<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

વ્‍યાજના તાંડવ સામે શાસક-પોલીસ લાચાર

બે ઘટના.. રાજકોટમાં પોલીસ કોન્‍સ્‍ટેબલે વ્‍યાજખોરોથી ફફડીને ફરિયાદ કરીઃ મોરબીમાં વ્‍યાજખોરના ત્રાસથી ભાજપી નેતાનો આપઘાતઃ શાસક અને પોલીસ બંને ધ્રુજે છે, પણ તંત્રને શરમ નથી આવતી

ગુજરાતમાં વ્‍યાજખોરો અને અપરાધીઓનું તાંડવ હવે તમામ સીમાઓ વટાવી ચૂકયું છે. મોરબીમાં ભાજપ મીડિયા સેલના સહ ઇન્‍ચાર્જે વ્‍યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતાં રાજ્‍યભરમાં હાહાકાર ફેલાયો છે. શાસક પક્ષના સક્રિય નેતા જ જ્‍યારે વ્‍યાજચક્રમાંથી ઉગરી ન શકે અને મોત વહાલું કરે, ત્‍યારે સામાન્‍ય નાગરિકની સલામતી પર મોટો પ્રશ્નાર્થ ચિホ મુકાય છે.     

આ કરૂણ ઘટના અગાઉ રાજકોટમાં પણ એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો હતો, જ્‍યાં ખુદ પોલીસ કર્મચારીએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી કે,  વ્‍યાજખોરોથી પોતાના અને પરિવારના જીવ પર જોખમ છે! પોલીસ ખુદ ગુંડાથી ફફડે એ સામાન્‍ય બાબત ન જ ગણાય.

અપરાધમુક્‍ત ગુજરાત બનાવવાની મૂળભૂત જવાબદારી શાસક પક્ષ અને પોલીસ તંત્રની હોય છે. પરંતુ આ બંને ઘટનાઓ રાજ્‍યની સિસ્‍ટમ્‍સની  અવદશાનું અત્‍યંત ભયાનક ચિત્ર રજૂ કરે છે. એક તરફ શાસક પક્ષના હોદ્દેદાર ગુંડાઓના ત્રાસથી ફફડીને આપઘાત કરવા મજબૂર બને છે, તો બીજી તરફ કાયદાનું પાલન કરાવતી પોલીસ ખુદ ગુંડાઓથી ધ્રુજીને પોતાના જ તંત્ર પાસે રક્ષણ માંગે છે. આનાથી મોટી લાચારી બીજી કઈ હોઈ શકે? ગુંડાઓના આવા ખુલ્લા તાંડવ છતાં સ્‍થાનિક પોલીસ કમિશનરને જરાય શરમ આવતી નથી અને ગાંધીનગર બેઠેલી સરકાર પણ જરાય ધગતી નથી.

અપરાધીઓ સાવ બેકાબૂ બન્‍યા છે અને શાસન અને સિસ્‍ટમ્‍સ પંગુ સાબિત થઈ રહી છે. જો રક્ષક અને શાસક બંને વ્‍યાજખોરો સામે ધ્રુજતા હોય, તો પછી સામાન્‍ય નાગરિકોની દશા કેવી હશે , તે વિચારવું પણ કંપારી છૂટે તેવું છે. પ્રચંડ બહુમતી ધરાવતી સરકાર હોવા છતાં, આટલી અતિ નબળી અને લાચાર નેતાગીરીને ગુજરાતની જનતા સહન કરી રહી છે..

હાલનું વહીવટી તંત્ર સાવ રણનીતિ વગરનું સાબિત થઈ રહ્યું છે. ગુંડાઓ અને અસામાજિક તત્ત્વો સામે આકરા પગલાં ભરવાની કે તેમની સામે લડવાની ત્રેવડ કોઇનામાં હોય તેમ લાગતું નથી. જો સત્તાધીશો પોતાના જ સાથીઓ કે કર્મચારીઓને બચાવી શકતા ન હોય, તેનો અર્થ એ થાય કે  કાયદા અને વ્‍યવસ્‍થાનો ડર સાવ ઓગળી ગયો છે. હવે  ગુજરાતના નાગરિકોએ આ મુદ્દે અત્‍યંત ગંભીર બનવું પડશે, નહિતર આ વ્‍યાજખોરીનો રાક્ષસ આખા સમાજને ઓહિયા કરી જશે.

(1:07 PM IST)