<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

કોંગ્રેસ દ્વારા ખુદના પતનનું અભિયાન

ગુજરાતમાંનબળા શાસનથી લોકો ત્રાહીમામઃ વિપક્ષ માટે શ્રેષ્‍ઠ માહોલઃ કોંગ્રેસના નેતાએ લોક સમસ્‍યાને બદલે વંદેમાતરમ્‌ જેવા વૈચારિક મુદ્‌ા છેડીને નબળા ભાજપીઓને સબળા બનવાની તક આપી

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ ખુદના પક્ષના ટાંટિયા તોડી નાખવાની પરંપરા જાળવી છે. નજર સામે અનુકુળ મુદ્દાઓનો છપ્‍પનભોગ હોવા છતાં કોંગ્રેસના નેતાઓ ઝેર પસંદ કરીને રાજકીય આヘર્ય સર્જી રહ્યા છે.  આ નીતિના કારણે નબળા  ભાજપને  મોજ પડી જાય છે.

ગુજરાતમાં અતિ નબળા શાસકોના વહીવટના કારણે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિથી માંડીને સરકારી સ્‍તરની મોટાભાગની વ્‍યવસ્‍થાઓ બેહાલ બની ચૂકી છે. સત્તાના શિખરે ગોઠવાયેલા નેતાઓ જનતાની અપેક્ષાઓ સામે તદ્દન વામણા પુરવાર થઈ રહ્યા  છે. પરિણામે, રાજ્‍યમાં શાસક પક્ષ ભાજપની પક્કડ દિન-પ્રતિદિન ઢીલી પડી રહી છે. પ્રજામાં સરકાર સામે વ્‍યાપક નારાજગી જોવા મળી રહ્યો છે. બીજી તરફ ધારાસભાની ચૂંટણી નજીક આવી રહી છે. સ્‍થિતિની ગંભીરતા સમજીને  વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ગળહમંત્રી અમિત શાહના ગુજરાતમાં આટાફેરા અચાનક વધી ગયા છે.

 છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી વંચિત રહેલા વિપક્ષ કોંગ્રેસ માટે આવો રાજકીય માહોલ અતિ અનુકૂળ ગણાય. સ્‍થાનિક સ્‍તરથી લઈને  રાજ્‍યસ્‍તરની સળગતી સમસ્‍યાઓ અને મોંઘવારી જેવા મુદ્દે જો કોંગ્રેસ નિર્ણાયક આક્રમણ કરે, તો ભાજપી નેતાઓની ઊંઘ હરામ  થઈ જાય તેમ  છે. જોકે, કોંગ્રેસના નેતાઓએ પોતાની જૂની કુટેવ મુજબ ખુદના જ પક્ષની પથારી ફેરવવાનું સેલ્‍ફ-ગોલ અભિયાન ફરી શરૂ કરી દીધું છે.

ધારાસભાના વર્તમાન સત્રમાં લઠ્ઠાકાંડ જેવા અત્‍યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દે સરકારને ચારેય તરફથી ઘેરવાની સુવર્ણ તક છે. કોંગ્રેસના ધારાસભ્‍ય ઈમરાન ખેડાવાલાએ  વંદેમાતરમ્‌ ગાનનો વિરોધ કરીને બિનજરૂરી વિવાદ છેડવાની મોટી ભૂલ કરી છે. તેમણે માત્ર સસ્‍તા  પ્રકારની પ્રસિદ્ધિ મેળવવા માટે આ પગલું ભર્યું છે. પરંતુ આવા બિનજરૂરી મુદ્દાઓ ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય પથારી ફેરવી રહ્યા છે.

ઈમરાને વંદેમાતરમ્‌ વિવાદ ઊભો કરીને ચારેય તરફથી ફસાયેલા ભાજપને સામેથી આક્રમણ કરવાનો મોકો આપી દીધો છે.           

વૈચારિક અને રાષ્‍ટ્રવાદી મુદ્દાઓ પર ભાજપની પક્કડ અતિ મજબૂત છે. કોંગ્રેસ વૈચારિક લડાઈમાં ભાજપને કયારેય પહોંચી શકે તેમ નથી. વિપક્ષ તરીકે જો મત મેળવવા હોય તો ભાજપને ઘેરવા માટે માત્ર પ્રજાની વાસ્‍તવિક સમસ્‍યાઓ પર જ ધ્‍યાન કેન્‍દ્રિત કરવું પડે તેમ છે. ઈમરાન જેવા અવિચારી કે સેટિંગબાજ નેતાઓએ ભાજપને રાજકીય અનુકુળતા કરી આપી છે. હિન્‍દુત્‍વ કે રાષ્‍ટ્રવાદ જેવા સંવેદનશીલ મુદ્દાઓ કોંગ્રેસ માટે હંમેશા ઘાતક સાબિત થાય છે. કોંગ્રેસે આ વિષયોથી દૂર રહેવું જોઈએ. તેના બદલે સામેથી આવા મુદ્દા ભાજપને અર્પણ કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે તે મોટો કોયડો છે.

ગુજરાતમાં સંપૂર્ણ નિષ્‍ફળ જેવો રહેલો ભાજપ ચૂંટણી વખતે હિન્‍દુત્‍વ અને રાષ્‍ટ્રવાદના ગતકડાં રજૂ કરીને મત ખંખેરે છે. તેમની આ નીતિ ગુજરાતમાં સફળ પણ રહી છે. કોંગ્રેસે લોક-સમસ્‍યાઓ પર જ નિર્ણાયક રાજનીતિ ઘડવાની હોય. જો કે એવું સ્‍પષ્ટ લાગે છે કે, ગુજરાત કોંગ્રેસમાં ભાજપ પ્રેમીઓનો પાર નથી. સામાન્‍ય માણસને સમજાય તેવી રાજનીતિ કોંગ્રેસના નેતાઓ સમજી ન શકે તે વિચિત્ર ગણાય.

(11:21 AM IST)