાજકીય માથાં અને અન્‍ય મોટાં માથાં  સહેલાઈથી છટકી ગયા અને વિપક્ષ કંઈ જ ઉકાળી શકયો નહીં. લઠ્ઠાકાંડ વિપક્ષ માટે સરકારની પોલ ખોલવાની એક ઉત્તમ તક લઈને આવ્‍યો છે. દારૂના કાળા કારોબારમાં ચાલતા હપ્તાખોરી અને સેટિંગ આસાનીથી ઉઘાડા પડી શકે તેમ છે.

શહેરોના ખૂણે-ખૂણે તથા  ગામેગામ દેશી દારૂના ધંધા ખુલ્લેઆમ ચાલે છે. જો વિપક્ષના કાર્યકરો અને નેતાઓ પોતે રસ્‍તા પર ઉતરીને આ અડ્ડાઓ પર જનતા દરોડા પાડે, તો સરકાર અને પોલીસ તંત્ર બંનેની પોલ એક ક્ષણમાં ખુલી જાય. પરંતુ આヘર્યજનક રીતે વિપક્ષ આવા કોઇ પગલાં ભરતો નથી. એવી આશંકા સેવાઈ રહી છે કે વિપક્ષને પણ હપ્‍તાનો ભાગ મળી જતો હશે. વિપક્ષમાં મોટા પદ પર ગોઠવાયેલા કેટલાક લોકો પોતાના વ્‍યક્‍તિગત લાભ માટે ખુદના પક્ષને જ મોટું નુકસાન પહોંચાડી રહ્યા હોય તેમ લાગે છે.

ગુજરાતની સામાન્‍ય જનતા અને મહિલાઓ નશાખોરોથી ત્રાહીમામ થઈ ચૂકી છે. અસંખ્‍ય પરિવારો બરબાદ થઇ રહ્યા છે. જો વિપક્ષ દેશી દારૂના અડ્ડાઓ પર સીધો ત્રાટકે, તો તેમને જનતાનો ભરપૂર સાથ-સહકાર મળી શકે તેમ છે. પરંતુ અફસોસની વાત એ છે કે ગુજરાતનો વિપક્ષ કોઈ અલગ જ પ્રકારના નશામાં ડૂબેલો હોય તેમ ચુપચાપ તમાશો જોઈ રહ્યો છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસે એક પણ રાજ્‍યવ્‍યાપી નિર્ણાયક લડત આપી નથી. વિપક્ષ મરણિયો બનીને મેદાનમાં આવ્‍યો નથી. સત્તા  ગિફ્‌ટમાં મળે તેની વિપક્ષ રાહ જોતો હોય તેમ લાગે છે. ચૂંટણી હારી જાય ત્‍યારે ઇવીએમ અને મત ચોરીના દેકારા કરવા લાગે છે, વાસ્‍તવિક્‍તા એ છે કે, વિપક્ષ દમ વગરનો હોવાથી ગુજરાત પર નબળી નેતાગીરી ઠોકી દેવામાં આવી છે.

(10:17 AM IST)