<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

તીવ્ર ઘોંઘાટ સામે દેકારા કરો!

જન્‍માષ્‍ટમી બાદ ગણપતિ પછી નોરતા.. ધર્મને ઘોંઘાટિયો બનતો અટકાવોઃ ડીજે, મ્‍યુઝિક સિસ્‍ટમ ભૂંગળા વગેરે અંગે આક્રમક કાર્યવાહી જરૂરીઃ સરકાર ઉપરાંત સંતો પણ ઘોંઘાટ સામે મેદાનમાં આવે

 

 

 

ધર્મ માણસના માનસિક તનાવને દૂર કરવાથી માંડીને મનને પરમ પ્રસન્નતા તરફ લઇ જવાનું માધ્‍યમ છે. આ માટે સતત વિવિધ ઉત્‍સવો, પર્વો ઉજવવામાં આવે છે. જો કે ઘણાં સમયથી આપણી ધાર્મિક્‍તા આડા પાટે ચઢી ગઇ છે. ધર્મ ખુદ અતિ ભયાનક તનાવ આપવા લાગ્‍યા છે. આપણી આસ્‍થા હવે ભક્‍તિથી નહીં, પણ વોટ્‍સ અને ડેસીબલથી માપવા લાગી છે! જન્‍માષ્ટમી ગઈ, ગણેશોત્‍સવનો કાનફાડ ઘોંઘાટ શરૂ થશે અને બાદમાં  નોરતા આવવાના છે. તહેવારો આવતા જ ધર્મના નામે જે ‘‘ડીજે સંસ્‍કળતિ'' વહેતી થઈ છે, તેણે ભક્‍તિને બેસૂરા મનોરંજનમાં ફેરવી નાખી છે. ભક્‍તિ અને સાધનાનો માર્ગ જે શાંતિનો હતો, તે હવે ૧૨૦ ડેસીબલના ધમધમાટ પાછળ ડૂબી ગયો છે.

 આરોગ્‍ય વિજ્ઞાન પ્રમાણે માણસના કાન ૭૫ થી ૮૦ ડેસીબલ સુધીનો અવાજ જ સલામત રીતે સહન કરી શકે. રસ્‍તાઓ પર થતા ૧૦૦ થી ૧૨૦ ડેસીબલની તીવ્રતાના બેસૂરા ધામધૂમથી હૃદયના ધબકારા ચૂકી જાય છે અને કાનના પડદા ફાટવાની અણી પર આવી જાય છે. સવાલ એ થાય છે કે, શું ઈશ્વર બહેરો થઈ ગયો છે ? તેને સંભળાવવા માટે સોલિડ બેઝવાળા સાઉન્‍ડ બોક્‍સની જરૂર પડે છે? આ આડંબર ધર્મદ્રોહ છે, જેનાથી વળદ્ધો, બાળકો અને દર્દીઓનું જીવવું હરામ થઈ ગયું છે.

સમયમાં ચૂંટણીઓ આવે ત્‍યારે પોલીસ અને તંત્ર સામાન્‍ય બાઇકના સાઇલેન્‍સર તપાસવા નીકળી પડે છે, પણ ધર્મના તથા પ્રસંગોના નામે કાનના પડદા ફાડતા ડીજે માફિયાઓ સામે આ જ તંત્ર આંખ આડા કાન કરી લે છે. વોટબેંકની રાજનીતિમાં કાયદો પણ ડેસીબલના ઘોંઘાટ સામે બહેરો બની જાય છે!

 બીજી તરફ, મંચ પરથી ઉપદેશ આપતા ભગવાધારી સંતો અને મહંતો પણ ઘોંઘાટ સામે  કેમ મૌન છે? જે સંતો સમાજને સાચો માર્ગ બતાવવાની વાતો કરે છે, તેઓ પોતાના આશ્રમો કે પંડાલો બહાર વાગતા આ અસહ્ય રાક્ષસી અવાજ સામે એક શબ્‍દ બોલવાની હિંમત કેમ દાખવતા નથી?

સરકારે હવે માત્ર કાગળ પર નિયમો બનાવીને સંતોષ માનવાને બદલે ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સામે આક્રમક અને દાખલારૂપ જપ્તીની કાર્યવાહી કરવી જ પડશે. ધર્મની પવિત્રતા જાળવવી હોય તો તંત્રએ કાયદાનો સપાટો બોલાવવો પડશે અને સંતોએ પણ વ્‍યાસપીઠ પરથી નીચે ઊતરીને ઘોંઘાટ સામે ખુલ્લેઆમ મેદાનમાં આવવું જોઈએ.

માત્ર સનાતન ધર્મના ઉત્‍સવોમાં જ નહિ, દરેક ધર્મ માટે સમાન અને કડક કાર્યવાહી અનિવાર્ય છે. મહારાષ્‍ટ્ર અને પ.બંગાળ સરકારે ગણપતિ, નવરાત્રી ઉત્‍સવો અંગે અત્‍યંત કડક પગલાં જાહેર કર્યા છે. ગુજરાતમાં શાસકો ખુદ ભયભીત છે. દરેક મુદે નક્કર કાર્યવાહીનો અભાવ છે. આ કારણે ધર્મના નામે તીવ્ર ઘોંઘાટની સ્‍પર્ધા જામે છે. લોકોએ જ ઘોંઘાટ સામે દેકારા કરી મૂકીને શાસકો પર દબાણ લાવવું અનિવાર્ય બન્‍યું છે

(10:45 AM IST)